Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મનોરથ પૂર્ણ નહીં શું કરો ?
દયા કરી ના મુજ મનનો શું ચિંતાભાર હરો ? ... મનોરથ.

વેઠી મેં તો ખૂબ વિપત્તિ, ધ્યાન નહીં જ ધરો ?
સંતપ્ત થયું અંતર તેને શાંત નહીં શું કરો ? ... મનોરથ.

માખણમૃદુ માતાનું મન તો, કેમ તમે વિસરો ?
જગતતણાં જનની છો તોયે કેમ કૃપા ન કરો ? ... મનોરથ.

કૈંક જનોને તાર્યા તે ઈતિહાસ ખ્યાત સઘળો;
ઉદાસીનતા મારે માટે કેવલ કેમ ધરો ? ... મનોરથ.

આટઆટલું કષ્ટ સહ્યું મેં, સફળ નહીં શું કરો ?
ઘાયલ ઉર આરામ ચહે છે, દિવ્યૌષધ ન ભરો ? ... મનોરથ.

તરસ્યાને અમૃત પાશો ના ? અમૃત સાથ ફરો;
ક્ષુધા ક્ષુધિતની નહીં શમાવો? સ્મિતની સાથ વરો ! .. મનોરથ.

વજ્રપાતથી યે વધુ ભારે એ આઘાત ખરો;
કોમલ શિશુ પર કેમ જ કરશો, નિર્દય નીચ નરો? ... મનોરથ.

છે વિશ્વાસ અટલ મુજને, તો મિથ્યા તે ન કરો;
‘પાગલ’ થાય ગમે તે તોયે આજ જરૂર મળો ! ... મનોરથ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit