Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા અગણિત છે અપરાધ; સઘળા માફ કરો.
મારા અનંત છે અપરાધ; સઘળા માફ કરો.

મનવાણીથી છે કૈંક થયા,
કર તેમ ચરણથી કોટિ કર્યા;
મારા અપાર છે અપરાધ; સઘળા માફ કરો.

છે આંખકાનથી કૈંક થયા,
કાયાથી તેમ અનેક કર્યા;
હજુ કૈંક થતા અપરાધ; સઘળા માફ કરો.

છું અવગુણનો સાગર હું તો;
ખારાશ મળે અચરજ શું તો ?
મારા ના ગણશો અપરાધ; સઘળા માફ કરો.

બાળક તો મલિન સદા હોયે,
માને ખોળે સોહે તોયે;
તો માફ કરી અપરાધ; દિલમાં સ્થાન ધરો !

જો માફ ઉદાર દિલે કરશો,
તો ભાર બધો મારો હરશો;
તમને ન જશે કૈં ખાધ; દળદર દૂર કરો !

છું અપરાધી દોષિત ભારે,
પણ અંતર પ્રેમ વહે મારે;
છે એક મિલનની સાધ, એનો ખ્યાલ કરો !
‘પાગલ’ના સૌ અપરાધ, માતા, માફ કરો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit