આજે આશા ફળજો મારી.
આજે ફળો આપણી યારી.
કેટલાંય વરસોથી પોષી જતન કરીને ભારી;
ના કરમાશો કોમળ ઉરની પ્રેમપાંખડી ન્યારી ... આજે.
સુગંધ એની છેક અનેરી લેજો આજ સ્વિકારી;
સ્પર્શ કરી દો રસમય દેતાં જીવન સર્વ ઉજાળી ... આજે.
સુવાસિત બનો શુભાગમનથી રંક મઢૂલી મારી;
મંગલતાનું મંદિર બનજો ધરા તમોને ધારી ... આજે.
ટળી જજો સંપૂર્ણ દૈન્ય ને ચિંતા મારી ભારી;
સ્વપ્ન સકળ સાકાર થજો ને બધી ઉઘડજો બારી ... આજે.
જીવનમાં જીવન ભરજો ને લેજો જલદી તારી;
પાવન કરજો પ્રકાશ રેલી જડતા સમૂળ મારી ... આજે.
પ્રેમાળ હજી થજો વધારે હમદર્દીને ધારી;
ગૌરવ કરજો આજ ઉભયનું મૈત્રી પર યશ ઢાળી ... આજે.
વહી જાય છે જીવન વેગે, હ્રાસ થાય છે ભારી;
પૂજા કરું તમારી એથી, એ અભિલાષા મારી ... આજે.
પૂજાનું સૌભાગ્ય મને દો, ‘પાગલ’ જાયે વારી;
જોજો પાદપ્રહારે ઉરને જખમ કરો ના ભારી ... આજે.
- © શ્રી યોગેશ્વરજી

