ઉછળે ચારેપાસ તરંગ !
તોયે ધ્યાન થાય ના ભંગ !
શાંત બને અંતર ઊઠેલો કેમે નહીં અનંગ,
સ્વાદ શમે કેમે ના મનનો, મળે ન આખર રંગ ... ઉછળે.
વ્યોમ વિહાર કરે વૃત્તિનાં રોજે વિવિધ વિહંગ;
અંતર ઉછળે સાગર જેવું કરવા પૂર્ણ ઉમંગ ... ઉછળે.
સંગ સનાતન જેવો તો પણ મન છે છેક અસંગ;
પ્રાણ ન બંધાયે કોઈથી, કરે ન કોઈ રંગ ... ઉછળે.
રહસ્યમય ને જટિલ બન્યો છે સાચે જીવનજંગ;
અંતર અનુરાગેભર ગાયે દિન તે રાત અભંગ ... ઉછળે.
સ્વાતિબિંદુ વરસે એવામાં, મળે મીનને રંગ;
ઝીલી લે ને જાય જળમહીં, થાય પ્રફુલ્લિત અંગ !.. ઉછળે.
‘પાગલ’ કવિ એ જાણી કે’ છે, હો ન ધ્યાનનો ભંગ,
જે ઝંખે તે જરૂર પામે, અંતે રસની ગંગ ! ... ઉછળે.
- © શ્રી યોગેશ્વરજી

