મન ના સમજાવ્યું સમજે !
કોટિ ઉપાય કર્યે ના માને, શીખ ધર્યે સમજે !
ગંગા જેમ અખંડ રાગમાં રંગી હૃદય વહે,
તમને તલસે, સેવે, પૂજે, ગીત તમારું કહે.
બ્રહ્મા જેમ ક્ષણેક્ષણ નૂતન સર્જનને સરજે ... મન ના.
કષ્ટ પડે પણ લેશ ડગે ના, પીડાથી ન મરે;
ચિંતાથી ચંચલ ના થાયે, ધ્યાન તમારું ધરે.
હર્ષરુદનમાં આશનિરાશે તમને માત્ર ભજે ... મન ના.
પંડિત તેમ પુરાણી આવે, યોગી કૈંક મળે;
જ્ઞાની જ્ઞાન સુણાવે તોપણ પાછું તે ન વળે.
પ્રેમપંથનું થયું પ્રવાસી, ચારુ ચરણ ન તજે ... મન ના.
ભોગવિલાસે ના ભરમાયે, દર્દથકી ન ડરે;
હરેક સ્થળ ને કાળ તમારા સ્મરણે મસ્ત ફરે.
મંદિર જગ આ બન્યું તમારું તેને તો સહજે ... મન ના.
તમારા વિના બેચેન બન્યું, છોડે તોય ન પ્રીત;
મનોરથ કરી મળવા માટે આનંદ કરે નીત.
પ્રીત છોડવા પણ ચાહે ના, શ્રમિત ન થાય રજે .. મન ના.
અનંત વરસોથી રસ રેલે, તમને પ્રેમ કરે;
સ્વભાવ સાચો કેમ તજે તે, એકલ શેં વિહરે?
‘પાગલ’ સમજાવો આવીને તો જ ખરે સમજે ... મન ના.
- © શ્રી યોગેશ્વરજી

