જે તમને પ્રેમ કરે,
તેને શાશ્વત ધામ મળે.
શરણ તમારે આવીને જે
તમને યાદ કરે;
જપે, ભજે ને ગાય તમોને,
તે તો તાપ તરે ... જે તમને.
સેવે તમને, નિશદિન ચાહે,
તમને પ્રાણ ધરે;
મીન જેમ જે જલે તમારા
જીવે તેમ મરે ... જે તમને.
ચાતક જેમ જ ઝંખે તમને,
અમૃત આશ કરે;
સઘળા સ્વાદ અસાર જણાયે,
ધ્યાન તમારું ધરે ... જે તમને.
તપે, રડે ને સહે સંકટો,
વ્યાકુળ થઈ ફરે;
તલસે તમને, મળવા માગે,
જન તે ધન્ય ખરે ... જે તમને.
પારસ પ્રાપ્ત થવાથી દળદર
કૈં જન્મોનું ટળે;
તમે મળો તો માનવમનના
હેતુ બધાય સરે ... જે તમને.
શરણ તમારે આવી કોઈ
રિક્ત હાથ ના ફરે;
‘પાગલ’ કે’ મહિમા એ મોટો,
વ્યર્થ કદી ન ઠરે ! ... જે તમને.
- © શ્રી યોગેશ્વરજી

