Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કલ્યાણની ખરેખર વર્ષા હવે કરી દો !

ધરતી ઘણી તપી છે, વિહ્વલ બની રહી છે;
રસના નિધાન, તેને રસથી હવે ભરી દો ! ... કલ્યાણની.

ખેડૂત ખેતરે આ ઝંખે સદા તમોને,
આશાભરી; નિરાશા તેની હવે હરી લો ! ... કલ્યાણની.

પંખી જુઓ પુકારે, પશુ કેમ પ્રાણ ધારે;
વૃક્ષો ચહે છે જીવન, જીવન ખરે ધરી દો ! ... કલ્યાણની.

સૂકાય કંઠ મારો, સંતપ્ત પ્રાણ સારો;
હે પ્રાણ, તો પધારો, ઉકળાટ આ હરી લો ! ... કલ્યાણની.

આજે ખરે પધારો, ઉદ્ધાર થાય મારો;
પરિપૂર્ણતા ધરીને નૂતન મને કરી દો ! ... કલ્યાણની.

કલ્યાણ થાય કૈંનું, કલ્યાણ જો કરી દો;
પાવન પ્રકાશ પામે, દર્શન પ્રથમ દઈ દો ! ... કલ્યાણની.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit