Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દીપાવલી કેમ સજે ન સાજ,
પ્રકાશની રાત મહાન આજ.

ઘરેઘરે દીપક છે પ્રકાશ્યા,
અનંત છે મંદિરમાં વિરાજ્યા;
દેખાય તારાગણ છેક કાચા,
પ્રકાશને યે પ્રકટેલ વાચા !

દીપાવલી કેમ સજે ન સાજ,
પ્રકાશની મંગલ રાત આજ.

પ્રકાશના પંથતણો પ્રવાસી,
બેઠો હું આજે તજતાં ઉદાસી;
થઈ રહ્યો અંતરમાં અવાજ,
પ્રકાશની રાત મહાન આજ.

પ્રકાશનો પૂરણ પંથ થાય,
સિદ્ધિ મળી પૂરણ આજ જાય;
સજી લઊં સુંદર છેક સાજ,
પ્રકાશની મંગલ રાત આજ.

દીપાવલીથી વધુ તેજ ધારી,
સુવાસ ને કાંતિ અનંત ન્યારી
લઈ પધારો મુજ પાસ પ્રેમે,
કૃપા કરો આજ અવશ્ય કેમે.

પ્રેમપાવન આજે તો પૂર્ણ સાધનકાલ હો,
કાલે સંસિદ્ધિનું ન્યારું પ્રકટેલ પ્રભાત હો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit