પૂજે પ્રાણ મારો પ્રેમ, કામના ધનની મને ના.
પામે પ્રાણ મારો પ્રેમ, કામના બીજી મને ના.
ભોગ તેમ વૈભવની ઝંખના મને ના,
સ્વર્ગનાં સુખોની વળી કલ્પના મને ના;
ઝંખું છું તમારી રે’મ, કામના બીજી મને ના.
ધર્મકર્મનાં રહસ્ય ના જરીય જાણું,
સાધન ને સાધ્યની વાત ના પિછાનું;
વાંચું વેદોને કેમ ? કામના બીજી મને ના.
જનમોજનમ ચહું ચરણોના રાગને,
બીજાને કાજ ક્યાં મનડામાં માગ છે ?
એક હો મારી નેમ, કામના બીજી મને ના.
‘પાગલ’ કે’ પ્રેમનું ધન એક ન્યારું,
વરસો કૃપા, તમોને અંતરમાં ધારું;
જીવું જીવાડો તેમ, કામના બીજી મને ના.
- © શ્રી યોગેશ્વરજી

