Asana (આસન)

શીર્ષાસન (Head Stand)

મનુષ્ય શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને નાડીતંત્ર (nervous system) ને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે.

આસનની રીત
sirshasana
 • સૌપ્રથમ નરમ આસન બિછાવો. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી કારણ કે એમાં શીરનો ભાગ આસન પર મૂકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે. એ જ રીત પોચા ગાદલાં જેવું આસન પણ સારું ન કહી શકાય. પ્રમાણસર નરમ આસન શીર્ષાસન કરવા માટે ઉત્તમ રહે છે. ઘણાં સાધકો લાંબી આસનપાટ હોય તો તેની ગડી વાળી જોઈતી નરમાઈવાળું આસન બનાવી લે છે.
 • ઘુંટણીયે બેસી હાથની આંગળીઓના અંકોડા ભીડાવો. અર્થાત્ એક હાથની આંગળીઓને બીજા હાથની આંગળીઓમાં પરોવી મુઠ્ઠી વાળતા હોય તે રીતે તૈયાર કરો. હવે બંને હથેળીઓને ખુલતી કરી, કોણીને એકબીજાથી એક હાથ દૂર રાખી, કોણી સુધીના હાથને આસન પર ટેકવો. આ સમયે ઢીંચણ કોણી પાસે રહેશે.
 • અગાઉ બતાવ્યા પ્રમાણે હાથના પંજાઓની વચ્ચેની જગ્યામાં માથાનો પાછલો ભાગ બરાબર આવે અને આસન દરમ્યાન કરોડ સીધી રહે એ રીતે માથાનો ભાગ આસન પર મૂકો. આ સ્થિતિમાં માથાનો ટોચનો ભાગ આસન પર હશે અને પાછળનો ભાગ બે પંજા વચ્ચે હશે. બીજી રીતે જોઈએ તો આ સમયે બે હાથની કોણીથી ત્રિકોણની બે બાજુઓ જેવો આકાર થશે અને બંને બાજુઓ જ્યાં મળે ત્યાં માથાનો ભાગ હશે. ત્રિકોણની ત્રીજી ખુલ્લી બાજુએ શરીર ઘુંટણના આધારે હશે.
 • હવે ધડ સીધું રહે તે રીતે ઢીંચણને જમીનથી અધ્ધર કરો. આ વખતે પગના અંગુઠાઓ જમીન પર જ હશે. પગને વાળ્યા વગર શરીરનું વજન કોણી તરફ સરકાવતા જાવ. એમ કરતાં ધડ જમીનને કાટખૂણે આવશે.
 • આ સ્થિતિમાં શરીરનું સમતોલન સાચવી જરાપણ આંચકો આપ્યા વિના હાથ-કોણી અને પંજાને હળવેથી ખેંચતા પગના પંજા જમીનથી અધ્ધર થશે. પગને આ સમયે ઢીંચણથી વાળવા પડશે. એકાદ ક્ષણ આ સ્થિતિમાં રહ્યા પછી બંને પગને શરીની સીધી લીટીમાં લઈ આવો. આમ થતાં આખું શરીર ઊભા દંડની પેઠે દેખાશે.
 • પ્રથમ વખત શીર્ષાસન કરતાં હોય તો પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. (અનુભવ થતાં ક્રમશઃ વધારીને ત્રીસેક મિનિટ સુધી એને કરી શકાય.) પછી જે ક્રમમાં આસન કર્યું તેથી ઉલટા ક્રમમાં આસનથી મુળ સ્થિતિમાં આવો. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન આંચકા આવે તેવી રીતે કે ઉતાવળ કરવી પડે તેવું કરવાનું નથી.
 • એકાદ મિનિટ જેટલો સમય માથાને બે પંજા વચ્ચે રાખીને આસનની શરૂઆતમાં જે સ્થિતિ હતી તેમાં રહો. પછી શવાસન કરી શરીરને આરામ આપો.
ફાયદા
 • શીર્ષાસન દરમ્યાન શરીરમાં લોહીની ગતિ ગુરુત્વાકર્ષણથી પગથી માથા તરફ થાય છે. એથી માથાના ભાગમાં લોહીના વધારાના વહન માટે રક્તવાહિનીઓ સહેજ ફુલે છે. લોહીનું દબાણ એથી સહેજ ઘટે છે. પરિણામે પગ અને ઉદરપ્રદેશમાંનું લોહી હૃદયના જમણા ભાગમાં એકઠું થાય છે. એથી રુધિરાભિસરણ ઝડપી બને છે. એથી સામાન્યતઃ મગજ અને ધડના ભાગમાં જ્યાં સામાન્ય સ્થિતિમાં લોહીનો પુરવઠો ઓછો મળતો હોય ત્યાં વધુ લોહી મળવાથી પોષણ મળે છે. એથી શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી અને પુષ્ટ બને છે.
 • રક્તાભિસરણની ક્રિયા સરળ બનવાથી લોહીના વિકારોથી થતા રોગો મટે છે. મનુષ્યનું હૃદય જન્મથી જ અવિરત કાર્ય કરતું રહે છે. હૃદયની ગતિમાંનું સમતોલન દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીરની ભેટ ધરે છે. હૃદયને સૌથી વધુ આરામ આપનાર કોઈ આસન હોય તો તે શીર્ષાસન છે.
 • શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી ભેગું કરનાર શીરાઓ ગુરુત્વાકર્ષણથી વિરુધ્ધ દિશામાં લોહીને ધકેલતી હોય છે. જે શિથિલ થતાં Vericose Vein નામે શિથિલ શિરાનો રોગ થાય છે. નિયમિત શીર્ષાસન કરવાથી આ રોગ દુર થાય છે.
 • મગજના ભાગમાં આવેલ પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિઓને પોષણ મળવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે. ધોળા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે. સ્મરણ શક્તિ વધે છે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. જ્ઞાનતંતુની નબળાઈને કારણે લાગતી અશક્તિ, અનિદ્રા, સુસ્તી (ન્યુરેસ્થેનિયા) વગેરે મટે છે. આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે.
 • શીર્ષાસન આંખની દૃષ્ટિ સુધારે છે અને ગીધ જેવી તીક્ષ્ણ બનાવે છે. શરૂઆતના ચશ્માનાં નંબર પણ એનાથી ઉતરી જાય છે. પરંતુ જો બે કે ત્રણથી વધુ ચશ્માંના નંબર હોય તો તેણે શીર્ષાસન કરવાથી દૂર રહેવું કારણ કે તેનાથી નંબર વધવાનો ભય રહે છે.
 • શીર્ષાસન જ્ઞાનતંતુઓ માટે અકસીર ટોનિક સાબિત થાય છે. એથી માનવીની ચપળતા, કાર્યદક્ષતા અને ઉત્સાહમાં વધારો થાય છે. તે ઉપરાંત શરીરના અગત્યના અવયવો જેવાં કે બરોળ, કીડની, યકૃત, જઠર અને આંતરડાની કાર્યક્ષમતા વધવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અજીર્ણ, મંદાગ્નિ કે કબજિયાત દૂર થાય છે. દમ તથા Hernia માં રાહત મળે છે.
 • સાધકો માટે શીર્ષાસન કલ્પવૃક્ષ સમાન છે. શીર્ષાસન કરવાથી બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે. વીર્યનું રક્ષણ અને ઉર્ધ્વગમન થતાં ઓજસમાં રૂપાંતર થાય છે. આધ્યાત્મિક શક્તિઓની પ્રાપ્તિમાં અભુતપૂર્વ મદદ મળે છે. સ્વપ્નદોષ દૂર થાય છે. પ્રાણની સ્થિરતા અને કુંડલિનીના ઉત્થાનમાં મદદ મળે છે.
ટુંકમાં કહીએ તો શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે. સાધકો માટે તો એ અતિશય લાભદાયી છે.

સાવધાની
 • લોહીના ઓછા કે વધુ દબાણથી પીડાતા લોકોએ, હૃદયરોગના દર્દીઓએ અને ધડથી ઉપરના ભાગમાં દર્દ કે દુખાવો હોય તેવાઓએ શીર્ષાસનથી દૂર રહેવું.
 • સ્વસ્થ અને નિરોગી લોકોએ જ શીર્ષાસન કરવું.
 • શીર્ષાસન કરતાં પહેલાં પેટ સાફ થયેલું હોવું ખુબ જ જરૂરી છે.
 • ઉંમરમાં વૃદ્ધ હોય તેવાઓએ આ આસન શરૂ કરવું નહીં.
 • ઉપર જણાવ્યા અનુસાર આંખના ચશ્માના નંબર બેથી વધુ હોય તેણે શીર્ષાસન કરવું નહીં.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.