Text Size

07. સપ્તમ સ્કંધ

પ્રહલાદે માગેલું વરદાન

પ્રહલાદે કશી માગણી ના કરી તો પણ ભગવાને એને દૈત્યાધિપતિ બનીને પ્રજાનું પાલન કરવાનો આદેશ આપ્યો. તેની પાછળ ભગવાનનો કદાચ એવું બતાવવાનો સંકેત હોય કે ભક્તની ઇચ્છા ના હોય તો પણ ભગવાન ધારે તો એને લૌકિક પદ, પ્રતિષ્ઠા તથા સુખોપભોગો આપી શકે છે. તેવા ભગવત્કૃપાપ્રાપ્ત ભક્તો પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ કે સુખોપભોગ સાંપડવા છતાં પણ છકી નથી જતા કે વિપથગામી પણ નથી બનતા. પ્રહલાદને દૈત્યાધિપતિ બનાવીને ભગવાને એમનો આદર્શ ભક્ત કેવો આદર્શ ગૃહસ્થાશ્રમી બની શકે છે અને ગૃહસ્થાશ્રમના વિવિધરંગી વિરોધાભાસી વાતાવરણમાં પણ કેવો અસંગ અથવા અલિપ્ત રહી શકે છે તે બતાવવાની ઇચ્છા પણ રાખી હોય. અથવા તો પ્રહલાદના પ્રારબ્ધ કર્મના અનુસંધાનમાં પણ એમણે એને એવો આદેશ સહજ રીતે જ આપ્યો હોય. ગમે તેમ પણ એમનો એ આદેશ પ્રહલાદે આજ્ઞાંકિત સેવકની પેઠે માથે ચઢાવ્યો ને સમસ્ત પ્રજાને માટે અસાધારણ આશીર્વાદરૂપ થઇ પડ્યો.

ભક્ત પોતાને માટે કશી લૌકિક કે પારલૌકિક માગણી કે પ્રાર્થના ના કરે તો તેની હરકત નહિ પરંતુ બીજાની સુખશાંતિ, સમુન્નતિ તથા સદ્દગતિ ને મુક્તિને માટે માગણી કે પ્રાર્થના કરે અથવા આશીર્વાદ કે વરદાન માગે તો તેમાં કશું જ ખોટું નથી. તે તો ઊલટું આવકારદાયક અને સારું મનાય છે ને દૂષણ નહિ પણ ભૂષણ ગણાય છે. ભક્તોએ બીજાના કલ્યાણની એવી પ્રાર્થનાઓ કરેલી છે. વેદ અને ઉપનિષદાદિ ધર્મગ્રંથોમાં એના પ્રતિઘોષ પડેલા છે. પ્રહલાદના સંબંધમાં પણ એ હકીકત સાચી ઠરી. એણે પોતાને માટે તો કાંઇ પણ ના માગ્યું પરંતુ પાછળથી એને પોતાના પિતાની સ્મૃતિ થઇ આવી. એના દિલમાં કરુણા પેદા થઇ. એને થયું કે મારા પિતાનું શું ? એમનો સર્વનાશ થઇ ગયો. ભગવાનના મહિમાને જો સુચારુરૂપે જાણ્યો હોત તો એમની આવી અવદશા થાત ખરી ? એમણે જે કાંઇ કર્યું છે એ ઘોર અજ્ઞાનને લીધે જ કર્યું છે. એની આંખ ભરાઇ આવી. એણે એમનું કલ્યાણ થાય, એ સર્વ પ્રકારે શુદ્ધ બને અને એમને સદ્દગતિ સાંપડે એવું વરદાન માગ્યું.

એવું વરદાન બીજું કોણ માગી શકે ? જે પવિત્ર, પરગજુ ને નિષ્કપટ તથા પરમાત્મપ્રેમી હોય તે જ. માણસો મોટે ભાગે ભક્તિ કરે છે ખરા પરંતુ હાલતાં ચાલતાં નાની-નાની વાતોમાં મન ઊંચા થતાં અબોલા લે છે. એમના એ અબોલા દિવસો, મહિના તથા વરસો સુધી તો કોઇવાર જીવનપર્યંત ચાલે છે. એ માર્ગે મળતાં મોં મચકોડે છે, ફેરવે છે, તેમજ બીજાનું અહિત તાકે છે, અહિત કરવા તૈયાર રહે છે ને કરે છે. ‘તારું સત્યાનાશ જાય, ને તને કોગળિયું આવે’ એવું એવું બોલતાં એમને સહેજ પણ સંકોચ નથી થતો. એમના હાથમાં સંસારનું સૂત્ર નથી એ સારું છે નહિ તો એ પોતાના પ્રતિસ્પર્ધીને કે વિરોધીને એક ક્ષણને માટે પણ જીવતા ના રાખત અથવા શાંતિનો શ્વાસ ના લેવા દેત. એમને એમના પ્રતિસ્પર્ધી કે વિરોધીને માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવે તો એ ભૂલેચૂકે પણ પ્રાર્થના કરી શકે ખરા કે ? હા. કોઇએ એવી પ્રાર્થના કરી હોય તો એ ફળે નહિ એવી પ્રાર્થના એ કદાચ કરી શકે. એમાંય જો પ્રહલાદ પર અત્યાચારો કરવામાં આવ્યા એવા અત્યાચારો કોઇએ કર્યા હોય તો ? તો એ એને માટે પ્રહલાદે કરી એવી માગણી કરી શકે ? એ સંદર્ભમાં પ્રહલાદની પ્રાર્થના ખૂબ જ પ્રાણવાન અને એની સાચી શક્તિનો પરિચય કરાવનારી છે. એનું મહત્વ ઘણું વધી જાય છે.

નાટકમાં બધું અનુકૂળતાનુસાર નથી ચાલતું. એમાં વિરોધી પાત્રો કે ખલનાયકો પણ આવે છે અને એમને લીધે એનો રસ વધી જાય છે. જીવનના મહાન નાટકનું પણ એવું જ છે. એમાં એકલી અનુકૂળતાઓ જ નથી આવતી, પ્રતિકૂળતાઓ પણ આવી પડે છે. ભક્તો કે સાધકોના જીવનમાં આવતી પ્રતિકૂળતાઓ એમને પીડા પહોંચાડતી અને બેચેન બનાવતી લાગે તો પણ એમની સત્વશીલતાને વધારે છે અને એમને અધિકાધિક પરમાત્માભિમુખ કરે છે. પ્રતિકૂળતાને પણ એ પરમાત્માનો પ્રસાદ સમજે છે. ‘અમૃત માની મીરાં પી ગયાં જેને સહાય ત્રિભોવનનાથ’ ની કવિતાપંક્તિ એ જ સ્વાનુભવથી પ્રેરાઇને લખાયલી છે.

હિરણ્યકશિપુના વિરોધ કે વિદ્વેષે પ્રહલાદની પ્રેમભક્તિને વધારે ને વધારે વિશુદ્ધ ને બળવાન બનાવી. એ હિરણ્યકશિપુના અનેકવિધ અત્યાચારોના પરિણામે પણ એનો વિરોધી કે વેરી ના બની શક્યો. એનું નામ જ આદર્શ ભક્તિભાવ. આપણા બધામાં એવો આદર્શ ભક્તિભાવ આવે તો આપણું અને અન્યનું કેટલું બધું કલ્યાણ થાય ? પ્રહલાદના જ્યોતિર્મય જીવનમાંથી એ પાઠ શીખવાનો છે.

પ્રહલાદની ભક્તિભાવનાથી ભગવાન પ્રસન્ન થયા ને બોલ્યા કે પ્રહલાદ, તારી ભાવનાની ઉદાત્તતાનું દર્શન મને આનંદ આપે છે. તને તારા પિતાની હિતકામના થઇ આવે એ સાવ સ્વાભાવિક છે. પરંતુ તારા જેવા પરમ પવિત્ર ભક્તપુરુષના પ્રાદુર્ભાવથી તારા પિતાનો તો ક્યારનોય ઉધ્ધાર થઇ ગયો છે. તેને સદ્દગતિની પ્રાપ્તિ થઇ છે. મારા શાંત, સમદર્શી, સદાચારી સત્પુરુષોનો જ્યાં જન્મ થાય છે તેના માતાપિતા તથા પ્રદેશ પણ પવિત્ર થઇ જાય છે. તારા પિતાની દુર્ગતિની ચિંતા ના કરતો. એ ચિંતા અસ્થાને છે. મારા શરીરના સંસ્પર્શથી એની અપવિત્રતા દૂર થઇ છે. તું હવે એની વિધિપૂર્વક અંત્યેષ્ટિક્રિયા કરી લે, અને સિંહાસન પર વિરાજીને પવિત્ર ઋષિમુનિઓના આદેશાનુસાર મારી ને લોકોની સેવાના કર્મોનો આરંભ કર. તારું મન સંસારમાં લેશ પણ આસક્ત નહિ થાય અને અહર્નિશ મારામાં જ લાગેલું રહેશે.

ભગવાને પોતે જ આવી બાંયધરી આપી પછી શું બાકી રહે ? પ્રહલાદની કૃતકૃત્યતાનો પાર ના રહ્યો. ભગવાનના આદેશાનુસાર પ્રહલાદે પોતાના પિતાની અંત્યેષ્ટિક્રિયા કરાવી. એ પછી એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.

બ્રહ્માએ નૃસિંહ ભગવાનની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરી એટલે નૃસિંહ ભગવાન સૌના દેખતાં ત્યાંથી અદૃશ્ય થઇ ગયાં. બ્રહ્માએ પ્રહલાદને સમસ્ત દાનવોનો તથા દૈત્યોનો અધીશ્વર બનાવી દીધો.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok