Text Size

07. સપ્તમ સ્કંધ

હિરણ્યકશિપુની તપશ્ચર્યા

પ્રાચીન કાળમાં દૈત્યો અથવા અસુરો પણ પોતાના મનને જુદી જુદી જાતની તપશ્ચર્યામાં પરોવતા તથા ઇપ્સિત સિદ્ધિની પ્રાપ્તિ કરતા. એમની તપશ્ચર્યાનું સ્વરૂપ અને સાધ્ય સ્વાભાવિક જ એમની પ્રકૃતિ અથવા અભિરુચિને અનુસરીને જુદું જુદું રહેતું, પરંતુ એ તપશ્ચર્યા કરતા તો ખરા જ.

હિરણ્યકશિપુની તપશ્ચર્યાનું પ્રયોજન જુદું જ હતું. એ અજર, અમર અને સંસારનો એકછત્ર સર્વોપરી સમ્રાટ બનવાની ઇચ્છા રાખતો હતો. યુદ્ધમાં એનો કોઇ સફળતાપૂર્વક સામનો તો ના કરી શકે પણ એથી આગળ વધીને એની આગળ હિંમતપૂર્વક ઊભા રહેવાનું સાહસ પણ ના કરી શકે એવી અસીમ શક્તિની પ્રાપ્તિ કરવાની એની અભિલાષા હતી. એવી અસાધારણ અભિલાષાથી પ્રેરાઇને એણે તપ કરવાનો નિર્ણય કર્યો.

મંદરાચલ પર્વતની તળેટીના કોલાહલરહિત, ઋષિમુનિસેવિત, પ્રશાંત, પવિત્ર પ્રદેશમાં પહોંચીને એણે તપનો પ્રારંભ કર્યો. એ તપ પણ કેવું ? સાધારણ નહિ પરંતુ અતિશય કઠોર તપનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે --

स तेपे मन्दरद्रोण्यां तपः परमदारुणम् ।
उर्ध्वबाहुर्नभोदृष्टिः पादांगुष्ढाश्रितावनिः ॥ (સ્કંધ ૭, અધ્યાય 3, શ્લોક ર.)

 ‘મંદરાચલ પર્વતના પ્રદેશમાં પહોંચીને પોતાનો હાથ ઉપર ઉઠાવીને આકાશ તરફ દૃષ્ટિ રાખીને, પગના અંગુઠાના આધારે ધરતી પર ઊભો રહીને ખૂબ જ ભયંકર તપ કરવા લાગ્યો.’

પગના અંગુઠાના આધાર પર એવી રીતે હાથ ઉપર ઉઠાવીને દૃષ્ટિને આકાશ તરફ કેન્દ્રિત કરીને ઊભા રહેવાનું કાર્ય ધાર્યા જેટલું સહેલું નથી. એને માટે અસાધારણ તિતિક્ષાની આવશ્યકતા પડે છે. સાધારણ વ્યક્તિગતપ્રયોગ કરવાથી એ વાત સહેલાઇથી સમજી શકાશે. અલબત્ત, ખોટી રીતે હાસ્યાસ્પદ ના બનાય તેને માટે એવો પ્રયોગ જાહેરમાં કરવાને બદલે ખાનગીમાં કરાય તે વધારે સારું થશે. હિરણ્યકશિપુ સુદૃઢ શરીરથી સંપન્ન તથા અસાધારણ મનોબળથી મંડિત હતો. એને સાધનાના અનુષ્ઠાનની ને સિદ્ધિની પ્રાપ્તિની લગની લાગેલી. એથી જ એ એવું ઘોર-અતિઘોર તપ કરી શક્યો. માણસના દિલમાં લગન પેદા થાય છે તો તેને કોઇ પણ પ્રકારનો ભોગ કે ત્યાગ મોટો નથી લાગતો. પછી એ ભોગ લૌકિક પદાર્થો માટે આપવો પડે કે પારલૌકિક પદાર્થોને માટે; એ હકીકત એની આગળ ગૌણ બની જાય છે.

ભારતમાં કોઇક ઠેકાણે એવા સાધુ સંતો કે તપસ્વીઓ જોવા મળે છે જે વરસો સુધી પોતાના હાથને ઊંચો રાખે છે, એવા પુરુષોની સંખ્યા ખૂબ જ વિરલ હોય છે. એમને જોઇને આપણને આશ્ચર્ય પણ થઇ આવે છે. હાથને ઉપર રાખવાની વરસોની પદ્ધતિને લીધે એમનો હાથ તદ્દન પાતળો પડી જાય છે, એનું લોહી નીચે ઉતરી આવે છે, અને એ ઝાડની રસકસ વગરની કોઇક સૂકી ડાળીની સ્મૃતિ કરાવે છે. હાથને ઉપર રાખવાની ને તપ કરવાની એ પદ્ધતિની પ્રેરણા હિરણ્યકશિપુના તપના પ્રસંગ પરથી પ્રાપ્ત થઇ હોય તો નવાઇ નહિ.

મંદરાચલ પર્વતમાં તપ કરતા હિરણ્યકશિપુની જટા પ્રલયકાળના સૂર્યનાં કિરણોની પેઠે ચમકવા લાગી. દીર્ઘકાળના તપના પ્રભાવથી એના તપનો અગ્નિ મસ્તકમાંથી ધુમાડા સાથે નીકળવા લાગ્યો. એ અગ્નિ બધાને બાળવા માંડ્યો. એની જ્વાળાથી સરિતા ને સમુદ્ર ઉકળવા માંડ્યાં, પર્વતો હાલવા માંડ્યા ને ધરતી ધ્રુજવા લાગી. ગ્રહો, નક્ષત્રો તથા તારાઓ તૂટવા લાગ્યા.

દેવતાઓ એ ભયંકર તપથી ડરીને બ્રહ્માને પ્રાર્થવા લાગ્યા. બ્રહ્માએ એમને આશ્વાસન આપ્યું.

આસુરી વૃત્તિ, દૃષ્ટિ ને બુદ્ધિવાળા માનવના હાથમાં અનંત શક્તિ, શ્રી અને વિભૂતિ ચાલી જાય તો એથી કેટલો મોટો અનર્થ થાય એવી કલ્પનાથી દેવતાઓ ડરતા હતા. એમને થતું હતું કે હિરણ્યકશિપુનું ભયંકર તપ ફળશે અને એની મનોકામના પૂરી થશે ખરી ? એનું તપ ઇશ્વરદર્શન કે આત્મશાંતિ, મુક્તિ કે પૂર્ણતાને માટે નહોતું થઇ રહ્યું. એની પાછળ આત્મકલ્યાણની ભાવના કે દૃષ્ટિ જ ન હતી. એ તો કેવળ બળપ્રાપ્તિ માટે, કેવળ પોતાની મહત્તા સાચવવા અને વધારવા માટે થઇ રહેલું. એટલા માટે એ આદર્શ તપ નહોતું. તો પણ એ તપ તો હતું જ.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok