અતિ નથી અભિમાન સારું તેમ અતિ શક્તિ,
રૂપ અતિ, અતિ તેમ આળસ, વળી અનુરક્તિ;
રાખવી સીમા સકળની એમ કહેવાયે,
અતિ નથી સારી કશાની એમ કહેવાયે.
જ્ઞાન અતિ વિજ્ઞાન તેમજ આશ અતિ ધરવી,
ઊંઘ તેમ ઉજાગરાની વળી અતિ કરવી;
શુભ મનાયે તે નહીં સંસારમાં સાચે,
થાય અપમાનિત સદા જે અતિ કરી જાચે.
આ જગતલીલા બધી સીમામહીં સોહે,
મળે મર્યાદા નિરખવા ત્યાં જ મન મોહે;
સૂર્ય, તારા, ચંદ્ર, સાગર તેમ પૃથ્વી આ,
ચક્ર ચાલે કાળનું સીમામહીં શું ના?
મર્યાદ મૂકી તે કરે અતિ કોપ તો થાયે,
નાશ પામે જગત ને આનંદરસ જાયે;
એટલે મર્યાદનો છે મંત્ર મોટો એ,
મહાજન છે તે જ જે સીમામહીં સોહે.
આ બધું જાણો તમે તો પણ ન કાં પાળો?
અતિવિરહ મારો થયો તેને ન કાં મારો?
પુકારે ‘પાગલ’ સુણી જલદી હવે આવો,
વિરહની પણ અતિ ન સારી, મિલન મધુ લાવો !
- © શ્રી યોગેશ્વરજી

