મારી સંભાળ સદા લો.
હરેક કાળે ને હરસ્થળમાં સાથ મહારી હો!
વિયોગ થાઓ વિપળ પણ નહીં, વીતે વરસો છો ! .. મારી.
પ્રાણ બની પાસે જ રહો ને જીવનને ગતિ દો;
તનમન ને અંતરમાં બજવો બીન નિરંતર છો ! .. મારી.
રક્ષો મુજને પ્રાણ જેમ, હો ભય મારે તો શો ?
પ્રલોભનો કે ભયસ્થાનોમાં રહું નિરંતર છો ! .. મારી.
નીરસ રણના પ્રવાસમાં આ છાયાછત્ર હજો;
વનસ્થલી થાજો મુજ કાજે, શાંતિ સનાતન તો ! .. મારી.
વિષમાં અમૃતને વરસાવો, જડમાં પ્રાણ ભરો;
પ્રેમ તમારો પાઈ પાઈ શોક ત્રિતાપ હરો ! .. મારી.
‘પાગલ’ કહે કદી ના છોડો, છોડે સઘળાં છો;
બાલક જનની વિના ન જીવે, હૂંફ હમેશાં દો ! .. મારી.
- © શ્રી યોગેશ્વરજી