ગજું મારું કેટલું તપ તીવ્ર તપવાનું,
વિરહનું અતિદીર્ઘ સંકટ મૂક સહવાનું?
દીન કોમળ બાળ હું તો મોજ બસ માણું,
સાધના તપ ધ્યાન ક્યાંથી યોગને જાણું?
જ્ઞાનની ગમ શી મને, હું મંદબુદ્ધિ છું;
ભેદ ભક્તિનો ન સમજું હીન છેક જ હું;
ભાવભીના હૃદયથી મા મા કરી જાણું,
અબુધની ભાષામહીં વાતો કરી જાણું!
રટું તમને રોજ, કરતો તમારા જ વિચાર,
તમારા ભાવો વિના ના લાગતો કૈં સાર;
તમારી મધુમૂર્તિને જોવા સદા ચાહું,
કૃપા કરશો તો જ સુખ ને શાંતિ વર પાવું.
દોડતાં આવો તમે તો પ્રેમથી આજે,
બાલ ‘પાગલ’ને ન દેવું કષ્ટ વધુ છાજે;
અંકમાં લેતાં હૃદય સાથે લગાવી લો,
સુધાપાન કરાવતાં સુખ સ્વર્ગથી વધુ દો.
- © શ્રી યોગેશ્વરજી

