બાલ તમારો તપતો બેઠો, કેમ નિહાળો ના,
ભાવ ભરીને રટતો બેઠો, કેમ નિહાળો ના,
મને દર્શન આપો, મા ! ... બાલ.
આશ લઈને મોટી આવ્યો, કાં સંતોષો ના ?
પ્રેમપ્રવાહે ભરપુર ઉરને પાછું ઠેલો કાં ?
મને દર્શન આપો, મા ! ... બાલ.
તમારા વિના ચાહે કોને, જરી વિચારો હા !
તમારા વિના આશ્રય એને આ સંસારે ના.
મને દર્શન આપો, મા ! ... બાલ.
આંખ ઉઘાડી જગમાં ત્યારે પ્રથમ વદેલો ‘મા’;
પ્રીત થયેલી ઘણી પુરાણી એની એ પહેલાં.
મને દર્શન આપો, મા ! ... બાલ.
તમારું જ પય પીને ઉછર્યો, જાય હવે તે ક્યાં ?
સ્વાદ ચખાડ્યો તમે જ એને, છુટકારો છે ક્યાં ?
મને દર્શન આપો, મા ! ... બાલ.
તમારી મધુરતામાં મળિયું મનડુ એનું મહા;
મોહાશે બીજે ના કેમે, ક્યાંયે રમશે ના.
મને દર્શન આપો, મા ! ... બાલ.
રડે, તપે ને મૂક પુકારે, બલ બીજું છે ક્યાં ?
ક્યાં લગ જોઈ તમે રહેશો મા માયાળુ છતાં.
મને દર્શન આપો, મા ! ... બાલ.
અંક ઊઠાવો જલદી એને, પાઓ પયધારા;
‘પાગલ’ને પુલકિત કરતાં ધરો કાયે કરમાળા.
મને દર્શન આપો, મા ! ... બાલ.
- © શ્રી યોગેશ્વરજી

