Text Size

03. તૃતીય સ્કંધ

વરાહ અવતાર

તૃતીય સ્કંધના તેરમા અધ્યાયમાં વરાહ અવતારની કથા કહેવામાં આવી છે.

વરાહ અવતાર પૃથ્વીના પરિત્રાણ માટે થયેલો અવતાર છે. પ્રલયંકર પીડાના પારાવારમાં ડૂબેલી પૃથ્વીને અસાધારણ અનુકંપાથી પ્રેરાઇને વરાહ ભગવાને ઉગારી અને પીડામુક્ત કરી દીધી. ભગવાનમાં એવી અનુકંપા ના હોય તો એમને ભગવાન કેવી રીતે કહેવાય અને વંદનીય પણ શી રીતે મનાય ? ભગવાનનું ભગવાનપણું-એમની મહત્તા કે મહાનતા એમની સર્વજ્ઞતા, સર્વવ્યાપકતા કે સર્વશક્તિમત્તામાં એટલી બધી નથી લાગતી જેટલી એમની અહેતુકી કરૂણામાં, કૃપામાં અને એ કરૂણાકૃપાથી પ્રેરાઇને થનારી પૃથ્વીની રક્ષામાં દેખાય છે. માટે જ એમને સર્વશ્રેષ્ઠ માનવાનું મન થાય છે. એ સ્વાર્થી નથી. પોતાનો જ વિચાર કરીને કે પોતાની જ શાંતિથી સંતૃપ્ત બનીને બેસી નથી રહેતા. બીજાને મદદ કરવા માટે જીવે છે, યોજના ઘડે છે, ને પ્રયત્નો કરે છે.

સંસારમાં પણ એવાં જ મનુષ્યોને આદર્શ, આરાધ્ય અને અનુકરણીય માનવામાં આવે છે, જેમનું જીવન બીજાની સુખશાંતિ, સમૃદ્ધિ અને સમુન્નતિ માટે વપરાય છે; બીજાના મંગલના મહાયજ્ઞમાં જે અખંડ અને અમોઘ આહુતિ બને છે. તો પછી ભગવાનની પાસેથી એવી આશા રાખવામાં આવે એમાં નવાઇ જેવું છે જ શું ? એવી આશા ભગવાનના બધા જ ઐતિહાસિક અવતારોમાં મૂર્તિમંત થાય છે. વરાહ ભગવાનું જીવન પણ એ આશાના સાકાર સ્વરૂપ સરખું છે. એટલે જ એમને પરમારાધ્ય માનવામાં આવે છે.

વરાહ ભગવાન જ્યારે પૃથ્વીના પરિત્રાણના પ્રયત્નમાં લાગેલા ત્યારે હિરણ્યાક્ષ નામના અસુરે એમનો વિરોધ કરીને એમની સાથે યુદ્ધ આરંભ્યું. પરંતુ પરમપ્રતાપી વરાહ ભગવાનની આગળ એ ફાવી ના શક્યો. ભગવાને એનો જોતજોતામાં નાશ કરી નાખ્યો. સૃષ્ટિની સેવાના સત્કાર્યમાં પડેલા પુરુષોનો પંથ પણ એવી રીતે ધાર્યા જેટલો સરળ નથી હોતો. એમાં વિરોધ ને વિક્ષેપો આવે જ છે. એ વિરોધો તથા વિક્ષેપોનો શૌર્યસહિત સામનો કરીને સેવકે સદા આગળ વધવાનું છે. પોતાની અંદર અને બહાર રહેલી આસુરી વૃત્તિથી એણે ડરવાનું કે ડગવાનું નથી. વરાહ ભગવાનની પેઠે જ એણે પોતાના પસંદ કરેલા માર્ગમાં સફળતા મેળવવાની છે. વસુંધરા વીરભોગ્યા  છે ને મજબુત મનોબળવાળા વીરપુરુષો એમાં ઇચ્છાનુસાર આગળ વધી શકે છે એ યાદ રાખવાનું છે.

આજે પણ આપણી પૃથ્વીની અવસ્થા એવી જ છે. એ પીડાના પારાવારમાં પડેલી છે. એને એમાંથી મુક્ત કરનારા ને ધ્રુવપદ ધરનારા વરાહોની આવશ્યકતા છે. એ એમની આશા રાખે છે. એમની સેવામાં લાગી જનારા મનીષીઓ જેટલા પ્રમાણમાં વધારે ને વધારે પેદા થાય તેટલા પ્રમાણમાં એનો આત્મા આનંદી ઊઠશે ને શાંતિ મેળવશે. વરાહ ભગવાનના અસાધારણ અવતાર કર્મમાં એવો સુંદર સંદેશ સમાયલો છે: સૃષ્ટિની સતત સેવાનો ને વિરોધોની સામે ઝઝુમવાનો.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok