પ્રવાસી, ધપજે ધીરજ ધારી !
ચિંતા તેમજ વ્યથા મનતણી
છેક જ દેજે મારી ... પ્રવાસી.
પર્વત પર પણ પગલી પાડી
કેડી કરજે તારી;
વન સમદર ને રણમાં ધપજે,
કરી ધ્યેયની યારી ... પ્રવાસી.
કંટક પત્થરથી ના ડરજે,
જજે કુસુમ પર વારી;
અંગારા વરસે, પ્હાડ પડે,
તોય જતો ના હારી ... પ્રવાસી.
તાપછાંયની કરી ન પરવા,
કરી કલ્પના સારી,
દિવસરાત આગે બસ બઢજે,
નિરધાર કરી ભારી ... પ્રવાસી.
નદી ઝરણ નાળાં આવે ને
કરે કસોટી તારી;
તો પણ લેશ ન ડગજે ભાઈ,
તેને દેજે તારી ... પ્રવાસી.
શ્રદ્ધા સાથે સફર કરે તે
લભે સફળતા ન્યારી;
‘પાગલ’ પામી પરમપદ જશે
પામરતાને મારી ... પ્રવાસી.
- © શ્રી યોગેશ્વરજી

