03. તૃતીય સ્કંધ

જય તથા વિજયને સનત્કુમારોનો શાપ

સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર એ ચારે સનત્કુમારો બ્રહ્માના અલૌકિક માનસપુત્રો કહેવાય છે. એ આપણી અવનીના અસાધારણ આશ્ચર્યરૂપ છે. એમની ઉમર ખરેખર કેટલી છે તે કોણ કલ્પી કે જાણી શકે ? પરંતુ એ પાંચથી સાત વરસના નાના બાળકોનું દૈવી સુંદર સ્વરૂપ ધારણ કરીને વિશ્વના કલ્યાણાર્થે નિરંતર ઇચ્છાનુસાર વિચરણ કરે છે. સંસારના બીજા દેશોમાં એવા નાની ઉંમરના સિદ્ધ, મૃત્યુંજય મહાપુરુષોના અસ્તિત્વનો ઇતિહાસ નથી મળતો. ભારતવર્ષ એમને માટે ઉચિત રીતે ગૌરવ લઇ શકે છે અને અભિનંદનનો અધિકારી છે.

એમની અંતરંગ યોગ્યતા ઘણી મોટી હતી. એ પરમાત્મદર્શી, પરમાત્મનિષ્ઠ, પ્રશાંત તથા નિઃસ્પૃહ હતા. એ એમની અદ્દભુત શક્તિના પ્રભાવથી જ્યાં ત્યાં આકાશમાર્ગે જઇ શક્તા. એવી અકુંઠિત ગતિની મદદથી આકાશમાર્ગે વિચરતા એ એકવાર ભગવાન વિષ્ણુના વૈકુંઠલોકમાં જઇ પહોંચ્યાં.

એ વૈકુંઠમાં સૌ વિષ્ણુરૂપ બનીને ભગવાનની અખંડ આરાધના કરતાં વસે છે ને વિહરે છે. ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ત્યાંનાં પરમાણુઓ અત્યંત પવિત્ર હોય છે. મન અને ઇન્દ્રિયોની ગતિ જ્યાં કુંઠિત થાય છે અને આત્માનું અખંડ અવિનાશી અસ્તિત્વ શેષ રહે છે એ પરમપવિત્ર પ્રદેશ વૈકુંઠ છે. એ માનવમાત્રની અંદર રહેલું છે. એ વૈકુંઠમાં કોઇક પવિત્ર મનવાળા બડભાગી પુરુષો જ પ્રવેશી શકે છે. બહારનું વૈકુંઠ પણ એવા જ મન, વચન, કર્મથી પવિત્ર પરમાત્મપરાયણ પુરુષોને માટે શક્ય બને છે. ત્યાં સુખ જ સુખ, શાંતિ જ શાંતિ અને આનંદ જ આનંદ છે. જીવનની કૃતાર્થતાની વીણા એકસરખી ત્યાં વાગ્યા જ કરે છે.

બહારના વૈકુંઠમાં વનમાં સુંદર સ્ત્રીઓ સાથે વિચરતા ભગવાનના પાર્ષદો ભગવાનની પવિત્ર લીલાઓનું ગાન કરે છે તેમ અંદરના આત્માના વૈકુંઠમાં પણ સદવૃત્તિઓ અથવા સદભાવનાઓથી સંપન્ન મન પરમાત્માના મહિમાના મંગલ જયગાનમાં ડૂબેલું રહે છે. એ વૈકુંઠનું દર્શન પરમાત્માના પ્રખર પ્રેમની પ્રાપ્તિથી જ થઇ શકે છે. જે પરમાત્માભિમુખ બનવાને બદલે પરમાત્માથી વિમુખ બને છે અને દુન્યવી વિષયોમાં આસક્ત થઇને અનેક પ્રકારના દુર્વ્યવહાર કરે છે તે એનું દર્શન નથી કરી શક્તા. જે ઇશ્વરનું અહર્નિશ ચિંતન કરે છે, ઇશ્વરના ગુણ ગાય છે, એમનું લીલાસંકીર્તન કરવાથી અસાધારણ અનુરાગનો આવિર્ભાવ થતાં જેમની આંખમાંથી અખંડ અશ્રુધારા વહે છે, જેમના શરીરે રોમાંચ થાય છે, અને જેમનું જીવન દેવોને માટે પણ અનુકરણીય અથવા આદર્શ હોય છે તે જ વૈકુંઠમાં પ્રવેશી શકે છે. 

સનત્કુમારો યોગવિદ્યાની મદદથી વૈકુંઠલોકના કિલ્લાના છ દરવાજાઓ ઓળંગીને સાતમા દરવાજા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં તેમણે બે સમાન વયના દેવોને દ્વારપાલો તરીકે ઊભેલા જોયા. એમના હાથમાં ગદા હતી અને એમણે મહામૂલ્યવાન વસ્ત્રો અને ભૂષણો ધારણ કરેલાં. સનત્કુમારો એમને જોઇને એ સુવર્ણ તથા હીરાથી જડેલા સાતમા દરવાજામાં પ્રવેશવા આગળ વધ્યા. નગ્ન સ્વરૂપવાળા અથવા સર્વ પ્રકારનાં આવરણરહિત, વયોવૃદ્ધ હોવા છતાં પાંચ વરસની અવસ્થાવાળા એ ઋષિકુમારોના મહિમાને ના જાણવાથી જય તથા વિજય નામના પેલા બે દ્વારપાલોએ એમને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરીને ભારે ઉદ્ધતાઇપૂર્વક અટકાવ્યા.

એ પ્રસંગને જો જરાક જુદી રીતે, આધ્યાત્મિક સંદર્ભમાં સમજીએ તો કહી શકાય કે અંતઃકરણચતુષ્ટયનો નિરોધ કરીને માનવ દુન્યવી વિષયોનાં આવરણોથી રહિત બનીને જ્યારે આત્માના અલૌકિક વૈકુંઠમાં પ્રવેશવા તૈયાર થાય છે ત્યારે એ કેટલીકવાર છ દરવાજા જેવા છ ચક્રોનું ભેદન કરે છે ને સાતમા ચક્રમાંથી પસાર થવા પ્રવૃત્ત થાય છે ત્યારે, અથવા યોગવસિષ્ઠમાં વર્ણવેલી છ ભૂમિકાઓને પાર કરીને સાતમી ભૂમિકામાં પ્રવેશવાની તૈયારી કરે છે ત્યારે ત્યાં ઊભેલા બે એક જ જાતના રૂપરંગના દ્વારપાલો એને અટકાવવાની કોશિશ કરે છે. એ બંને દ્વારપાલો મોટા ભાગના માનવોને અધવચ્ચે અટકાવી દેનારા સર્વત્ર વિજય મેળવનારા અહં અને મમ નામના દ્વારપાલો છે. એ ખૂબ જ દુર્ઘર્ષ મનાય છે. પરંતુ જે આત્મદર્શી અથવા આત્મનિષ્ઠ થવાનો સંકલ્પ કરી ચૂક્યો હોય, અને તદ્દનુસાર અનવરત અભ્યાસ કરતો હોય, તેને એ દ્વારપાલોનો લેશપણ ભય નથી લાગતો. એ એના પુણ્યપ્રવેશને નથી અટકાવી શક્તા.

સનત્કુમારોને ભગવાનના દર્શનની ઉત્કટ ઇચ્છા હતી. એમાં એ બંને દ્વારપાલો બાધક બનવાનો પ્રયત્ન કરવા માંડતાં એ ઋષિકુમારોને એમનું આચરણ આદર્શ ના લાગ્યું. એમને થયું કે વૈકુંઠ જેવા અલૌકિક લોકમાં વસવા છતાં પણ આ દ્વારપાલોનો સ્વભાવ આવો આસુરી કેમ છે ? એમનો વ્યવહાર વૈકુંઠના બીજા ઉત્તમ આત્મઓના વિશુદ્ધ વ્યવહાર સાથે જરાય બંધ બેસે તેવો કે પ્રશસ્ય નથી. વૈકુંઠમાં આવા ઉદ્ધત સ્વભાવના દ્વારપાલો વસે એ આશ્ચર્ય ગણાય. વૈકુંઠની અને એના અધીશ્વર શ્રીહરિની અસર આમની ઉપર થોડીક પણ નથી થઇ લાગતી. નહિ તો આમની વૃત્તિ ને વાણી આવી વિષમ કે વિષમય ના હોય. ભગવાન તો શાંત, નિરહંકાર, નિર્વિકાર અને કટુતા તથા કલહથી રહિત છે : તો પછી એમની સંનિધિ અને સેવામાં રહેનારા આ પુરુષો આવા કેમ છે ? આ અહીં ક્યાંથી ને કેવી રીતે આવ્યા ? આ અહીં રહેવા માટે સર્વથા અયોગ્ય છે. અહીં તો સાત્વિક સ્વભાવના, શુધ્ધ અને સુમધુર વાણી તથા વ્યવહારવાળા દેવપુરુષો જોઇએ જે વૈકુંઠના મહિમાને ઘટાડે નહિ પરંતુ વધારે.

એવા વિચારો કરીને અને એ વિચારોને વ્યક્ત કરીને એ દિવ્ય ઋષિકુમારોએ જયવિજયને સત્વર શાપ આપ્યો કે તમે આ શ્રેષ્ઠ સ્થાનને યોગ્ય ના હોવાથી કામ, ક્રોધ તથા લોભથી ભરેલા ભેદદૃષ્ટિવાળા અધમ ગણાતા બીજા લોકમાં ચાલ્યા જાવ. તમારા અસાધારણ અપરાધને માટે એ દંડ જ યોગ્ય છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.