વિધ વિધ રૂપે હે યોગેશ્વર
વિધ વિધ રૂપે હે યોગેશ્વર, જાણું તમને ભાવથી,
વંદુ વ્હાલા વ્હાલ ધરીને, પ્રણામ પ્રભુજી પ્રેમથી....વિધ વિધ રૂપે
આનંદકંદ છો જીવનકેરા, સ્નેહસિંધુ પ્રભુ આપ છો
જીવનઘન છો મારા સાચે પથપ્રદર્શક પ્રાણ છો...વિધ વિધ રૂપે
માવડી બનીને અધવચ આવી લીધી ઉગારી પ્રેમથી,
યુવાની મહીં બની દીવાની ભેટ ધરી પ્રભુપંથની.....વિધ વિધ રૂપે
દિવ્ય લોકથી આવી માડી દિવ્યરૂપે દર્શન દઇ,
દિવ્ય અંકમાં સ્થાન ધરીને દિવ્ય કૃપા વરસાવતી....વિધ વિધ રૂપે
શ્યામલ કૃષ્ણ બનીને આવે કદી કદી જીવન મહીં
મધુર ભાવની મૂર્તિ ન્યારી જીવન ધન્ય બનાવતી...વિધ વિધ રૂપે
ગુરૂ બનીને આવી ઊભી પ્રેમળપંથ બતાવતી,
ધ્રુવતારક જીવન ધન બનતાં જ્ઞાનેશ્વર ગુરૂ માવડી...વિધ વિધ રૂપે
વિધવિધ રૂપમાં કૃપા કરી તે ઉપકારો નવ ભૂલતી,
જન્માંતરની સર્વ સાધના ચરણે અર્પુ સ્નેહથી.....વિધ વિધ રૂપે
પ્રાર્થના સૂણી આજે મારી જન્માંતર સાથી બની,
પ્રેમ દીવાની દઈ બનાવી સમાવ શ્રી ચરણો મહીં.....વિધ વિધ રૂપે
MP3 Audio
રચના સમયના મનોભાવો
સમર્થ સંતને ચરણે જીવન સોંપાયું ત્યારે સંતવિભૂતિ સાધકના જીવનમાં મા બનીને,કૃષ્ણ બનીને, ગુરુ બનીને આવી પહોંચી. તેણે કેવા અલૌકિક ઉપકારો કર્યા તેનું વર્ણન કરી એના શ્રી ચરણે જનમ જનમની સાધના ધરી દેવાની અને સંતસવરૂપે પ્રભુ પધાર્યા છે તો એ પ્રભુના ચરણે સમાઈ જવાની ભાવના જાગી ગઈ.