if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Bhishma sing Krishna's glory}

Bhishma narrated another story to support his argument. Bhishma told Duryodhan that he has heard about the greatness of Krishna from Sages like Narad, Parashuram and Vyas and accordingly Krishna was an incarnation of God. It would be nothing but stupidity to oppose and fight against him. Kauravas would be better off having good relationship with him rather than fighting and dying against him.

In spite of Bhishma's advise, Duryodhan continued his stand off against Pandavas and remained adamant in his stand. The result of his face off became part of history. Not only Duryodhan died but he became instrumental in the fall of Kauravas and great ones like Bhishma and Drona.

{/slide}

ભીષ્મે દુર્યોધનને જણાવ્યું કે વિશુદ્ધ મનવાળા મુનિઓએ મને એક પ્રાચીન વૃતાંત કહ્યું છે. પૂર્વે એક વાર ગંધમાદન પર્વત ઉપર સર્વ દેવો અને ઋષિઓ એકઠા થઇને પ્રજાપતિ બ્રહ્માની સેવા કરતા હતા, તે સમયે એ સૌની વચ્ચે વિરાજેલા પ્રજાપતિએ આકાશમાં જ્યોતિથી ઝળહળી રહેલું એક શ્રેષ્ઠ વિમાન જોયું. ત્યાં એના રહસ્યને ધ્યાનપૂર્વક જાણીને તથા પ્રતીતિ પામીને બ્રહ્માએ હાથ જોડયા, અને પ્રસન્ન ચિત્તથી તે પરમપુરુષ પરમેશ્વરને નમસ્કાર કર્યા.

બ્રહ્માને ઊભા થયેલા જોઇને દેવો તથા ઋષિઓ પણ ઊભા થયા અને એ મહાન આશ્ચર્યને પ્રણામપૂર્વક જોવા લાગ્યા.

બ્રહ્માએ એ પરમાત્માનું યથાવિધિ પૂજન કર્યું તથા એમની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડીઃ

તમે વિશ્વાવસુ છો, વિશ્વકર્મા છો, વશી છો, વિશ્વેશ્વર છો, વાસુદેવ છો, યોગાત્મા છો, અને પરમ દૈવતરૂપ છો. તેથી હું તમારે શરણે આવું છું.

હે યોગીશ્વર ! તમારો જય હો ! હે વિભુ તમારો જય હો ! જય હો ! હે યોગના પારગામી ! હે પદ્મગર્ભ ! હે વિશાલાક્ષ ! હે લોકેશ્વરના ઇશ્વર ! હે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના નાથ ! હે સૌમ્ય સ્વરૂપ ! હે આત્માથી ઉત્પન્ન થનારા ! તમારો જય હો !

હે અસંખ્ય ગુણોના આધાર ! હે સર્વના આશ્રય, તમારો જય હો.

હે નિરામય ! હે વિશ્વેશ્વર ! હે મહાબાહુ ! હે લોકહિતતત્પર ! તમારો જય હો ! હે આદિવરાહ ! હે હરિકેશ ! હે વિભુ ! તમારો જય હો !

હે અમિત ! હે અવ્યય ! તમારો જય હો ! જય હો, હે વ્યક્ત સ્વરૂપ ! હે અવ્યક્ત સ્વરૂપ !

હે જિતેન્દ્રિય ! હે સત્ક્રિયાવાન ! હે અસંખ્યેય ! હે આત્મભાવના જ્ઞાતા ! હે ગંભીર કામનાઓના દાતા ! તમારો જય હો, હે અનંત ! તમારો જય હો ! હે વેદજ્ઞ ! તમારો જય હો ! હે નિત્ય ! હે ભૂતમાત્રના સ્ત્રષ્ટા ! તમારો જય હો !

હે કૃતકાર્ય ! હે કૃતપ્રજ્ઞ ! હે ધર્મજ્ઞ ! હે વિજયદાતા ! તમારો જય હો ! હે ગુહ્ય આત્માવાળા ! હે સર્વયોગના આત્મા ! હે સ્ફુટ થયેલા સંભવવાળા ! હે ભૂતમાત્રના આદિ ! હે લોકતત્વના ઇશ ! હે સર્વભૂતોના સર્જનહાર ! હે આત્મયોગી ! હે મહાભાગ ! હે કલ્પનાન્તે સૃષ્ટિનો સંહાર કરવાને તત્પર ! હે સર્વોત્પાદક ! હે મનોભાવ ! હે વેદોના વિજયની પ્રિયતાવાળા ! હે નિસર્ગથી સૃષ્ટિને સર્જવામાં તત્પર ! હે કામેશ ! હે પરમેશ્વર ! હે અમૃતોદભવ ! હે સદભાવ ! હે મુક્તાત્મન્ ! હે વિજય પ્રદાતા ! હે પ્રજાપતિના પતિ ! હે દેવ ! હે પદ્મનાભ ! હે મહાબલ ! હે આત્મભૂત ! હે સત્વાત્મા ! તમારો જય જયકાર હો !

ધરાદેવી તમારા પાદ છે, દિશાઓ તમારા બાહુઓ છે, આકાશ તમારું મસ્તક છે, અહં તમારી મૂર્તિ છે, દેવો તમારી કાયા છે, અને સૂર્ય તથા ચંદ્ર તમારાં ચક્ષુ છે. તપ, સત્ય અને ધર્માત્મક કર્મ તમારું બલ છે. અગ્નિ તમારું તેજ છે. પવન તમારો શ્વાસ છે, અને જળ તમારા પરસેવામાંથી થયું છે. બે અશ્વિનો તમારા કાન છે. દેવી સરસ્વતી તમારી જિહવા છે, અને વેદો તમારું જ્ઞાન છે. આ અખિલ જગત તમારા જ આશ્રયે રહેલું છે. હે યોગ અને યોગીઓના ઇશ ! અમે તમારી સંખ્યાને જાણતા નથી, તમારા તેજને તથા પરાક્રમને અને બળને પણ જાણતા નથી. તેમ નથી જાણતા અમે તમારી ઉત્પત્તિને.

તમે પ્રાણીમાત્રની ગતિ છો, નેતા છો, તમે જ જગદગુરૂ છો.

તમારી કૃપાથી જ પૃથ્વી નિર્ભય થઇ છે. તો વિશાલાક્ષ ! તમે યદુઓના વંશવર્ધન રૂપે પ્રાકટય પામો. ઘર્મની સંસ્થાપના, દૈત્યોના વધ અને જગતના ધારણને માટે મારી આ વિનતિને સ્વીકારો. હે પ્રભુ ! હે વાસુદેવ ! તમારી કૃપાથી જ મેં તમારા આ પરમ ગુહ્ય સ્તવનનું ગાન કર્યું છે.

તમે તમારા વિભાગ કરીને મનુષ્યપણાને પામો.

લોકેશ્વરના પણ ઇશ્વર તે પરમદેવ ભગવાને સ્નિગ્ધ ગંભીર વાણીમાં બ્રહ્માને ઉત્તર આપ્યો કે મેં તારા મનની સર્વ ઇચ્છાને જાણી લીધી છે. તારા મનની એ ધારણા પ્રમાણે જ થશે.

એમ કહીને તે ત્યાં ને ત્યાં જ અંતર્ધાન થઇ ગયા.

બ્રહ્માએ કહેલું એ કથા-કિર્તન સાંભળીને દેવો, ગાન્ધર્વો, મુનિઓ તેમ જ અપ્સરાઓ પણ પ્રસન્નતા પામ્યાં અને સ્વર્ગલોકમાં ચાલ્યાં ગયાં. વાસુદેવ સંબંધી પુરાતનકથા કહેતા શુદ્ધાત્મા ઋષિઓના સંમેલનમાં મેં આ વૃતાંત સાંભળ્યું છે. વળી હે ભરતશ્રેષ્ઠ ! જમદગ્નિપુત્ર પરશુરામ, ધીમાન માર્કંડેય, વ્યાસ અને નારદ પાસેથી પણ મેં એ સાંભળ્યું છે.

તું ગોવિંદનો તથા ધનંજય પાંડવનો દ્વેષ કરે છે તેથી હું તને અંધકારમાં ઘેરાયેલો અને ક્રૂર રાક્ષસ જેવો માનું છું. બાકી બીજો મનુષ્ય નારાયણ જેવા દેવોનો દ્વેષ  કરે ?

એ સર્વમય છે અને રાગદ્વેષથી રહિત છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, અને જ્યાં ધર્મ છે ત્યાં જય છે. એ શ્રીકૃષ્ણના માહાત્મ્યના યોગથી પાંડુપુત્રોનું રક્ષણ થાય છે. વિજય પણ એ પાંડવોનો જ થશે. એ શ્રીકૃષ્ણ પાંડવોને સર્વદા કલ્યાણયુક્ત બુદ્ધિ આપે છે, સંગ્રામમાં સામર્થ્ય આપે છે, અને તેમને ભયથી રક્ષે છે.

ભીષ્મ પિતામહની એ કથા કૃષ્ણને પરાત્પર પરમપુરુષની પુનરાવૃત્તિ તરીકે ઓળખાવે છે.

ભીષ્મ પિતામહના શ્રીમુખથી કૃષ્ણના મહિમાની કલ્યાણકારિણી કથાને સાંભળ્યા પછી પણ દુર્યોધનનું મન બદલાયું નહીં. એ યુદ્ધની વિનાશક વાટથી પાછો વળ્યો નહીં.

સંજયે ધૃતરાષ્ટ્રને જે કાંઇ કહ્યું તે સઘળું સ્પષ્ટ હતું. યુદ્ધો કેવળ છળકપટ અને શસ્ત્રબળથી નથી જીતાતાં પરંતુ ન્યાયપરાયણતા, સત્યની નિષ્ઠા તથા પ્રભુપરાયણતાથી જીતાય છે. એવો એનો સારાંશ છે.

દુર્યોધન એવું સમજીને એને અનુસર્યો નહીં એટલે પરાજય પામ્યો. નાશ પામ્યો.

પાંડવો એ પ્રમાણે ચાલ્યા તેથી વિજય પામ્યા.

માનવમનમાં આજે પણ પાંડવ અને દુર્યોધન રહેલા છે. એકને લીધે સુખ, શાંતિ, સફળતા અને વિજય સાંપડે છે. અને બીજાને લીધે દુઃખ, અશાંતિ, નિષ્ફળતા નિરાશા તથા ઘોર પરાજયની પરંપરા.

મહાભારત યુદ્ધમાં થઇ રહેલા અને થયેલા પાંડવોના વિજયનું કારણ એમની સાત્વિકતા તથા સત્યનિષ્ઠાને પણ બતાવવામાં આવ્યું છે. જીવનના જટિલ મહાભારત જંગમાં પણ વિજય માટે એમની અનિવાર્ય આવશ્યકતા પડતી હોય છે. એને માટેના રથ, શસ્ત્ર, સામર્થ્ય જુદાં હોય છે. રામચરિતમાનસમાં રામને માટે જે કાંઇ કહેવામાં આવ્યું છે તે પાંડવોને પણ અને માનવમાત્રને લાગુ પડતું હોવાથી સવિશેષ સ્મરણીય લાગે છે.

રામચરિતમાનસના લંકાકાંડમાં રાવણને રથવાળો અને રામને રથ વિનાના નિહાળીને વિભીષણને દુઃખ, ચિંતા તથા નિરાશા થાય છે ત્યારે રામ એને જણાવે છે કે જેથી વિજય સાંપડે તે રથ તો જુદો જ છે. એ રથના પૈંડા ધૈર્ય અને સ્થૈર્ય છે. એના ધ્વજ તરીકે સત્ય તથા શીલ હોય છે. બળ, વિવેક, દમ, પરહિત, ક્ષમા, કૃપા, સમતાના રજ્જુથી તે બંધાયોલો હોય છે. ઇશ્વરસ્મરણના સારથિ, વૈરાગ્યના ચર્મ, સંતોષની તલવાર, દાનરૂપી પરશુ, સદબુદ્ધિની પ્રચંડ શક્તિ, અને વિજ્ઞાનરૂપી ધનુષ્યથી સુશોભિત હોય છે. પવિત્ર સ્થિર મનનું ભાથું અને શમ, યમ, નિયમનાં બાણથી સંપન્ન હોય છે. ગુરુ અને પંડિતની પૂજાના કવચને પહેરવામાં આવે છે; એ જ વિજયનો એકમાત્ર ઉપાય છે. હે સખા, જેનો એવો ધર્મમય રથ હોય છે, તેને ક્યાંયે કોઇએ શત્રુ જીતી શક્તા નથી. જેની પાસે એવો રથ હોય છે તે વીર, પરમ અજેય મનાતા, સંસારરૂપી રિપુને પણ જીતી શકે છે.

सुनहु सखा कह कृपानिधाना। जेहिं जय होइ सो स्यंदन आना ॥
सौरज धीरज तेहि रथ चाका। सत्य सील दृढ़ ध्वजा पताका ॥
बल बिबेक दम परहित घोरे। छमा कृपा समता रजु जोरे ॥
ईस भजनु सारथी सुजाना। बिरति चर्म संतोष कृपाना ॥
दान परसु बुधि सक्ति प्रचंड़ा। बर बिग्यान कठिन कोदंडा ॥
अमल अचल मन त्रोन समाना। सम जम नियम सिलीमुख नाना ॥
कवच अभेद बिप्र गुर पूजा। एहि सम बिजय उपाय न दूजा ॥
सखा धर्ममय अस रथ जाकें। जीतन कहँ न कतहुँ रिपु ताकें ॥

(दोहा)

महा अजय संसार रिपु जीति सकइ सो बीर।
जाकें अस रथ होइ दृढ़ सुनहु सखा मतिधीर ॥

પાંડવોના વિજયના રહસ્યની વાતને એ વિચારોમાં અજ્ઞાત રીતે વણી સેવામાં આવી છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.