ભયંકર ખૂબ ખરે ભમરો.
ડંખે ત્યારે દર્દ કરે છે, ભારેખમ ભમરો ... ભયંકર ખૂબ.
તોડી નાખે કઠિન કાષ્ઠને, પાડે છેદ ખરો,
બળવાન ઘણો ગણાય એ તો, ખૂબ કહ્યો કપરો ... ભયંકર ખૂબ.
કમલ પાસ પરવશ પણ થાયે, બલ સઘળું વિસર્યો;
પૂરાયો ત્યાં પુષ્કળ પ્રેમે, પાછો ના જ ફર્યો ... ભયંકર ખૂબ.
તેમ બલી પણ મોહિત થાયે રૂપ તમારે હો;
કમલથકી કોમલ લોચનમાં કેદ ન થાયે કો’ ? ... ભયંકર ખૂબ.
પ્રેમપ્રભાવ કહ્યો છે એવો સંતોએ સઘળો;
મધુરતાતણી અજબ મોહિની, નેહનશો મધુરો ... ભયંકર ખૂબ.
આતમ નિર્બળ છેક જ સાચે પ્રેમાસક્ત થયો,
અચરજ તેથી લેશ થશે ના, તમને ફક્ત વર્યો ... ભયંકર ખૂબ.
- © શ્રી યોગેશ્વરજી

