Text Size

08. અષ્ટમ સ્કંધ

ગજેન્દ્રની પ્રાર્થના

ગજેન્દ્રની પ્રાર્થના કોઇ રૂઢ પરંપરાથી કરવામાં આવેલી, શોખની કે દિલને બહેલાવવા માટે થયેલી પ્રાર્થના ન હતી, પરંતુ એના ઝંઝાવાતમાં પડેલા જીવનની અનિવાર્ય આવશ્યકતા હતી. એને એની ભૂખ લાગેલી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પડેલા પીડિત પ્રાણમાંથી એ પેદા થઇને બહાર પડેલી. એટલે એમાં સહજતા, સ્વાભાવિકતા ને સરળતા હતી. એનાથી એ પ્રાર્થનાને કર્યા સિવાય રહેવાયું જ નહિ. એને લીધે એ પ્રાર્થના ખૂબ જ હૃદયસ્પર્શી, ઉત્કટ, વેદનામય કે માર્મિક બની. ભાગવત કહે છે કે એ પ્રાર્થનાનો મોટો ભાગ એણે પોતાના પૂર્વજન્મમાં મોઢે કરેલા સ્તોત્રનો બનેલો.

જીવનમાં જ્યારે મદદને માટેનાં બધાં જ બારીબારણાં બંધ થઇ ગયાં હોય, આશાનું આછુપાતળું એકે કિરણ ના દેખાતું હોય, અંધકારના ઓળાઓ ઉતરી પડ્યા હોય, પ્રતિકૂળતાના પ્રબળ પ્રલયંકર પવન વાતા હોય, વિપત્તિના વાદળાં વ્યાપ્યાં હોય ને ચિંતાની ચપલા ચમકતી હોય, જીવનની જટિલ યાત્રામાં કોઇ સાથીનો સાથ ના રહ્યો હોય ત્યારે નિરાશ, નાહિંમત કે નાસીપાસ બનવાને બદલે પ્રાર્થનાનો આધાર લેવામાં આવે તો ઇશ્વરની મદદ મળી રહે છે. માણસને કદી નિરાશ નથી થવું પડતું. એટલા માટે પોતાની વેદનાને જ્યાં જ્યાં ને જેની તેની પાસે ઠાલવવાને બદલે ઇશ્વરની પાસે જ ઠાલવતાં શીખવું જોઇએ. પોતાના દુઃખના ગીતને જ્યાં ત્યાં ગાવાને બદલે પ્રાર્થનાની મદદથી ઇશ્વરની આગળ આત્મનિવેદન કરવું જોઇએ. એમ કરવાથી એને નવી શક્તિ સાંપડશે અને સમજાશે કે જીવનની જટિલ યાત્રામાં પોતે એકલો નથી. ઇશ્વર સદાય એની સાથે છે ને સાથે રહેશે. એ એને સર્વ પ્રકારે સહાય કરવા, એનાં અશ્રુ લુછવા અને શાંતિ આપવા અહર્નિશ તૈયાર છે. એણે એ સર્વાન્તર્યામીનું સાચા દિલથી શરણ નહોતું લીધું ને સ્મરણ નહોતું કર્યુ એટલું જ.

જીવનવિકાસના સાધકને માટે પ્રાર્થનાનું મહત્વ ઘણું મોટું છે. એને માટે એક અમૂલખ અક્સીર ઔષધ છે. પ્રાર્થના પોતે જ એક સરસ સંપૂર્ણ સાધના છે. જીવનમાં પીડા, પ્રતિકૂળતા, અમંગલ અથવા મૃત્યુથી ઘેરાયેલો સાધક એમાંથી શી રીતે છૂટી શકે ? પ્રાર્થના દ્વારા પરમકૃપાળુ પરમાત્માનો આધાર લેવાથી, પરમાત્માનું સર્વભાવે શરણ સ્વીકારવાથી, એના પરિણામે પ્રાપ્ત થયેલા પરમાત્માના અસીમ અલૌકિક અનુગ્રહથી.

*

ગજેન્દ્રનો પ્રસંગ એ મહત્વની પ્રેરણા પ્રદાન કરે છે. ગજેન્દ્રે ભગવાનની પ્રેમપૂર્ણ પ્રાર્થના કરી એ નકામી કેવી રીતે જાય ?

ગજેન્દ્રે સાચા દિલથી સર્વેશ્વર પરમાત્માનું શરણ લઇને પરમાત્માની મદદ માટે પોકાર પાડ્યો તો પરમાત્મા એને બંધનમુક્ત કરવા તથા શાંતિ આપવા તૈયાર થયા. એમણે સત્વર પ્રકટ થઇને એને મગરના મુખમાંથી મુક્તિ આપી. ભગવાનને થોડેક દૂરથી પોતાની દિશામાં આવતા દેખીને ગજેન્દ્રે એક સુંદર સુવાસિત કમળપુષ્પથી એમનું સ્વાગત કરીને એમને પ્રણામ કર્યા.

ભગવાને ગજેન્દ્રની વ્યાકુળતાને વિલોકીને એને મગરની સાથે સરોવરમાંથી બહાર કાઢ્યો. એ પછી એમણે પોતાના ચક્રથી મગરના મુખને ફાડીને ગજેન્દ્રને મુક્ત કર્યો.

ચક્ર પરમાત્માની સનાતન શક્તિ, એમની પરમ અનુકંપા અને એની દ્વારા મળેલી પરમાત્મનિષ્ઠા છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો અમંગલ, મોહ મૃત્યુરૂપી મગરનો નાશ એને લીધે જ થઇ શકે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok