મિલન વિના લેશ પડે ના ચેન.
આઠે પહોર ઉદાસીન અંતર, લાલ બનેલાં નેન ... મિલન વિના.
શય્યા સુંદર સુમન સજેલી, સંગીત છુટે તેમ;
અત્તર તેમ અગરબત્તી છે, ખંડ ન મ્હેંકે કેમ ?
કેમ મળે ના લોચન મારાં, જાય જરી ના ઘેન ... મિલન વિના.
મધુર ચાંદની, પવન સુવાસિત, મળી યુવાની તેમ;
મદ પણ તેમાં અલ્પ મળે ના, મન છે ટાઢું હેમ.
ઝંખીઝંખી ઉજાગરામાં વીતે સારી રેન ... મિલન વિના.
ધ્યાનમહીં ના મન લાગે ને સમાધિ નીરસ છેક;
ખૂબ ધરાઈ જોવાં તમને, જાણું એજ વિવેક.
સાધન સઘળાં શુષ્ક જણાયે, ચિત્ત બને બેચેન ... મિલન વિના.
વિરહ ઉછાળા મારે ઉરમાં, ગરજે સાગર જેમ;
‘પાગલ’ પ્રાણ તમારે માટે, શીતળ થાયે કેમ?
ચંદ્રથકી પણ ચારુ મુખ મળે તો જ મટે વિષ વ્હેણ ... મિલન વિના.
- © શ્રી યોગેશ્વરજી

