Text Size

05. પંચમ સ્કંધ

ભરતનો પુનર્જન્મ - જડભરત

મૃગશરીર છૂટયા પછી ભરતનો જન્મ ઉત્તમ, ધર્મપરાયણ, દૈવી સંપત્તિથી સંપન્ન બ્રાહ્મણને ત્યાં થયો. એ બ્રાહ્મણ શરીરમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ કાયમ રહેવાથી એ સમસ્ત પ્રકારના બાહ્ય સંગદોષથી દૂર રહીને ઇશ્વરના સ્મરણ, મનન તથા ધ્યાનમાં મગ્ન રહેતા. એ જડની જેમ વર્તતા હોવાથી લોકો એમને જડભરત તરીકે ઓળખવા લાગ્યા.

એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી દેહાભિમાન નહોતું થતું. માતાપિતાના મૃત્યુ પછી એ અવધૂત રૂપમાં પૃથ્વી પર વિચરવા માંડ્યા. એ વખતે એમના જીવનમાં એક બનાવ બન્યો. એ બનાવ ખૂબ જ કરૂણ અને આકસ્મિક હતો. કોઇક શૂદ્ર જાતિના ચોરોના સરદારે સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પ્રેરાઇને ભદ્રકાલી દેવીને પુરુષનું બલિદાન આપવાની બાધા રાખેલી. એના સેવકો એક પુરુષને પકડી લાવેલા પણ ખરા, પરંતુ તે પુરુષ બંધનમાંથી છૂટીને નાસી ગયો એટલે બલિદાન માટે એવા જ એક બીજા પુરુષની આવશ્યકતા ઊભી થઇ. બીજા સુયોગ્ય પુરુષની શોધ કરતા સેવકોની નજર જડભરત પર પડી. એમને એ બીજી બધી રીતે યોગ્ય લાગવાથી એ એમને દોરડાથી બાંધીને દેવીના મંદિરે લઇ ગયા. ત્યાં એ ચોર લોકોએ એમને વિધિપૂર્વક સ્નાન કરાવીને નવાં વસ્ત્રો, ઘરેણાં, ચંદન, પુષ્પમાળા તથા તિલકથી શણગાર્યા, જમાડ્યા, ને વિવિધ વાદ્યોના ઉલ્લાસસૂચક અવાજ સાથે દેવીની પ્રતિમાની આગળ હાજર કર્યા. એ પછી ચોરોના સરદાર પુરોહિતે એમનો શિરચ્છેદ કરવાની આશયથી એક મહાભયંકર સુતીક્ષ્ણ તલવાર લીધી. એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જડભરત તદ્દન નિર્વિકાર, નિર્ભય ને શાંત રહ્યા, પરંતુ એ દારુણ દુષ્કર્મનો દંડ દેવા માતા ભદ્રકાલી પોતે જ અલૌકિક બ્રહ્મતેજથી દૈદીપ્યમાન બનીને પ્રતિમામાંથી બહાર નીકળ્યા. એમણે પેલા પુરોહિતની તલવારથી બધા ચોરોનાં મસ્તક કાપી નાખ્યાં, ને જડભરતની અદ્દભુત રીતે રક્ષા કરી. દેવી અંતર્ધાન થયાં એટલે જડભરત ત્યાંથી શાંતિપૂર્વક ચાલી નીકળ્યા.

કેટલો બધો અદ્દભુત પ્રસંગ ! એ પ્રસંગ પરથી પુરવાર અથવા પ્રતીત થાય છે કે એ જમાનામાં માનવ બલિદાન દેવાની એવી અમંગલ અનિષ્ટકારક પ્રથાઓ પ્રવર્તમાન હતી. દેવીને પ્રસન્ન કરીને મનોવાંછિત પદાર્થની પ્રાપ્તિ કરવા માટે એવી પશુપ્રથાનો આધાર લેવાતો. શુભાશુભ, હિંસક-અહિંસક ઉપાસનાના પ્રકારો એ જમાનામાં પણ વિદ્યમાન હતા.

બીજી એક ઉલ્લેખનીય હકીકત એ છે કે પરિસ્થિતિ એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચી અને પોતાના શિરચ્છેદનો સમય આવ્યો તોપણ જડભરત શાંત કે નિષ્ક્રિય જ રહ્યા. એમણે એનો પ્રતિકાર ના કર્યો. કારણ કે એ અસાધારણ આત્મભાવમાં સ્થિત હતા અને જાણતા હતા કે પોતે શરીર નથી. શરીરને ગમે તે થાય તેથી પોતાને શું ? એમની અવિદ્યાગ્રંથિ કાયમને માટે તૂટી ગયેલી. એવા આત્મજ્ઞાની પુરુષોનું શરીર રહે તો પણ શું અને ના રહે તો પણ શું ? એમને માટે એ વસ્તુ ગૌણ હોય છે.

કથાનો એક બીજો વિશેષ સંદેશ એ છે કે એવા આત્મતૃપ્ત, આત્મારામ જ્ઞાની, યોગી કે ભક્તની રક્ષા ભગવાન પોતે જ કરે છે, ભદ્રકાલી માતાના સ્વરૂપમાં સ્વયં ભગવાને જ જડભરતની રક્ષા કરી.

એનો અર્થ એવો નથી કે જ્ઞાની, યોગી કે ભક્ત એવા પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે એમને મૂંગા મોંઢે તાબે થાય અને એમાંથી છૂટવાનો પ્રયત્ન જ ના કરે. જ્યાં સુધી એવો પ્રતિકારાત્મક પ્રયત્ન યોગ્ય લાગે છે ત્યાં સુધી એવો પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી. એથી આત્મજ્ઞાનનું, યોગનું કે ભક્તિનું બળ ઓછું નથી થતું. એ બાબતે કોઇની નકલ કરવાને બદલે પોતાને સારુ જે સહજ ને સુયોગ્ય હોય એ જ કરવાની આવશ્યકતા છે. આત્મા કે પરમાત્માની નિષ્ઠાને અખંડ રાખીને પ્રત્યેકે પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાની વૃત્તિ, દૃષ્ટિ કે પ્રકૃત્તિ અને પસંદગી પ્રમાણે વર્તવાની આવશ્યકતા છે. સૌ કોઇ જડભરત જેવા બનીને જડભરતની જેમ વર્તી ના શકે એ દેખાતું છે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok