02. દ્વિતીય સ્કંધ

સૃષ્ટિ સંબંધી પ્રશ્ન

 શુકદેવજીની સ્વાનુભવાત્મક સુધામયી વાણી કર્ણને પ્રિય લાગે તેવી તો હતી જ પરંતુ સાથે સાથે ગમે તેવા વિષયાસક્ત કે અજ્ઞાની પુરુષોને પણ પ્રજ્ઞાનો પવિત્રતમ પ્રકાશ પહોંચાડવાની શક્તિથી સંપન્ન હતી. એ વાણી અમોઘ હતી. પરીક્ષિતના સંસ્કારો પ્રથમથી જ સારા હોવાથી અને અણીના વખતે શુકદેવજી સરખા સંતપુરુષનો સમાગમ અને અનુગ્રહ સાંપડવાંથી એમની વૃત્તિ વિશદ બની ગઇ. એમણે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં પોતાના મનને જોડી દીધું. મનમાં પાર્થિવ પદાર્થોની જે થોડી ઘણી મમતા હતી તે શુકદેવજીના દૈવી દર્શનથી ને અદ્દભુત વચનશ્રવણથી સ્વલ્પ સમયમાં જ અને સહજ રીતે જ દૂર થઇ ગઇ. એમને મૃત્યુના સમયનું નિશ્ચિત જ્ઞાન તો હતું જ એટલે એમનો આગળનો રસ્તો વિશેષ સરળ બની શક્યો. એમણે સઘળી લૌકિક-પારલોકિક ઇચ્છાઓનો ને વાસનાઓનો ત્યાગ કરીને પોતાની બુદ્ધિને ભગવાનમાં સ્થિર કરી. એમના જીવનની ધન્યતાનું દ્વાર એમની આગળ ખુલ્લું થયું.

ભાગવતનો મુખ્ય હેતુ અહીં પૂરો થઇ ગયો. પરીક્ષિતને પોતાના જીવનકલ્યાણ વિષયક પ્રશ્નોના પ્રત્યુત્તરો ખૂબ જ સંતોષકારક રીતે મળી ગયા. એ વિશે એમને કોઇ શંકા ના રહી. હવે ભાગવતના વિસ્તારનું કોઇ વિશિષ્ટ પ્રયોજન ના રહ્યું. પરંતુ એવું તો શ્રીમદ્દ ભગવદ્દગીતાના સંબંધમાં પણ ક્યા નહોતું ? ગીતામાં પણ બીજા અધ્યાયની સુખદ પરિસમાપ્તિ પછી અર્જુનની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ સુચારુરુપે અપાઇ ગયેલો. એ પછી એને આગળ વધારવાનું કોઇ ખાસ કારણ નહોતું રહ્યું.  એની પૂર્ણાહુતિ ત્યાં જ થઇ હોત તો કશું ખોટું ન હતું. બહુ બહુ તો એને અધિક રસમય બનાવવા માટે અઢારમાં અધ્યાયના પેલા શ્લોકોને જોડી શકાત જેમાં ભગવાન અર્જુનને પૂછે છે કે હે પાર્થ, મારા શબ્દોને તેં એકાગ્રચિત્તે સાંભળ્યા કે ના સાંભળ્યા ? અને એને પરિણામે તારો અજ્ઞાનમૂલક મોહ મટ્યો કે ના મટ્યો ? અને એના અનુસંધાનમાં નીકળેલા અર્જુનના સંશય તથા મોહની નિવૃત્તિના પેલા પ્રતીતિપૂર્ણ ઉત્તમ ઉદ્દગારોને સમાવતો શ્લોક-ગીતાના અઢારમા અધ્યાયનો ૭૩મો શ્લોક. એટલામાં ગીતાનું બાહ્ય ક્લેવર પૂરું થાત. પરંતુ ત્રીજા અધ્યાયના આરંભમાં અને પછી પણ અવારનવાર અર્જુને બીજી જુદી જુદી જાતની જિજ્ઞાસા રજૂ કરી, અને એના પરિણામે ગીતાનું કદ વધતું ગયું. એ કદવિસ્તાર ખરેખર આવશ્યક હતો કે ગીતાકારે એને આવશ્યક માનીને એનો આધાર લીધો એ અલગ વાત છે, પરંતુ એવું જ ભાગવતના સંબંધમાં સમજવાનું છે. ભાગવતના દ્વિતીય સ્કંધના ચતુર્થ અધ્યાયના ચતુર્થ શ્લોક આગળ ભાગવતની કામચલાઉ પરિસમાપ્તિ કરી શકાઇ હોત પરંતુ પરીક્ષિતની જિજ્ઞાસા હજુ સંપૂર્ણપણે શાંત નહોતી થઇ. એટલે તો એમણે પ્રશ્ન પૂછવાનો પ્રારંભ કર્યો. એને લક્ષમાં લઇને સંતોષકારક પ્રત્યુત્તર આપવાનું આવશ્યક હતું. એવી જિજ્ઞાસાવૃત્તિના ફણગા એ પછી અનેકવાર અને અનેક રીતે ફૂટતા જ રહ્યા. ભાગવતનો કદવિસ્તાર એને લીધે અનિવાર્ય રીતે વધી પડ્યો.

એક બીજી હકીકત પણ એટલી જ અગત્યની છે. તે એ કે પરીક્ષિતે પોતાના મનને ઇશ્વરમાં જોડી દીધેલું હોવાં છતાં હજુ એ સંપૂર્ણ સ્થિરતાથી જોડાયલું એવું ના કહી શકાય. એમને ઇશ્વરનો સાક્ષાત્કાર નહોતો થયો અને જીવનમુક્તિનો મહામૂલ્યવાન અલૌકિક આનંદ પણ હજુ દૂર હતો. એ પૂર્ણાવસ્થામાં પ્રતિષ્ઠિત નહોતા થઇ શક્યા. સાધનાની ભૂમિકા બૌદ્ધિક રીતે બંધાઇ ચૂકેલી તો પણ એની ઉપર કૃતકૃત્યતાની અણિશુદ્ધ, ઇમારત રચાવાની વાર હતી. એમાં મદદ મળે તે માટે ઇશ્વરના અવતારોનાં લીલાચરિત્રો અને ખાસ કરીને ભગવાન કૃષ્ણની જીવનલીલા તથા જ્ઞાન-વિજ્ઞાન-ભક્તિ તેમ જ યોગની રહસ્યમય કથાઓને કહી બતાવવાની અનિવાર્ય આવશ્યકતા હતી. એને લીધે જ ભાગવતની ભાગીરથીનો પુનિત પ્રવાહ અવનવા ઓવારા અને એમની ઉપરનાં તારક તીર્થોનું નિર્માણ કરતો આગળ ચાલ્યો. પરીક્ષિતની પેઠે સમસ્ત માનવજાતિને માટે એ મંગલમય અથવા ઉપકારક થઇ પડ્યો.

દ્વિતીય સ્કંધના આરંભમાં જ પરીક્ષિતે પૂછયું :

પરમાત્મસ્વરૂપ શુકદેવ ! તમે સર્વજ્ઞ અને પરમપવિત્ર હોવાથી તમારાં વચનો વાસ્તવિક છે. તમે જેમ જેમ ભગવાનની લીલાની કે મહિમાની કથા કહેતા જાઓ છો તેમ તેમ મારી અવિદ્યાનો અંત આવતો જાય છે. મને જાણવાની ફરી પણ ઇચ્છા થાય છે કે, પોતાની માયાના પ્રભાવથી ભગવાન આ સંસારની રચના કેવી રીતે કરે છે ? સંસારની રચના એટલી બધી તો રહસ્યમય છે કે એના સંબંધમાં બ્રહ્મા જેવા મોટા મોટા દેવતાઓ પણ ભૂલ કરી બેસે છે કે ભ્રાંતિમાં પડે છે. ભગવાન આ અનંત બ્રહ્માંડની રચના અને એનો સંહાર શી રીતે કરે છે ? એ બધું એ કયી વિશિષ્ટ શક્તિઓનો આધાર લઇને કરતા હોય છે ? એમની લીલાઓ અનંત, અચિંત્ય અને અદ્દભુત હોય છે. એમને સમજવાનું કાર્ય મોટા મોટા, વિલક્ષણ વિદ્ધત્તાવાળા વિદ્વાનોને માટે મુશ્કેલ હોય છે. તમારા સરખા કોઇક સ્વાનુભૂતિસંપન્ન વિરલ પુરુષવિશેષ જ એમના ગૂઢ રહસ્યને સમજી તથા સમજાવી શકે. તમે વેદ તથા બ્રહ્મતત્વ-શાસ્ત્રાધી તથા સ્વાનુભૂતિ બંનેમાં પૂર્ણ હોવાથી મારી શંકાનું અથવા જિજ્ઞાસાવૃત્તિનું સમાધાન સારી રીતે કરી શકશો એવા અચળ વિશ્વાસથી પ્રેરાઇને આ પ્રશ્ન પૂછી રહ્યો છું.

પરીક્ષિતને જેવા પ્રશ્નો ઊઠયા તેવા પ્રશ્નો આજે પણ કેટલાયના મનમાં પેદા થાય છે. આજે પણ માનવમનને એ સમસ્યાઓ સતાવે છે. એમના સમ્યક્ સમાધાન માટે એ પ્રયત્નો આદરે છે. સૃષ્ટિના રહસ્યોનું ઉદ્દઘાટન કરવાના ક્ષેત્રમાં વિજ્ઞાન પણ પોતાની આગવી રીતે આગેકૂચ કરી રહ્યું છે. શુકદેવજીએ આપેલા પરીક્ષિતના પ્રશ્નોના પ્રત્યુત્તરો એ દિશામાં પ્રેરક છે. એ સંબંધી એમની આગવી અને મૌલિક દૃષ્ટિ છે.

સૌથી પહેલાં તો શુકદેવજીએ પરમાત્માને પ્રાર્થના કરી. એ પ્રાર્થના અત્યંત ભાવમય, રોચક અને ભક્તિરસ ભરપુર છે. એમના એ સરસ પ્રાર્થના દ્વારા પ્રાદુર્ભાવ પામેલા કેટલાક ઉદ્દગારો આ રહ્યા :

'એ પરમપુરુષ પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત પરમાત્માને હું પુનઃપુનઃ પ્રણામ કરું છું જે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયની ચિત્રવિચિત્ર લીલા કરવા માટે સત્વ, રજ અને તમોગુણની ત્રિવિધ શક્તિથી બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશનું રૂપ ધારણ કરે છે, જુદાં જુદા પ્રાણીઓના ચર અને અચરના અંતરાત્મારૂપે વસે છે, તથા જેમના રહસ્યને બુદ્ધિ દ્વારા નથી જાણી શકાતું. એ સ્વયં અનંત છે અને એમનો મહિમા પણ અનંતા છે.

વળી વારંવાર પ્રેમપૂર્વક એમને પણ પ્રણામ કરું છું જે સત્પુરુષો કે શરણાગતોના સંકટોને શાંત કરીને એમની ઉપર પોતાના અલૌકિક અનુગ્રહનો વરસાદ વરસાવે છે અને દુષ્ટોનું દમન કરે છે. ચરાચર જગત એમના મહિમાનું પ્રતીક છે. એ સૌની અંદર, સૌના રૂપમાં રહેલાં છે. પરમહંસ આશ્રમમાં રહેનારા પુરુષોને જે અભીષ્ટ વસ્તુ આપીને કૃતાર્થ કરે છે તેમને મારા પ્રણામ છે.

જેમનું સંકીર્તન, સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ અને આરાધન મનુષ્યોના પાપોને ધોઇ નાખે છે ને સૌને દોષમુક્ત કરે છે, જેમનો વધારે કે ઓછો આશ્રય લેનાર કદી દોષિત કે પાપી રહી શક્તો નથી, તે મંગલમય કીર્તિવાળા ભગવાનને પ્રણામ છે.

વિવેકી કે વિચક્ષણ મહાપુરુષો જેમના ચરણકમળનું શરણ લઇને અંતરાત્મામાંથી આ લોક અને પરલોકની આસક્તિનો અંત આણે છે અને અનાયાસે બ્રહ્મપદની પ્રાપ્તિ કરે છે એ મંગલમય કીર્તિવાળા ભગવાનને પ્રેમપૂર્વક પ્રણામ છે.

તે ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તોના સ્વામી છે, વેદમય તથા ધર્મમય ને તપોમય છે. બ્રહ્મા તથા શંકર જેવા મોટા મોટા દેવતાઓ પણ એમના શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ હૃદયથી ચિંતન અને નિદિધ્યાસન કરે છે તેમ જ એમને આશ્ચર્યચકિત થઇને જુએ છે. તે ભગવાન મારી ઉપર પ્રસન્ન થાવ.'

ભાગવતના વિશાળ સાહિત્ય ભંડારમાંથી પ્રાર્થનાના જે અસંખ્ય શ્લોકો જોવા મળે છે એમાં આ શ્લોકોનું પોતાનું આગવું સ્થાન છે. એની અંદર જે અસાધારણ અર્થગાંભીર્ય, અદ્દભુત પદલાલિત્ય, સરળતા, સરસતા અને સચોટતા છે એ અવર્ણનીય છે. અંતઃકરણને એ ઊંડી અને અનોખી અસર કરી જાય છે. એ શ્લોકોનું પારાયણ કરતાં દિલ ડોલી ઊઠે છે. એમની સાત્વિકતાની આપણા પર અમીટ છાપ પડે છે.

પ્રાર્થનાના એ શ્લોકોની પૂર્ણાહુતિ મહર્ષિ વ્યાસને ઉદ્દેશીને કહેવાયલા એક સુંદર શ્લોકથી થાય છે. એ શ્લોક મહર્ષિ વ્યાસે પોતે પોતાની પ્રશસ્તિરૂપે રચેલો નહિ જ હોય પરંતુ સ્વનામધન્ય શુકદેવે કહ્યો હશે એ તો સહેલાઇથી સમજી શકાય એવું છે. એ સવિશેષ ચિત્તાકર્ષક અને ઉલ્લેખનીય તો એટલા માટે છે કે પ્રાચીન સાહિત્યમાં મહર્ષિ વ્યાસની પ્રશસ્તિના જેટલા શ્લોકો છે એમાં એનાથી એકનો મહત્વનો ઉમેરો થાય છે. એ શ્લોક અત્યંત ભાવભરપુર ભાષામાં કહે છે કે મહાત્મા પુરુષો જેમના મનહર મુખારવિંદમાંથી મકરંદ સમાન ઝરતી જ્ઞાનસુધાનું નિરંતર પાન કરે છે તે પરમ તેજસ્વી ભગવાન વ્યાસના શ્રીચરણે હું પુનઃપુનઃ પ્રણામ કરું છું. એ સુંદર મૂળ શ્લોક આ રહ્યો :

नमस्तस्मै भगवते व्यासायामिततेजसे ।
पपुर्ज्ञानमयं सौभ्या यन्मुखाम्बुरुहासवम् ॥ (અધ્યાય ૪, શ્લોક ર૪)

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.