Text Size

09. નવમ સ્કંધ

સુકન્યાનું ચરિત્ર

ભાગવતના નવમા સ્કંધના ત્રીજા અધ્યાયમાં સુકન્યાનું સરસ ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. એ ચરિત્ર ખૂબ જ પ્રેરણાત્મક છે.

સુકન્યા એના નામ પ્રમાણે જ ગુણવાળી અથવા ઉત્તમ સંસ્કારોથી સંપન્ન હતી. એના ચરિત્રનો તટસ્થ રીતે વિચાર કરવાથી આપણને એના પ્રત્યે માન પેદા થાય છે. એનું ચરિત્ર નિષ્કામ નિર્ભેળ સેવાભાવનાના ઉત્તમોત્તમ પ્રતીક જેવું છે. એ એટલાં બધાં વરસો વીત્યા પછી આજે પણ એવું જ રસમય તથા પથપ્રદર્શક લાગે છે.

સુકન્યાની જીવનકથાથી મોટા ભાગના પુરુષો પરિચિત છે. મોટાભાગની સ્ત્રીઓ પણ એથી સુપરિચિત છે એવું નિસ્સંકોચ રીતે કહી શકાય. તો પણ એનું વિહંગાવલોકન કરી લઇએ.

સુકન્યા મનુપુત્ર રાજા શર્યાતિની સુપુત્રી હતી. શર્યાતિ એક શ્રેષ્ઠ પ્રજાહિતપરાયણ રાજા હોવા ઉપરાંત વેદોના નિષ્ઠાવાન વિદ્વાન તેમ જ વિચારક તરીકે પ્રસિદ્ધ હતો. એકવાર એ સુકન્યા સાથે વનમાં પરિભ્રમણ કરતો દૈવયોગે ચ્યવન ઋષિના એકાંત, આકર્ષક, આહલાદક આશ્રમમાં આવી પહોંચ્યો. આશ્રમના કોલાહલરહિત વિમળ વાતાવરણને વિલોકીને એને ખૂબ જ શાંતિ મળી. સુકન્યા પણ એ અવનવા વાતાવરણમાં પ્રવેશીને ભારે ભાવવિભોર બની ગઇ. આશ્રમના એ આહલાદક વિશુદ્ધ વાયુમંડળમાં એ આજુબાજુ બધે જ સ્વેચ્છાનુસાર વિહરવા લાગી. એવી રીતે આનંદપૂર્વક વિહાર કરતાં કરતાં એણે એક અનોખું અદૃષ્ટપૂર્વ અકલ્પનીય દૃશ્ય જોયું. એ દૃશ્યની વાસ્તવિકતાને કે વિલક્ષણતાને એ અથવા એની સાથેની સખીઓ સમજી ના શકી. મહર્ષિ ચ્યવન ન જાણે કેટલા બધા સુદીર્ઘ સમયથી ત્યાં ધ્યાનમગ્ન બનીને બેઠા હતા. ધ્યાનાવસ્થામાં એ એટલા બધા એકાગ્ર અને તલ્લીન બની ગયેલા કે એમને આજુબાજુના વાતાવરણનું અને એમના શરીરનું ભાન પણ નહોતું રહ્યું. એ દેહાધ્યાસથી ઉપર ઊઠીને અતીન્દ્રિય અવસ્થામાં આત્માના અલૌકિક પ્રદેશમાં પહોંચી ગયેલા. સુદીર્ઘ સમયની સાધનાને લીધે એમના અંગની આજુબાજુ ઉધઇ ફરી વળેલી. એમનું આખુંય અંગ એનાથી આચ્છાદિત થઇ ગયેલું. ફક્ત એમની આંખની જ્યોતિ એની વચ્ચેથી દેખાયા કરતી. એને જોઇને એવું લાગતું કે બે આગિયાઓ જાણે કે અખંડ રીતે ચમકી રહ્યા છે.

પહેલાંના ઋષિઓ કેવી કઠોર તપશ્ચર્યા કરતા અને આત્માનાં કેવા અતલ ઊંડાણોમાં ડૂબી જતા એની કલ્પના એ પ્રસંગ પરથી સહેલાઇથી કરી શકાય છે. તપને જ જીવનનું એકમાત્ર ધન માનનારા એ ઋષિમુનિઓ ભારતીય સાધના તેમજ સંસ્કૃતિના ભૂષણરૂપ હતા. એમણે જીવન વિકાસની સાધનાને ને સંસ્કૃતિને નવો વેગ આપેલો. આત્મિક સાધનામાં આગળ વધીને એવી એકાગ્રતાની અને આત્મલીન અવસ્થાની અનુભૂતિ કરવી એ કાંઇ સામાન્ય વાત નથી ગણાતી. એવી અવસ્થા અતિશય દુર્લભ હોય છે ને કરોડોમાંથી કોઇકને જ મળી શકે છે. એને પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ કોણ કરે છે અને એ ઇચ્છાની પૂર્તિના પ્રામાણિક પ્રયત્નો પણ કોણ કરે છે ? માનવજાતિની વિશાળ, અતિવિશાળ સંખ્યાની સરખામણીમાં ઘણા થોડા જ. અલ્પ નહિ પરંતુ સ્વલ્પ.

સુકન્યાને કલ્પના પણ ના થઇ શકી કે જે અદ્દભુત આહલાદક એકાંત આશ્રમના વાયુમંડળમાં પોતે ફરે છે એ આશ્રમના અધિષ્ઠાતા ઋષિ પોતે જ ત્યાં તપ કરતા બેઠા છે. એની બુદ્ધિ એટલું વિચારી જ ના શકી. એની સખીઓને પણ એની સમજ ના પડી. એમની ઉંમર અને અપરિપક્વ અનુભૂતિની અવસ્થા જોતાં એમાં કશું આશ્ચર્ય પણ નહોતું. એમણે એ વિચિત્ર આશ્ચર્યકારક દૃશ્યના સંબંધમાં કોઇને કશું પૂછ્યું પણ નહિ. કદાચ એ વખતે ત્યાં કોઇ પૂછવા યોગ્ય હશે પણ નહિ. કૌમાર્યસહજ કુતૂહલથી પ્રેરાઇને સુકન્યાએ એક કાંટાની મદદથી એ બંને જ્યોતિઓને વીંધી નાખી. એના પરિણામે એમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. એ દેખીને સુકન્યા અને એની સખીઓ ગભરાઇ ગઇ. સુકન્યા સુચારુરૂપે કશું સમજી તો ના શકી પરંતુ એને થયું કે એનાથી અજ્ઞાત રીતે કશોક અપરાધ અવશ્ય થયો છે.

એ જ વખતે એક બીજી અતિવિચિત્ર આશ્ચર્યકારક ઘટના બની. રાજા શર્યાતિના સૈનિકોનાં મળમૂત્ર તદ્દન બંધ થઇ ગયાં. એ જાણીને રાજા શર્યાતિએ અનુમાન કર્યું કે મહર્ષિ ચ્યવનનો જાણ્યે અથવા અજાણ્યે કશોક અપરાધ થઇ ગયો છે. એણે સૌને પૂછવા માંડ્યું ત્યારે સુકન્યાએ ખૂબ જ સંકોચ તથા ભયપૂર્વક જણાવ્યું કે મેં અજ્ઞાત રીતે બે જ્યોતિઓને કાંટાની મદદથી ભેદી નાખી છે. મારાથી એ અપરાધ અવશ્ય થયો છે પરંતુ એ જ્યોતિઓના રહસ્યની ખબર મને હજુ પણ નથી પડી.

શર્યાતિની ચિંતા તથા ઉદ્વિગ્નતાનો પાર ના રહ્યો. એણે પોતાના પરિપક્વ બુદ્ધિની મદદથી બધું અનુમાન કરી લીધું ને ઊધઇની પાસે પહોંચીને ધીમે ધીમે છતાં પણ પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરીને ત્યાં બેઠેલા ચ્યવન ઋષિને પ્રસન્ન કર્યા. ચ્યવન ઋષિ પ્રસન્ન તો થયા પરંતુ શર્યાતિને એમની પ્રસન્નતાનું ઘણું મોટું ઋણ ચુકાવવું પડ્યું. ઋષિનો અભિપ્રાય જાણીને એણે પોતાની પુત્રી સુકન્યા એમની સેવામાં સમર્પિત કરી. એ પછી એમની અનુમતિ મેળવીને એ પોતાની રાજધાની તરફ ચાલી નીકળ્યો. થોડાક સમયમાં તો જેની સ્વપ્ને પણ કલ્પના નહોતી એવો અનોખો ઇતિહાસ રચાઇ ગયો. એનું નામ જ વિધિની વિચિત્રતા કે ભવિતવ્યતા. એ ક્યારે, ક્યાં, કયી રીતે, શું કરવા માંગે છે તેની ખબર કોઇક ઇશ્વરી કૃપાપાત્ર પૂર્ણ ભક્ત કે સિદ્ધ મહાયોગી સિવાય કોઇને નથી પડતી. માણસે અજ્ઞાત પ્રદેશમાં પગલાં ભરીને એને અનુકૂળ થવાનું કે એનો વિરોધ અને વસવસો કરવાનું જ શેષ રહે છે. સુકન્યાને વનમાં વિહાર કરવા નીકળતી વખતે કલ્પના પણ ક્યાં હતી કે પોતાને એક ઋષિપત્ની તરીકે અરણ્યના એકાંત આશ્રમમાં જ રહેવું પડશે?

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok