મારાં અંગ બધાંય ગળ્યાં !
વિરહવેદના વેઠીવેઠી હાડ બધાંય ફર્યાં ... મારાં.
લોચન ઊંડાં જતાં રહ્યાં છે, તેજ ખરે જ ટળ્યાં;
શક્તિ સારી ગઈ સુકાઈ, ચેતનતત્વ મર્યાં ... મારાં.
વ્યાકુળતાએ હૈયું વલોવ્યું, તીખા તાપ ભર્યા;
તોપણ આનંદી મેં તમને મંગલગીત ધર્યાં ... મારાં.
સ્મિતની છાયા રાખી વદને, શોક બધાય હર્યા;
મંથનમાંથી માખણ આપ્યું, સંકટ સુમન ગણ્યાં ... મારાં.
સ્પર્શ તમારો શીતળ કરશે અંગ નવાં સઘળાં,
આલિંગનથી થશે અલૌકિક, સત્વર પ્રાણભર્યાં ... મારાં.
એ આશાથી તલસું આજે રાખી ભાવ ભર્યા;
‘પાગલ’ને અમૃતમય કરજો જેમ અનેક કર્યા ... મારાં.
- શ્રી યોગેશ્વરજી

