મારી અરજ લક્ષમાં લો.
મને દૈવી દર્શન દો ... મારી.
તમે જ મારાં આશ્રય તેમજ
શાંતિ પરમ સુખ છો;
જગતતણી જનની પણ મારાં
જીવનમંગલ છો. ... મારી.
ઉદાસીનતા તજી નયનમાં
નેહ ભરી નિરખો;
અમૃતનો આસ્વાદ દઈ દો,
પીડાને પરખો ! ... મારી.
બાજી સઘળી હાથ તમારે,
પાર ઉતારી દો;
તમારું જ છે શરણ મહારે,
શ્રદ્ધા સત્ય ઠરો. ... મારી.
ચિંતા ટાળી, તાપ શમાવી,
સર્વ અશાંતિ હરો;
પૂર્ણપ્રકાશે જીવન વિકસે,
આશીર્વાદ ધરો. ... મારી.
ક્ષણનો ખેલ તમારે માટે,
તો ન વિલંબ કરો;
‘પાગલ’ને ધ્રુવપદ ધરવાને
આજ જરૂર મળો ... મારી.
- © શ્રી યોગેશ્વરજી

