Text Size

01. પ્રથમ સ્કંધ

પરમ કલ્યાણનું સાધન

ભાગવતની ભાગીરથીના પુનિત પ્રવાહના પ્રાક્ટયના પ્રારંભમાં જ તીર્થધામ નૈમિષારણ્યમાં ઉચ્ચાસને વિરાજેલા પરમજ્ઞાની સૂતજીનો આપણને પરિચય થાય છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ પરમાત્માની પ્રાપ્તિની આકાંક્ષાથી એક અસાધારણ અભૂતપૂર્વ યજ્ઞનો આરંભ કર્યો. એ યજ્ઞમાં ઋષિઓએ સૂતજી પ્રત્યેના પરમાદરથી પ્રેરાઇને પૂછયું કે કલિયુગમાં આત્મસાધનાની અભિરુચિ અને પ્રવૃત્તિ એકદમ ઘટી ગઇ છે, જીવન ઓછું થઇ ગયું છે, અને ભયસ્થાનો, પ્રલોભનો, વિઘ્નો અને ઉપાધિઓનો પાર નથી, ત્યારે મનુષ્યોના પરમકલ્યાણનું અસરકારક સાધન કયું છે ? શાસ્ત્રો તો અલગ અલગ સાધનોનો ઉપદેશ આપે છે. એ બધાં જ સાધનો સરળ અને સચોટ નથી દેખાતાં. તો જે સર્વોત્તમ, સર્વસંમત સાધન હોય એને શ્રવણ કરવાની અમારી ઇચ્છા છે. તમે કેવળ શાસ્ત્રજ્ઞ નથી પરંતુ સ્વાનુભૂતિસંપન્ન હોવાથી સ્વાનુભૂતિના આધાર પર અમને એ અમોઘ સાધનવિશેષનો સંદેશ આપો. અમે એ પણ જાણવા માગીએ છીએ કે યદુવંશશિરોમણિ ભક્તવત્સલ ભગવાન કૃષ્ણ આ અવની પર શા માટે અવતીર્ણ થયેલા. ભગવાનનો અવતાર માનવજાતિના મંગલને માટે હોય છે. એ એમની યોગમાયાનો આશ્રય લઇને સ્વેચ્છાનુસાર લીલા કરે છે. એમના એ અવતારોના અને એમણે કરેલી લીલાઓના સંબંધમાં અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો.

ઋષિઓની જિજ્ઞાસાના જવાબમાં સૂતજી મનુષ્યોના પરમ કલ્યાણનું અસરકારક અમોઘ સાધન બતાવે છે. એ સાધન કેવળ કલિયુગને માટે જ નહિ પરંતુ પ્રત્યેક યુગને માટે એકસરખું ઉપયોગી છે. પરમાત્મા પોતે કલ્યાણસ્વરૂપ હોવાથી પરમ કલ્યાણની કામનાવાળા પ્રત્યેક આત્માએ એમની સાથે સંબંધ બાંધવો જોઇએ. પરમાત્માનો સંબંધ વિચ્છેદ કરીને કોઇ પણ જીવનમાં સ્થિરતા, સંવાદિતા કે શાંતિ ના મેળવી શકે ને જીવનને મહોત્સવમય ના કરી શકે. મનુષ્ય બાહ્ય વિષયો અને ભોગોપભોગની પાછળ પડે છે, ભાતભાતના સંકલ્પવિકલ્પોનો આધાર લે છે અને એમની પૂર્તિ માટેના પ્રયત્નો કરે છેઃ એ ઉપરાંત અનેક પ્રકારની કામનાઓ તથા તૃષ્ણાઓમાં રમ્યા કરે છે. પરંતુ માનવજીવન ઇન્દ્રિયજન્ય વિષયોના તથા કામનાઓ અને લાલસાઓના ઉપભોગ માટે નથી. એનો મહિમા ઘણો મોટો અને એની શક્યતા ધાર્યા કરતાં ઘણી વધારે છે. એની સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરી તથા વધારીને પોતાની અંદર તેમજ સમસ્ત સંસારમાં વિરાજમાન કે વ્યાપક પરમાત્માની પરમચેતનાનો સાક્ષાત્કાર કરીને બંધન, ક્લેશ તથા અશાંતિમાંથી મુક્તિ મેળવવામાં જ જીવનની સાર્થકતા સમાયલી છે. એવી મુક્તિ અને પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિને માટે પ્રયત્નો કરવામાં અથવા સાધનાનું આલંબન લેવામાં જીવનનો સદુપયોગ રહેલો છે.

શાસ્ત્રો અને સ્વાનુભૂતિસંપન્ન સત્પુરુષોએ જ્ઞાન, કર્મ તથા યોગની સાધના પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે ખરો પરંતુ પરમાત્માની પવિત્રતમ પ્રખર પ્રેમભક્તિ વિના પરમાત્માનો સુખદ સર્વમંગલ શાંતિકારક સાક્ષાત્કાર કેવી રીતે થઇ શકે ને જીવન જ્યોતિર્મય કે મધુમય પણ કેવી રીતે બની શકે ? એટલા માટે, જીવનની સર્વોત્તમ ધન્યતાની રસાનુભૂતિ માટે, જીવનને ભક્તિમય બનાવવાની આવશ્યકતા છે. ભક્તિ દ્વારા પરમાત્માનું અનુસંધાન સધાય છે, પરમાત્માનાં ચારુ ચરણોમાં પ્રેમ જાગે છે અને પરમાત્માનો સાક્ષાત્કાર સુલભ બને છે. એ એક એવું સાધન છે જેની મદદથી જ્ઞાન તેમજ યોગ ઉભય સાધનોનું ફળ સહેલાઇથી સાંપડી શકે છે, જીવન કૃતાર્થ, પ્રશાંત અને પૂર્ણ થાય છે.

એ ભક્તિના પ્રાદુર્ભાવને માટે સંતસમાગમ તથા કથાશ્રવણના સાધનો ઉપયોગી છે. નામસ્મરણ તેમજ સંકીર્તનની રુચિ કે રસવૃત્તિ પણ એમાં અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. એ ઉપરાંત સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્માના ધ્યાનથી પણ ભક્તિભાવને વધારવામાં મદદ મળે છે. કલિયુગમાં પ્રલોભનો, વિઘ્નો કે ઉપાધિઓનો અંત નથી તો પણ ભક્તિનો આધાર લેવાથી જીવનપથ સરળ અથવા નિષ્કંટક બની જાય છે અને સાધનારૂપી યાત્રા નિર્વિઘ્ને પૂરી થાય છે. ભક્તિમાં અહંકારને કે દંભને તો સ્થાન જ નથી હોતું ; અને એની દ્વારા ઇશ્વરની સાથે સંબંધ બંધાવાથી ભક્તને ઇશ્વરની રક્ષાનો અલૌકિક લાભ મળે છે. એ જાણે છે અને અનુભવે છે કે જીવનની જટિલ અજ્ઞાત રહસ્યમયી મહાયાત્રામાં પોતે એકલો નથી. ઇશ્વરનો સંસર્ગ, સાથ, સ્નેહ અને સહયોગ એને સદાયે સાંપડયા કરે છે. પછી પ્રલોભનો કે ભયસ્થાનો કશાનો ભય કયાં છે ? ઇશ્વરનો અભયપ્રદ વરદ હસ્ત સદાને સારુ એના મસ્તક પર મંડાયેલો છે પછી કોઇ પ્રકારની નાની કે મોટી, સાધારણ કે અસાધારણ અને કાલ્પનિક કે વાસ્તવિક ચિંતા, વ્યથા કે ઉદ્વિગ્નતાને માટે અવકાશ જ ક્યાં છે ? ઇશ્વરની સુધામય, શક્તિસંચારક, સર્વવિધ શ્રેયસ્કરી છત્રછાયામાં એ પરમાનંદનો ને શાશ્વત સુખશાંતિનો અનુભવ કરે છે. ઇશ્વરે એના જીવનરથનું સારથિપદ સંભાળ્યું હોવાથી એ નિશ્ચલ ને નિર્ભય બને છે. એને માયાપતિનું શરણ લીધું હોવાથી માયાના વિષમય વિઘાતક વંટોળથી ગભરાવાનું નથી રહેતું. એ વંટોળ એનો વાળ પણ વાંકો નથી કરી શકતા.

એ ભક્તિ જેવું મહામૂલ્યવાન મહારસાયન બીજું કોઇ જ નથી. તનના, મનના અને અંતરના બધાં જ દુઃખદર્દો પર એ અકસીર ઠરે છે અને કાયમનું કલ્યાણ કરે છે. માટે શ્રેયાર્થીએ સર્વ સ્થળે ને સમયે એનો આધાર લેવો જોઇએ.

ભગવાનના ભક્તિયોગથી ભક્તનું ચંચળ મન ધીમે ધીમે સ્થિર થાય છે, એની બહિર્મુખ વૃત્તિનો અંત આવીને અંતર્મુખ વૃત્તિ વધવા માંડે છે, અને આખરે મન શાંત અને પવિત્ર બનતાં એમાં અલૌકિક આત્મજ્ઞાનનો આવિર્ભાવ સહજ બને છે. એ પછી આત્મદર્શનનો દેવદુર્લભ અમૂલખ લાભ દૂર નથી રહેતો. એના સુપરિણામરૂપે અવિદ્યાની અહંકારજન્ય સમસ્ત ગ્રંથિઓનું ભેદન થાય છે, સંશયો છેદાઇ જાય છે. અને કર્મોનો તેમજ એ કર્મોને લીધે પેદા થયેલી ને પ્રબળ બનેલી વાસનાઓનો ક્ષય સહજ બને છે.

સંસારમાં આત્મવિકાસની સાધનાનું આવું સુંદર, સુખદ, સર્વોત્તમ, શાસ્ત્રીય અને સચોટ સાધન છે પછી બીજાં અશિવ, ક્લેશકારક કે કલિષ્ટ સાધનોની પાછળ પડવાની શી આવશ્યકતા છે ?

કલિયુગનો કે બીજા કોઇયે યુગનો ભય રાખવાનું પ્રયોજન પણ પછી ક્યાં રહે છે ? ભક્તિની સાધના, સાધનાના સુમેરુશિખર પર પહોંચવા માટે પૂર્ણપણે પર્યાપ્ત છે.

પરમાત્મા પોતે નિર્ગુણ, નિરાકાર, અજન્મા અને અવિનાશી હોવાં છતાં પોતાની પરા અને અપરા પ્રકૃતિશક્તિનો આધાર લઇને સૃષ્ટિનું સર્જન કર્યું એ વાતનું વર્ણન વેદ પોતાની લાક્ષણિક રીતે કરે છે અને શ્રીમદ્ ભાગવત એના અનુસંધાનમાં એનું સમ્યક્ સમર્થન કરતા વિચારોની અભિવ્યક્તિ કરી બતાવે છે. એ સૃષ્ટિના મંગલ માટે થયેલા એમના ભિન્નભિન્ન વિશિષ્ટ અવતારોનાં રેખાચિત્રો પણ અંકિત કરે છે. જેવી રીતે કોઇક પ્રતાપી પરમ પ્રકાશપુંજમાંથી સહસ્ત્રો રશ્મિઓ નીકળે અથવા કોઇક અનંત જળભંડારમાંથી અનેક જુદા જુદા જળપ્રવાહો પ્રવાહિત થાય તેવી રીતે સત્વગુણના ભંડાર જેવા હરિના વિવિધ અવતારો થાય છે. એ બધા અવતારોમાં ભાગવતકાર ભગવાન કૃષ્ણને પૂર્ણાવતાર અથવા સ્વયં ભગવાન કહે છે. ભાગવતકાર સ્વનામધન્ય પ્રાતઃસ્મરણીય મહર્ષિ વ્યાસ શ્રી કૃષ્ણના સમકાલીન હતા. એમણે એમની જીવનલીલાનું સુચારુરુપે સમીપથી નિરીક્ષણ કરેલું. એ એમના વિશાળ વિશદ વ્યક્તિત્વના સાક્ષી હતા. એવા મહાપુરુષ પોતે જ જ્યારે એમના વિશે એવો અસાધારણ અભિપ્રાય આપે ત્યારે એનું મહત્વ ખૂબ જ વધી જાય એ સ્વાભાવિક છે. એ અભિપ્રાયને આવેશયુક્ત ના કહી શકાય. અતિશયોક્તિમાં પણ ના ખપાવાય. એની વાસ્તવિકતાનો વિચાર તો આપણે આગળ પર દસમા સ્કંધની વિચારણા વખતે કરીશું. અત્યારે તો એના પ્રત્યે કેવળ અંગુલિનિર્દેશ કરી લઇએ એટલું પર્યાપ્ત છે. ભાગવતકાર કહે છે કે એ અવતારો યુગેયુગે પ્રેરણા તથા પ્રકાશ પાથરીને સૃષ્ટિને સુખી કરે છે ને ધન્ય બનાવે છે. બીજા બધા અવતારો અંશાવતારો કહેવાય છે. એમની અંદર ભગવાનની કળાની અભિવ્યક્તિ આંશિક રીતે થયેલી, પરંતુ શ્રીકૃષ્ણ પૂર્ણાવતાર હતા. એમની અંદર ભગવાનની કળાનું પ્રાક્ટય પરિપૂર્ણપણે થયેલું. પોતાના એ મનોભાવોને વાચા આપતાં ભાગવતના રચયિતા મહર્ષિ વ્યાસ સંયમી છતાં સુંદર ભાષામાં કહે છે :

एते चांशकलाः पुंसः कृष्णस्तु भगवान्स्वयम् ।
इन्द्रारिव्याकुलं लोकं मृडयन्ति युगे युगे ॥२८॥
(પ્રથમ સ્કંધ, અધ્યાય 3, શ્લોક ર૮)   

પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયની પરિસમાપ્તિ પહેલાંના થોડાક ઉદ્દગારો ખાસ ઉલ્લેખનીય છે. સૂતજી એ ઉદ્દગારો દ્વારા સ્પષ્ટીકરણ કરતાં શૌનકાદિ મુનિવરોને જણાવે છે કે પૂર્વના પવિત્ર પ્રખર સંસ્કારો વિના ભગવાનના સ્મરણમનનમાં અને કથાશ્રવણમાં પ્રીતિ થતી નથી. તમને તેવી પ્રીતિ થઇ છે તે તમારું સર્વોત્તમ સદ્દભાગ્ય સૂચવે છે. શ્રીમદ્ ભાગવત નામનું આ મહાપુરાણ પરમાત્માના સુધાસભર સંકીર્તનરૂપ, વેદોસમાન સંપત્તિ આપનારું તથા સર્વવિધ કલ્યાણ કરનારું છે. એને રચ્યા પછી ભગવાન વેદવ્યાસે પોતાના જ્ઞાનીશ્રેષ્ઠ સુપુત્ર શુકદેવને એનો ઉપદેશ આપ્યો. સ્વનામધન્ય સંતશ્રેષ્ઠ શુકદેવે વેદો તથા ઇતિહાસોના અર્કરૂપ એ ભાગવત ગંગાતટ પર અનશનવ્રત લઇને વિરાજેલા ઋષિમુનિના સમુહથી વીંટળાયલા મહારાજા પરીક્ષિતને સંભળાવેલું ત્યારે મને પણ એના શ્રવણનો અલૌકિક લાભ પ્રાપ્ત થયેલો. તે તમને મારી શક્તિ તેમજ સમજને અનુસરીને સંભળાવું છું. ભગવાન કૃષ્ણના સ્વધામપ્રયાણ પછી કલિયુગનો મોહજન્ય અવિદ્યાયુક્ત ગાઢ અંધકાર દિશાપ્રદિશામાં સર્વત્ર ફરી વળ્યો. ધર્મ અને જ્ઞાનનો લોપ થયો. એ અંધકારને દૂર કરીને ધર્મ તથા જ્ઞાનની પુનઃપ્રતિષ્ઠા કરવા માટે ભાગવતરૂપી આદિત્યનો ઉદય થયો છે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok