Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વહી વેગથી જાય, જીવન
વહી વેગથી જાય !

પળપળ ચાલે પ્રવાહ પેઠે,
દિવસ રાત તો ધાય;
દિવસો, મહિના, વરસો વીતે,
ઓછું આયુષ થાય ... જીવન.

વર્ષા શરદ વસંત આવતી,
પડે તાપ ને છાંય;
કાળચક્ર વિશ્રાંતિ વિનાનું
અતૂટ ચાલ્યું જાય ... જીવન.

બાલકપણ ને યૌવન આવે,
ટકે ન કોટિ ઉપાય;
જરા મરણ ને ફરી જન્મની
માળા ચાલી જાય ... જીવન.

વર્તમાન જે આજ જણાયે
ભૂત કાલ તે થાય;
ભાવિ થાય છે વર્તમાન એ
શાશ્વત ખેલ મનાય ... જીવન.

કરવાનું તે કરાય તો તો
ઉત્સવ ખરે મનાય;
પ્રમાદ આળસ ને અજ્ઞાને
જીવન જોમ હણાય ... જીવન.

ધ્યેય સિદ્ધ હો સત્વર ત્યારે
જીવન સફળ ગણાય;
‘પાગલ’ કરો કૃપાની વૃષ્ટિ,
તેમાં સાર જણાય ... જીવન.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit