મંગલ જુઓ મુહૂર્ત કયું ?
આથી વધુ શુભ યોગ મળે ના; મધુર મુહૂર્ત કયું ? ... મંગલ.
પ્રદેશ પાવન હિમાલયતણો, તપ પણ ખૂબ થયું;
પવિત્ર છે પરમાણુ અહીંનાં, શાસ્ત્રે એમ કહ્યું ... મંગલ.
સ્થળ એકાંત અનેરું તેમજ તીરથ જેમ થયું;
આરાધના અખંડ થવાથી એનું ભાગ્ય ફર્યું ! ... મંગલ.
મધુર કાળ આ શીતળ સાચે, કષ્ટ અસહ્ય સહ્યું;
દિન આપ્યો છે શુભાગમનનો, હજુ હમણાં જ કહ્યું ! .. મંગલ.
નભ નિર્મળ ને ફૂલ હસે આ, વન સુંદર સઘળું;
પર્વતની માળાની પાસે બેસી ધ્યાન ધર્યું ! ... મંગલ.
પ્રકટો, સ્થળ તો થાય સુશોભિત, યશ હો વળી વર્યું;
વર સાથે આવો જીવનને કરવા પ્રેમ ભર્યું ! ... મંગલ.
તમારી જ ખામી છે કેવલ, જીવન જાય વહ્યું;
‘પાગલ’ હશે પરમ દિવસે તો મેં પ્રસ્થાન કર્યું ! ... મંગલ.
- © શ્રી યોગેશ્વરજી

