Saturday, May 30, 2020

05. પંચમ સ્કંધ

પ્રિયવ્રત

ભાગવતની ભાગીરથીનો પુણ્યપ્રવાહ કેટલી બધી સરસ, અદ્દભુત આનંદદાયક અને આકર્ષક રીતે આગળ વધી રહ્યો છે ? એનું અવલોકન, આચમન, અને અવગાહન આશીર્વાદરૂપ ઠરે એવું છે.

પાંચમા સ્કંધના પ્રારંભમાં પ્રિયવ્રત રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના પરથી સહેજે સમજાય છે કે ભાગવતમાં જુદાજુદા રાજાઓનો ને રાજકુળોનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. એ ઇતિહાસ વિસ્તૃત નથી પરંતુ સંક્ષિપ્ત છે તો પણ તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો થોડોક નિર્દેશ કરી જાય છે. પાંચમા સ્કંધના પ્રારંભમાં જ પરીક્ષિત શુકદેવને પ્રિયવ્રત વિશે પ્રશ્ન પૂછે છે :

હે મહામુનિ ! રાજા પ્રિયવ્રત પરમભાગવત અને આત્મારામ હોવા છતાં ઘરમાં કેવી રીતે આસક્ત બન્યા ? ઘરની આસક્તિને લીધે જ જુદી જુદી જાતનાં કર્મબંધન થાય છે અને સ્વરૂપની વિસ્મૃતિ સહજ બની જાય છે. એમના જેવા વીતરાગ, સંગદોષથી મુક્ત મહાપુરુષો ઘરનો રાગ રાખે એ યોગ્ય નથી. હે બ્રહ્મર્ષિ ! ઉત્તમ યશવાળા ભગવાનના ચરણની શીતળ સ્નેહછાયામાં જેમના મન લીન બન્યાં હોય છે તેમને-તેવા મહાપુરુષોને કૌટુંબિક જીવનની લગીરે લાલસા નથી હોતી. પ્રિયવ્રત રાજા સ્ત્રી, ઘર, પુત્રપરિવારમાં આસક્ત જેવા હોવા છતાં ભગવાન કૃષ્ણની અવ્યભિચારિણી અખંડ ભક્તિ દ્વારા મુક્તિ મેળવી શક્યા એ વાતનું મને આશ્ચર્ય થાય છે.

એવું આશ્ચર્ય પુરાણકાળના પરીક્ષિતની પેઠે અદ્યતન કાળમાં પણ બીજા અનેકને થાય છે. આજે પણ કેટલાય લોકોનો એવો ખ્યાલ છે કે જે ભગવદ્દભક્ત હોય તે ઘરમાં રહી જ ના શકે ને દુન્યવી વ્યવહારો પણ ના કરી શકે. ઘરમાં રહીને, ગૃહસ્થાશ્રમીનું જીવન જીવતાં અને લૌકિક કર્મોનું અનુષ્ઠાન કરતાં ઇશ્વરમય જીવન જીવી શકાય જ નહિ, ઇશ્વરની વિશિષ્ટ કૃપાની પ્રાપ્તિ ના કરી શકાય, અથવા ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ ના થવાય; એવી કૃતાર્થતા માટે ઘર ત્યાગ કરી, કર્મ તથા સંગમાત્રને તિલાંજલિ આપવી જ જોઇએ; એવું માનનારા અને મનાવનારા વર્ગનો આપણે ત્યાં આજે આટલાં બધાં વરસો પછી પણ અભાવ નથી. એવા વર્ગે સમજી લેવું જોઇએ કે ઘર, કર્મ અને પારિવારિક જીવનની વચ્ચે વસીને પણ માણસ આત્મોન્નતિને માર્ગે આગળ વધીને પરમાત્માની કૃપાપ્રાપ્તિ કરી શકે છે. માનવના આત્મિક અભ્યુત્થાનની વચ્ચે એનું ઘર, કુટુંબ કે કર્મ નથી આવતું પરંતુ મન આવે છે, અને એ મનને જો નિર્મળ, મધુમય, મંગલ, ઉદાત્ત અને ઇશ્વરપરાયણ બનાવવામાં આવે તો જીવનનો નિર્ધારિત વિકાસ સાધી શકાય છે.

એવી રીતે અસંગ અને પરમાત્મપરાયણ બનવાનું કાર્ય સંતોના સતત સમાગમથી અને ભગવદ્દકથાના સ્મરણ મનનથી તથા નામસ્મરણથી શક્ય બને છે. એટલા માટે એનો વધારે ને વધારે પ્રમાણમાં આધાર લેવો જોઇએ. તો એ સંબંધમાં કોઇ પ્રકારના આશ્ચર્યને માટે અવકાશ નહિ રહે.

શુકદેવજીએ પરીક્ષિતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં એ જ અગત્યની વાત કહી બતાવી. એમણે જણાવ્યું કે ભગવાનના ચારુ ચરણકમળના મકરંદરસથી રસાળ અને મુગ્ધ બનેલાં મહાપુરુષોના મન ભગવદ્દભક્તોને પ્રિય ભગવાનની કથાઓના શ્રવણમનનના મંગલ માર્ગનો પરિત્યાગ કદાપિ અને કોઇયે કારણે નથી કરી શકતાં. રાજા પ્રિયવ્રતે પણ દેવર્ષિ નારદની સેવા તેમ જ અસાધારણ અનુકંપાથી ભગવાનની ભક્તિની પ્રાપ્તિ કરેલી. એમનું મન સંસારમાંથી ઉપરામ થઇ ગયેલું. તેથી તેમને રાજ્યાધિકારની પ્રાપ્તિમાં કશો રસ ના રહ્યો. પરંતુ બ્રહ્માના આદેશને માન્ય રાખીને એમણે રાજ્યશાસન ચલાવવાનું પસંદ કર્યું. ગંધમાદન પર્વત પરના પોતાના એકાંત તપસ્યા સ્થળનો ત્યાગ કરીને છેવટે એ ઘેર આવ્યા ને લગ્નજીવનમાં પ્રવેશ્યા.

પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં સામ્રાજ્યના ભોગોપભોગનો પરિત્યાગ કરીને દેવર્ષિ નારદે ઉપદેશેલા માર્ગનું અનુસરણ કરીને એમણે શાંતિ તથા મુક્તિની પ્રાપ્તિ કરી. એમનું શરીરધારણ ધન્ય બન્યું.

 

 

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok