ગણીગાંઠી પળ હવે તો રહી છે બાકી,
મિલન વચ્ચેની રહી છે અલ્પ પળ બાકી;
ચંચલ બધી પળ ખરે તે જશે ચાલી ક્યાંય,
મિલન આપણું થશે નક્કી, મધુર મળશે છાંય !
જળપ્રવાહ વહે અહીં આ, વહે તેવો કાળ;
ઝડપથી જાયે સમય તો રહી જાયે સાર;
ઘણો વીત્યો તેમ વીતી જશે વચલો કાળ,
મિલન મધુરું થશે, સુખનો ના રહેશે પાર !
અલ્પ પળનો પ્રશ્ન છે, દિન-માસનો છે ના;
જશે ઉકલી તે હવે, યુગ પણ મરે છે હા;
એ વિચારે હૈયું થાયે છેક હલકું આ,
શમે પીડા જરી; જાગે કેમ ચેતન ના?
મિલનના સુખની કરીને કલ્પના આજે,
ઊછળે ઉર શોભિત થઈ અવનવા સાજે;
‘પાગલ’ કરે છે પ્રતીક્ષા તે પુનિત પળની,
ક્ષુધાતુરને ઝંખના હો જેમ મધુ ફળની.
- © શ્રી યોગેશ્વરજી

