Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કૃપા કરી દો મારા ઊપર આજ ખરે જ તમે,
હે મા, હે મા ! તમારા બાળકને અન્ય ન કૈંયે ગમે.

વરસોથી એ તલસે તમને ભાવ ભરીને ભારી;
આજ પધારો પ્રેમ કરીને વ્યથા શમાવો સારી.
એમ કરો એ એક બનીને સાથ તમારી રમે.
તમારા બાળકને અન્ય ન કૈંયે ગમે.

તમારા વિના એના ઉરમાં કોઈનું ના સ્થાન;
રોમરોમમાં તમે જ રમતાં, તમે જ બનિયાં પ્રાણ;
પૂજે તમને, સ્તવે તમોને, લગન લઈને ભમે;
તમારા બાળકને અન્ય ન કૈંયે ગમે.

તરસ ટળે ના ક્યાંયે એની, ક્યાંય મળે ના છાંય;
ડૂબી રહ્યો નિરંતર દરિયે, કોણ જ પકડે બાંય !
પ્રકટો, પાઓ પ્રેમામૃત તો સાથ તમારી જમે;
તમારા બાળકને અન્ય ન કૈંયે ગમે.

‘પાગલ’ કહે પ્રવાસ પુરાણો બનિયો ખૂબ હવે;
એકલદોકલ કાપ્યો મારગ ભીષણ દીર્ઘ ભવે.
આજ મળે મુજને ધ્રુવપદ એ ધરજો ધ્યાન તમે.
તમારા બાળકને અન્ય ન કૈંયે ગમે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit