02. દ્વિતીય સ્કંધ

જીવનની મંગલમયતા

ભગવાનના ગુણનું અથવા એમની અનંત મહિમામયી લીલાશક્તિનું ચિંતન, મનન, શ્રવણ કે સંકીર્તન સામાન્ય માનવોને માટે તો મંગલકારક છે જ પરંતુ ગુણાતીતાવસ્થા પર પહોંચેલા, ઇશ્વરના નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં સંલગ્ન, કૃતકામ ઋષિવરોને માટે પણ શાંતિકારક અને આનંદદાયક છે. એવા ધન્યાવસ્થાએ પહોંચેલા મહાપુરુષો પણ ભગવાનની લીલાઓના શ્રવણ તથા સંકીર્તનમાં રત રહે છે. માનવે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એવા શ્રવણ તથા સંકીર્તનમાં મગ્ન રહેવું જોઇએ.

જીવન છે જ એટલા માટે. ઇશ્વરનું અનુસંધાન સાધીને, ઇશ્વરનો વધારે ને વધારે સંબંધ બાંધીને, ઇશ્વરને ઓળખવા માટે, ઇશ્વરમય બનવા માટે અને બીજાને એક અથવા બીજી રીતે બનતા બધા જ પ્રમાણમાં ઉપયોગી થવા માટે, જે જીવન એ પ્રયોજનની પૂર્તિ માટે વપરાય છે તે જ ઉજ્જવળ, સફળ કે સાર્થક છે. બીજાં બધાં જીવન તો કેવળ મરણની નાનીમોટી આવૃત્તિ જ બની જાય છે. એમનું કોઇ વિશેષ ગૌરવ નથી ગણાતું.

શુકદેવજીનું જીવન એવું ઉજ્જવળ, સાર્થ, સર્વહિતકારી, સફળ જીવન હતું. એથી જ એ પોતાના શરણાગત પરીક્ષિત પર સહેજ અનુકંપાથી પ્રેરાઇને ધન્યતાની વૃષ્ટિ કરવા તૈયાર થયેલા.

શ્રીમદ્ ભાગવતનું શ્રવણ, મનન કે સંકીર્તન સર્વ પ્રકારે શ્રેયસ્કર છે. એ એક મહાયજ્ઞની ગરજ સારે છે. જીવંત કે જીવનના છેક જ કિનારા પર બેઠેલા મરણાસન્ન માનવોને માટે એ અમોઘ આશીર્વાદરૂપ છે. ત્રિતાપથી સંતપ્ત માનવોને એ શાશ્વત શાંતિ આપે છે. જે ભાગવતનો આધાર લે છે તેણે ભવસાગરનો સરળતાથી સુખપૂર્વક પાર કરાવી શકનારી મહાનૌકાનો આધાર લીધો એવું સમજી લેવાનું. એ એક એવી અમૃતમયી અકસીર ઔષધિ છે જે સઘળા દુઃખદર્દોનો અંત લાવે છે. પૃથ્વીના પ્રવાસમાં પિપાસાનું શમન કરનારી એ એક મહાપરબ છે. મહર્ષિ વ્યાસે માનવજાતિના મંગલને માટે એને તૈયાર કરી છે.

શ્રીમદ્ ભાગવતનું શરણ લેનાર છેવટે ભાગવતનું શરણ લેતો થઇ જાય છે ને ભગવાનનો બને છે. એના સરખું કલ્યાણકારક બીજું કશું જ નથી. એટલે તો ભક્તો, યોગીઓ, તપસ્વીઓ તથા જ્ઞાનીઓ સૌ કોઇ એનું શ્રવણ અને મનન કરવા તૈયાર રહે છે. એના સેવનથી વિવેક અને વૈરાગ્ય સહજ રીતે જ આવી મળે છે ને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાભક્તિ સાચી ને સુદૃઢ બને છે. સંસારની ઇતર આસક્તિઓનો આપોઆપ અંત આવે છે. માયાનું શાસન હળવું બને છે, ને છેવટે પરિસમાપ્તિએ પહોંચે છે. શોક અને મોહનાં તાંડવનૃત્યો શમી જાય છે, ઇશ્વરની અનુભૂતિ સહજ બને છે, ને જીવન પ્રશાંતિ તથા મધુતાથી મઘમઘી ઊઠે છે. શુકદેવજી એનો મહિમા વર્ણવતા જણાવે છે કે આ ભાગવત વેદના જેવું જ પવિત્ર ને મંગલ છે. એનું શ્રવણ કરનાર ને શરણ લેનાર પણ જોતજોતામાં પવિત્ર ને મંગલ બની જાય છે. એની શક્તિ એવી અમોઘ અને અસાધારણ છે. એ ભગવદ્દરૂપ છે.

જે એના પ્રત્યે શ્રદ્ધાભક્તિ રાખે છે તેનું મન ભગવાન કૃષ્ણનાં ચારુ ચરણોમાં તરત જ લાગી જાય છે અને અનન્ય પ્રેમથી પરિપ્લાવિત થાય છે. જેમને લૌકિક કે પારલૌકિક કોઇ પણ પ્રકારના પદાર્થની કામના હોય અથવા દુનિયાને દુઃખરૂપ માનીને જે એનાથી વિરક્ત બની ગયા હોય અને મોક્ષપદની પ્રાપ્તિની મહત્વકાંક્ષા સેવતા હોય એવા સાધકો અથવા અસાધારણ આત્મજ્ઞાનીઓ પણ પોતાના ધ્યેયની પૂર્તિ તથા જીવનની ધન્યતાની અનુભૂતિ માટે ભગવાનનાં સુધાસભર નામોનું સંકીર્તન કરે એવો શાસ્ત્રોનો આદેશ છે. ભગવાનના નામોનું સંકીર્તન સૌને માટે સર્વ પ્રકારે શ્રેયસ્કર તથા શાંતિદાયક છે. જીવનની જે ક્ષણો એમાં વીતે છે તે સફળ થાય છે ને ધન્ય બને છે.

રાજર્ષિ ખટ્વાંગની જીવનકથા તો જાણીતી છે. એમને ખબર પડી કે પોતાના જીવનની બે ઘડી જ હવે બાકી રહી છે ત્યારે એમણે એ બે ઘડી દરમિયાન પણ સર્વ કાંઇ છોડી દીધું, આસક્તિના સમસ્ત અંકુરોને કાપી નાખ્યા, અને ભગવાનમાં મન જોડીને ભગવાનના અભય પદની પ્રાપ્તિ કરી. જીવનની બે તો શું પણ એક અથવા અડધી ઘડી પણ એવી રીતે નકામી નથી. એનો સદુપયોગ કરીને જીવનની ધન્યતાની પ્રાપ્તિ કરી શકાય છે. તમારા જીવનની શક્યતા પણ હજુ ઘણી મોટી છે. તમારી પાસે તો ઘણો સમય છે. સાત દિવસનો સમય કાંઇ નાનો સમય ના કહેવાય. એ સમયનો જો સદુપયોગ કરવામાં આવે તો એટલા સમયમાં ભગવદ્દભક્તિને વધારીને જીવનને કૃતાર્થ કરી શકાય એમાં શંકા નથી. સાત દિવસ તો શું પરંતુ સાત ઘડી હોય તો પણ જીવનના કલ્યાણને માટે પૂરતી છે.

મૃત્યુનો સમય સમીપ આવે ત્યારે અથવા એની પૂર્ણ માહિતી મળે ત્યારે બનતી શાંતિ રાખવી. એવે વખતે જરા પણ ડરવું, ગભરાવું કે બેચેન ના બનવું. વૈરાગ્યનો આશ્રય લઇને પરમાત્માના પરમપવિત્ર નામનો અથવા પ્રણવનો જપ કરવો. જપની મદદથી પરમાત્માનું ચિંતનમનન કરતાં પરમાત્માનાં સ્વરૂપમાં મનને પરોવી દેવું. ઇન્દ્રિયોને એમના વિષયોમાંથી હઠાવવાનો જપ કરવો. મન જો પૂર્વચિંતનના પરિણામે વિષયોમાં જાય તો પણ તેને પ્રયત્નપૂર્વક ત્યાંથી પાછું વાળવું ને પરમાત્મામાં જોડવું. કોઇ પણ દુન્યવી પદાર્થની આસક્તિ ના રાખવી કારણ કે આસક્તિ જ અધઃપતનનું કારણ થઇ પડે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.