અંતરનો અનુરાગ
ગીતોની ગંગાજમનાને વિશ્વમાં વહાવું !
ગીતોની ગંગાજમનાને વિશ્વમાં વહાવું !
આશા છે ઉરમાં એવી કે તમારો કહાવું !
અંતરની ગંગોત્રી ને જમનોત્રી જે કહો તે,
પાવન છે તેને સ્પર્શે આ ગીતો બધાંયે;
નિર્મલ ને નેહભરેલા આ સરોદો વહાવું,
સંવાદી છેક ન્યારા; ને તમારો કહાવું ! .. ગીતોની.
પાવન હો પ્રાણ એથી, પૃથ્વી હો શાંત તેથી;
સંતાપ શાંત હો એથી ને પીડા પણ હો હેઠી;
નવરચનામય ઉર-લહરીને બધે યે વહાવું,
ને તનમનના મેલ બધાયે સદાયે બહાવું ! ... ગીતોની.
છો સ્નાન કરે કૈં એમાં, પલટાવે જીવન તેમાં;
છો કાગ હંસમય થાયે ને પાપી પુણ્યે ન્હાયે;
નવ પ્રાણ પ્રકાશભરેલી આ કવિતા વહાવું,
કર્કશતા ક્લેશ શમાવીને સૃજનને સુહાવું ! ... ગીતોની.
દર્શન આચમને સ્પર્શે ઉર ઉભરાજો નિત હર્ષે;
‘પાગલ’ આતુર જે તરસે, તે ઉત્સવ છોને કરશે.
યુગયુગ સંદેશ ધરે એવી સરિતા વહાવું,
દિગદિગમાં એક તમારો હું મહિમા વહાવું ! ... ગીતોની.
ગીતોની ગંગાજમનાને વિશ્વમાં વહાવું !
આશા છે ઉરમાં એવી કે તમારો કહાવું !
- © શ્રી યોગેશ્વરજી