Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રથમવાર પ્રકટેલાં ત્યારે શક્યો નહીં જાણી,
સદાકાજ છોડીશ હવે ના, રહીશ રસ માણી.
પ્રકટ બની લો પ્રેમ કરીને રૂપ લઈ મધુરું,
કૃતાર્થ થાયે કાયા મારી અમી લભી અદકું.
... પ્રથમવાર પ્રકટેલાં ત્યારે.

કોને ખબર હતી કે પડશે વિરહે મરવું આમ,
દિવસો સુધી ન ક્યાંયે મળશે ઠરવા માટે ઠામ?
જેને ઝંખ્યાં તે જ જડેલાં, હતી ન ત્યારે જાણ,
દિલ દીધું તે દિલથી આવ્યાં કરવા રસની લ્હાણ.
મંદિરના પ્રાંગણમાં પ્રકટ્યાં, પ્રકટે જેમ પ્રભાત,
નવ્ય તેમ રસમય તેજેભર, પ્રકટે જેમ પ્રભાત.
... પ્રથમવાર પ્રકટેલાં ત્યારે.

સૂર સાંભળી મારા રોયાં વ્યક્ત કરીને પ્રીત,
પરંતુ મેં સંદેશ સુણ્યો ના, ના જ સુણ્યું સંગીત.
માનવરૂપે પ્રકટ થયેલાં, સમજ પડી ન મને,
સમજાવ્યું ના તમેય મુજને જો કે બેઠાં કને.
નહિ તો સિદ્ધિ હોત સાંપડી, તપ પણ થાત પુરું,
વસવું પડત ન વનમાં મારે ગીત લઈ અધુરું.
... પ્રથમવાર પ્રકટેલાં ત્યારે.

પ્રસાદ આપ્યો તમે છતાંયે આરોગ્યો ના મેં,
એ માટે અફસોસ ખરેખર મારે હૈયે છે.
પ્રકટ થઈને પ્રસાદ આપો ફરી પ્રેમથી આજ,
પલટાઈ જાયે તનમન આ, પૂરણ થાય કાજ.
અંતર પ્રાર્થે ક્ષમા કરીને મારા દોષ તમે,
આજે પ્રકટો તો ઉપવાસી બાલક કાલ જમે.
... પ્રથમવાર પ્રકટેલાં ત્યારે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit