આપણો તો પૂરવ જનમનો પ્રેમ.
તમે ભૂલી ગયાં છો કેમ?
વારેવારે તમોને યાદી આપી મેં, પ્રીતનો ન્યારો નેમ;
તોયે ના પ્રેમ કરી પાસે પધાર્યાં, રોઈ રહ્યો એમનેમ.
પ્રેમી કદીયે ના છૂટાં પડે છે, કથામાં કહેવાય એમ;
પ્રાણ એક બંનેના બોલાય એવું; વિસરી ગયાં કે કેમ?
પ્રાણને ઉજાળીને કાંતિ ધરે છે, લાજે એની પાસે હેમ;
પૂજા એ પ્રેમની જુગજુગથી ચાલતી; પૂર્ણાહુતિ થાય કેમ?
આઘે રહ્યાં કેમ વરસોથી આજે, શાને કરો ના રે’મ?
પૃથ્વીમાં આવીને પાડ્યો પોકાર મેં, તમને જ કીધો પ્રેમ.
સાથે રહીને વાતો કરેલી, લીલા કરેલી તેમ;
છાયા ને તાપ જેમ સાથે રહેતાં; ભૂલી ગયા કે કેમ?
વિસરી વિસરાય ના વાતો પુરાણી, ના થવાય અજ્ઞની જેમ;
ધર્મ તમે ભૂલશો તો કેમ કરી ચાલશે, મર્યાદા રે’શે કેમ?
સંદેશ આપવાના તમને ના હોયે ગાઈ ગીતોમાં પ્રેમ;
પોકાર્યા પહેલાં પધારવું ઘટે છે, માનું છું હું તો એમ.
પ્રીતડી પુરાણીને યાદ કરી આવજો દારુડિયાની જેમ;
જડ ને ચેતનમાં પ્રસર્યાં છતાંયે પ્રકટો બનીને પ્રેમ.
આપણો તો પૂરવ જનમનો પ્રેમ.
તમે ભૂલી ગયાં છો કેમ?
- © શ્રી યોગેશ્વરજી

