એવરેસ્ટથકી ઊંચા એકાકી શિખરે તમે,
સમાધિમગ્ન બેઠાં છો; વાયુ જ્યાં મધુરો રમે.
હિમપર્વતમાં વ્યાપી શાંતિ સર્વત્ર શીત જ્યાં,
પદ્મશાં લોચનો બીડી બેઠાં છો આત્મલીન ત્યાં.
ત્યાં આવતી આતુર એક કન્યા,
વિષાદમાં મગ્ન છતાંય ધન્યા;
ભેટી પડે તે તમને ત્વરાથી,
સંતાનની સ્નેહભરી અદાથી !
ઉઘડે આંખ ને ઢાળે અમીધારા અનંત ત્યાં;
ઉચ્ચારો વચનો મીઠાં તમે ભાવભરેલ શાં !
શબ્દસંગીતગંગાના રૂપમાં પ્રકટી તમે,
કન્યાની સાથ ચાલો છો પીગળી પ્રેમથી તમે.
પ્રસન્નતા પ્રકૃતિ આજ ધારે,
પૃથ્વી વળી આરતિ શી ઉતારે !
દિશા બધી હર્ષથકી ભરાયે,
ને પ્રેમથી ‘પાગલ’શી જણાયે !
શબ્દસંગીતગંગા હું તમારું જ સ્વરૂપ છું;
કન્યા પ્રીતિ-કરૂણા તે; ગૂઢ આમાં નથી કશું !
આકર્ષણથકી એના સ્વેચ્છાએ જન્મતાં જગે,
શ્વાસ સ્નેહભર્યો લો છો મારા રૂપે યુગેયુગે !
- © શ્રી યોગેશ્વરજી

