કૃષ્ણ કામણગારા ! આવો, સાથે રાધારાણીને લાવો,
મીઠી મનહર મુરલી વગાડો, ઘોર નિંદરમાંથી જગાડો...કૃષ્ણ...
પ્રભુપ્રેમમાં મસ્ત બનાવો, પ્રેમામૃતનું પાન કરાવો;
મારું દિલડું સદાયે ઝંખે, એને વિરહ વેદના ડંખે...કૃષ્ણ...
પ્રેમચુંદડી પહેરીને આજે દ્વાર ઊભી તમારે કાજે,
પ્રેમપોકાર સુણી પધારો, મારી શ્રદ્ધાભક્તિને વધારો...કૃષ્ણ...
પૂજું પ્રેમના પુષ્પે તમને, સ્વીકારી લેજો સ્નેહે અમને;
અમ જીવનને સજાવો, પાવો પૂર્ણતા કેરો બજાવો...કૃષ્ણ...
MP3 Audio
રચના સમયના મનોભાવો
ભગવાન શ્રીકૃષ્ણની પ્રતીક્ષા વર્ણવતું આ પદ છે.
અજ્ઞાન-નિંદ્રામાંથી પ્રભુ પોતાના જ્ઞાનના મધુરા બંસીવાદનથી જગાડે અને પ્રભુપ્રેમમાં જ મસ્ત બનાવે એવી અપેક્ષા રાખવામાં આવી છે.
અંતર તો એના પ્રિયતમ પ્રભુની જ પ્રતીક્ષા કરી રહ્યું છે. વિરહની વેદનાથી તે વલોવાઈ રહ્યું છે. એ ભૂમિકાને ધ્યાનમાં રાખીને શ્રીકૃષ્ણ રાધાજી સાથે પધારે એ જરૂરી છે.
શ્રીકૃષ્ણના સ્વાગત માટે પ્રભુપ્રેમની પવિત્ર ચુંદડીનો શણગાર સજ્યો છે. પ્રેમના પોકાર જરૂર સંભળાશે. પ્રેમનાં પુષ્પોથી જ આપનું પૂજન કરીશ, તો પ્રેમથી સ્વીકારજે, જીવનને પૂર્ણ બનાવજે - એવી વિનંતિ અહીં કરવામાં આવી છે.