Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમની પૂનમ બની આજે તમે પ્રકટો,
પ્રકાશ લઈ પૂર્ણ રસને રેલતાં પ્રકટો;
ચંદ્ર શોભે ગગનમાં તેથીય વધુ સોહી,
સ્મિત કરી સાકાર હો, છો રહે મન મોહી.

બને આશીર્વાદ જેવો ચંદ્ર જગને આ,
શાંતિ આપે, તાપ ટાળે, પ્રેરણા દે હા !
બનો આશીર્વાદ મારે કાજ તેમ તમે,
શાંતિ વરસો, ચિત્ત મારું રૂપમાં જ રમે.

પ્રકાશી પૂનમ ઉઠે અમૃતભરી ગગને,
પ્રકાશો ત્યારે તમે દર્શન દઈ મુજને;
અમીસીંચનથી કરી દેજો કૃતાર્થ મને,
એ જ અભિલાષા હૃદયની, મળો મુક્તમને !

આજની પૂનમ પવિત્ર મનાય છે મોટી,
એક ક્ષણ પણ તો તમે જોજો થશો ખોટી;
થાય જીવનની પુનિત પૂનમ મહા આજે,
વરસજો એવી કૃપા સ્નેહાળ શિશુકાજે.

પર્વ આજે થાય મારું, મિલન મિષ્ટ મનાય,
પ્રેમસાથ પળાય તેમજ સદાકાજ ગવાય;
કહે ‘પાગલ’ પૂર્ણતા દેવા તમે પ્રકટો,
પ્રેમની પૂનમ બની આજે ખરે પ્રકટો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit