Text Size

03. તૃતીય સ્કંધ

માતા દેવહૂતિને જીવનમુક્તિપદની પ્રાપ્તિ

મહર્ષિ કપિલના સ્વાનુભવસિદ્ધ સુધાસભર સુંદર શબ્દો સાંભળીને કોઇના પણ અંતઃકરણનું અવિદ્યારૂપી આવરણ અકબંધ રહી શકે ખરું ? સૂર્યનો પરમ પવિત્ર પ્રખર પ્રકાશ પડતાં અંધકાર અદૃશ્ય થાય, અનંત ઐશ્વર્યની ઉપલબ્ધિ થતાં જન્મના દરિદ્રીની દરિદ્રતા મટી જાય, અને તૃષાર્તને સરિતાની સંનિધિ સાંપડતાં એની તૃષા ટળી જાય, તેવી રીતે એવી જ્ઞાન વિજ્ઞાનયુક્ત વાણીથી સૌ કોઇ કૃતાર્થ થાય ને મુક્ત બની જાય એ સ્વાભાવિક છે. માતા દેવહુતિનો અંતરાત્મા અસાધારણ હતો. એ ધન્ય બની ઊઠ્યો. એના અવિદ્યારૂપી આવરણનો અંત આવ્યો.

માતા દેવહુતિએ તત્વોની મીમાંસા પર આધારિત સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક કપિલ ભગવાનને પ્રણામ કરીને એમની પ્રશસ્તિ કરી. એનું શ્રવણ મનન સફળ થયું કે સાર્થક ઠર્યું.

ભગવાન કપિલે કહ્યું કે માતા ! આ સદુપદેશ પ્રમાણે ચાલવાથી તમે સ્વલ્પ સમયમાં જ જીવનમુક્તિની અલૌકિક અવસ્થાની અનુભૂતિ કરશો ને સાચા અર્થમા ધન્ય બનશો.

એવું કહીને માતા દેવહુતિની અનુમતિ મેળવીને મહર્ષિ કપિલ ત્યાંથી ચાલી નીકળ્યા. એમનું કાર્ય પૂરું થયું.

માતા દેવહુતિએ બિંદુ સરોવર પરના એ એકાંત આશ્રમમાં રહીને મનને પરમાત્માપરાયણ કર્યું ને પરમાત્મામાં જોડી દીધું.

બાહ્ય ભોગોપભોગો કે વિષયોમાં એને જરા પણ રસ ના રહ્યો. જીવનનો બધો જ પ્રવાહ બદલાઇ ગયો.

મહર્ષિ કપિલનો વિયોગ એને સાલ્યો તો ખરો જ, તો પણ એણે એના મનને સમજાવીને સાધનામાં જોડી દીધું.

એ સાધનાથી પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બન્યો, ક્લેશ કપાઇ ગયા, ને જીવનમુક્તિની પ્રાપ્તિ થઇ.

એ પછી એક ધન્ય દિવસે સ્થૂળ શરીર પણ છૂટી ગયું.

એ પવિત્ર સ્થળ સિદ્ધપદ કહેવાયું.

સિદ્ધપુર ક્ષેત્ર, સરસ્વતી નદી અને બિંદુ સરોવર પોતાના દર્શન કે સ્મરણ માત્રથી જ ભૂતકાળની એ ભવ્ય ઘટના પરંપરાને તાજી કરે છે ને પ્રેરક ઠરે છે એનાથી અનુપ્રાણિત થયેલો આત્મા આજે પણ ઉદ્દગારો કાઢે છે :

માતા દેવહુતિની જય ! મહર્ષિ કપિલની જય ! મહામુનિ કર્દમની જય !

ભારતીય સંસ્કૃતિના ભાગીતળ ભવ્ય ભૂતકાલીન ઇતિહાસની, સિદ્ધપુર ક્ષેત્રની, ને ભારતની જય !

માનવની મનીષાની અને એના જીવનમુક્ત થઇને જંપનારા અલૌકિક આત્માની જય !

જય, જય, જય !

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok