Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જો તમે ના સાંભળો તો ક્યાં કરું પોકાર?
સ્વજન જો ના સાંભળે તો સાંભળે કો સાર?
તમે સત્કારો નહીં તો કરે કો’ સત્કાર,
તમે રસ ના રેલશો કો’ રેલશે રસધાર?

છાંય ના ઢાળો તમે ઢાળે પછી કો’ છાંય ?
તાપ કેમ ટળે, સળગવું સદા અગ્નિમાંહ્ય;
દ્વાર મંદિરનાં તમારાં બંધ જો થાયે,
બંધ તો સંસાર સારો, બાલ ક્યાં જાયે?

મધુર વચને ના તમે બોલાવશો મુજને,
કોણ બોલાવે પછીથી કરે પ્રેમ મને?
અન્ય છે સંસારમાં કોઈ ય મારું ના,
સ્વજન તેમ સખા સુહ્દ કો પ્રાણ પ્યારું ના.

જખમ અંતરમાં પડ્યા તે જો રુઝાવો ના,
મલમપટ્ટી લગાવી પૂરા રુઝાવો ના;
કોણ તો રૂઝવે કહો, કોને દયા છે હા !
ગરજ કોને, સત્વ શક્તિ અન્યમાં છે ના.

તલસતાં તપતાં તમારાં બાલને જોશો,
રંક રોતાં શ્રમિતનાં જો આંસુ ના લોશો,
ડૂબતાં ને વ્યગ્રને જોયા જ જો કરશો,
કેમ તો તે ચાલશે, પીડા ન જો હરશો?

અલ્પતા ને અમંગલને પાર કરનારાં,
તમે કેવલ એક છો સૌ કષ્ટ હરનારાં;
તમે તારો ને ઉગારો સર્વને ક્ષણમાં,
પ્રકાશો છો સૂર્યથી યે અધિક જગવનમાં.

મળે ના વૈભવ વળી જો દીનતા ન ટળે,
શમે ના જો ક્લેશ ચિંતા પિપાસા ન મરે,
તમારા આશ્રય થકી દળદર બધું ન ટળે,
ટળે તો તો ક્યાં કહો, ક્યાં મુક્તિભુક્તિ મળે?

તમારાં ચરણોમહીં તો મુક્તિભુક્તિ રમે,
તમારી પાછળ બધાયે ભોગયોગ ભમે;
તમે એક અમીર છો, બીજા દરિદ્ર ખરે,
તમે ત્યાગો અન્ય તો આશ્રય જ કોણ ધરે?

તમારાં ચરણોમહીં છે પ્રીતડી જાગી,
તૃષા જેને તમારા દર્શનતણી લાગી;
તજી તમને તે નહીં અન્યત્ર ક્યાંય ભમે,
તજી સર્વસમર્થને કો’ રંક સાથ રમે?

પતિતને છે તારનારું તમારા વિણ કો’?
વિચારી લો શાંત ચિત્તે જરા બેસી તો;
તમારા વિણ અન્યનો આધાર મુજને ના,
તલસતું તેથી હૃદય તમને નિરંતર આ.

તમે કરશો કાર્ય ના તો કાર્ય કોણ કરે?
તૃપ્તિ ને આરામ ઉરને અન્ય કોણ ધરે?
કોણ ‘પાગલ’ બાલનો ઉદ્ધાર પણ કરશે?
તમારા વિણ કોણ એને ભાવથી ભરશે?

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit