Monday, July 13, 2020

09. નવમ સ્કંધ

અંબરીષ અને દુર્વાસા - 1

ભાગવતના નવમા સ્કંધના ચોથા તથા પાંચમા અધ્યાયમાં અંબરીષ અને દુર્વાસાનો પ્રસંગ આપવામાં આવ્યો છે. એ પ્રસંગ ખૂબ જ પ્રેરણાત્મક તથા રોચક છે. અંબરીષ અને દુર્વાસા બંનેના આત્માઓ અલૌકિક હતા. એમાંથી અંબરીષે ભગવાનની ભક્તિનો માર્ગ ગ્રહણ કરેલો અને દુર્વાસાએ યોગનો. દુર્વાસાની શક્તિ અંબરીષની ભક્તિ પાસે કામ ના લાગી કે સફળ ના થઇ એટલે યોગની સૂકી સાધના કે તપશ્ચર્યા કરતાં ભગવાનની એકનિષ્ઠ ભક્તિ કે શરણાગતિ વિશેષ શક્તિશાળી, શ્રેષ્ઠ કે કલ્યાણકારક છે એવું સ્પષ્ટ થઇ ગયું. એ સ્પષ્ટીકરણની સફળ સિદ્ધિ માટે જ એ પ્રસંગનું આલેખન કરવામાં આવ્યું છે.

એ પ્રસંગમાં એક અન્ય સર્વોપયોગી સંકેત પણ સમાયેલો છે અને તે એ કે ભગવાનનો ભક્ત અનુકૂળ-પ્રતિકૂળ સર્વ પ્રકારની પરિસ્થિતિમાં કદી પણ ઉત્તેજિત અથવા ઉદ્વિગ્ન નથી થતો ને સદા શાંત કે સ્વસ્થ રહે છે. એનું કારણ ભક્તિ દ્વારા એના જીવનનું શુદ્ધિકરણ થાય છે તે છે. એવા શુદ્ધિકરણને લીધે એના ભાવો, વિચારો તથા સંસ્કારો ઉત્તમ બને છે. એની અંદર અહંતાનો અંશ પણ નથી રહેતો. કામક્રોધાદિ આવેગો એને નથી સતાવી શક્તા. વળી એ સમજે છે ને શ્રદ્ધા રાખે છે કે ઇશ્વરની અસીમ કૃપા એની ઉપર નિત્યનિરંતર વરસી રહી છે, ઇશ્વરની સનાતન છત્રછાયા એને પ્રાપ્ત થઇ છે, અને એ એમાં નિર્ભય તથા નચિંત છે. ઇશ્વર જે કરે છે એ એના કલ્યાણને કાજે જ કરે છે તથા પ્રત્યેક પળે ને સ્થળે એને રક્ષે છે, એવી અચળ શાશ્વત સજીવ સ્વાનુભવપૂર્ણ શ્રદ્ધા એના જીવનમાં વણાઇ ગઇ હોય છે. પરંતુ તપસ્વી કે યોગી અથવા જ્ઞાનીને માટે હંમેશા એવું નથી હોતું. એ પ્રસંગોપાત આવેગોને અધીન બની જાય, ભાન ભૂલી જાય, અહંતા-મમતાથી અભિભૂત થાય, અને પરિસ્થિતિના પ્રભાવમાં પડી જાય, એવું પણ બને. એ રીતે વિચારતાં ભક્તની સાધના થોડીક વધારે સીધી, સચોટ અને સલામત લાગે છે. એ લાગણીની અભિવ્યક્તિ અંબરીષ તથા દુર્વાસાના પ્રસંગો દ્વારા અત્યંત આકર્ષક રીતે સફળતાપૂર્વક કરવામાં આવી છે.

અંબરીષ અને દુર્વાસાનાં વ્યક્તિત્વો પરસ્પર વિરોધી રેખાચિત્રોને રજૂ કરે છે. અંબરીષ પોતાના નામ પ્રમાણે જે શરીરરૂપી વસ્ત્રને ધાર્યું છે તે શરીરના તથા મન-ઇન્દ્રિયોના સંયમથી કે સ્વામિત્વથી સ્વાભાવિક રીતે જ સંપન્ન છે. દુર્વાસા એમના નામ પ્રમાણે સરળ વ્યક્તિત્વવાળા, સીધા સ્વભાવના નથી દેખાતા. એમની અંદર દેહવાસના અથવા અહંકારવૃત્તિ ઘર કરીને બેઠી હોય એવું લાગે છે. એના સ્વાભાવિક પરિણામરૂપે એમની ઉપર માનાપમાનની, સત્કાર-અસત્કારની અને શુભાશુભની અસર જલ્દી પડે છે. એને લીધે એમને બેચેન પણ બનવું પડે છે. એમની દશા દુઃખી અને દયનીય બને છે. બંનેમાં વિજય - જો એને નૈતિક કે સાધનાત્મક વિજય કહીએ તો - અંબરીષનો જ થાય છે. જીવનમાં સરળતા, નમ્રતા, મધુરતા, પવિત્રતા, સેવા તથા ઇશ્વરપરાયણતા જ વિજયી બને છે, સુખ પહોંચાડે છે ને શાંતિ આપે છે. અહંતા, આસક્તિ અને અશુદ્ધિ અશાંત અને નાસીપાસ કરે છે. એ વિરોધાભાસી વ્યક્તિત્વો એ પદાર્થપાઠ પૂરો પાડે છે.

*

અંબરીષની ઓળખાણ આપતાં સ્વનામધન્ય સંતશિરોમણિ શુકદેવ પરીક્ષિતને કહે છે કે અંબરીષ ખૂબ જ ભાગ્યશાળી હતો. એનું સદ્દભાગ્ય દ્વિવિધ હતું. એક તો એ સમ્રાટ હોવાથી અનંત ઐશ્વર્ય, સંપત્તિ તથા સુખોપભોગનો સ્વામી હતો અને બીજું એ કે એને ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થયેલી. જીવનું સાચું સદ્દભાગ્ય ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થવી અને એના ફળરૂપે ભગવાનના અસીમ અનુગ્રહથી સદ્દબુદ્ધિ સાંપડવી તે છે. એ સદ્દબુદ્ધિને લીધે એ ભગવાનને જ ભજવા યોગ્ય સમજતો, ભજતો, અને સંસારના સમસ્ત પદાર્થો તથા વિષયોને પરિવર્તનશીલ, વિનાશી, ચાર દિવસની ચાંદરણી જેવા માનતો. એને લીધે એનું મન લૌકિક પદાર્થોમાં આસક્ત ના થતું. આસક્તિ એને કેવળ સંતપુરુષોના સમાગમમાં ને પોતાના પરમપ્રેમાસ્પદ પરમારાધ્ય ભગવાન શ્રીકૃષ્ણમાં જ હતી. એ અનોખી આદર્શ આસક્તિ સૌ કોઇએ, ખાસ કરીને જીવનનું આત્યંતિક કલ્યાણ કરવા માગનારા ભગવદ્ દર્શનાભિલાષી ભક્તોએ, અનિવાર્ય રીતે અવશ્ય કરવા જેવી છે. એનો આછો-પાતળો ચિતાર આપતાં ભાગવત કહે છે :

‘અંબરીષે પોતાના મનને ભગવાન કૃષ્ણનાં ચારુ ચરણકમળમાં, પોતાની વાણીને ભગવાનના ગુણોના તથા મહિમાના વર્ણનમાં, પોતાના હાથને હરિમંદિરને સ્વચ્છ કરવામાં અને કાનને ભગવાન અચ્યુતની સુધાસભર કથાવાર્તા તથા સંકીર્તન સુરાવલિના શ્રવણમાં જોડીને જીવનને કૃતાર્થ કરેલું.’

‘એણે લોચનને મુકુંદ ભગવાનની આકૃતિના કે સ્વરૂપના દર્શનમાં લગાડેલાં, ભગવદ્દભક્તોના શરીરની સંનિધિમાં શરીરને સુખ અનુભવતું કરેલું, નાસિકાને ભગવાનનાં ચરણકમળ પર ચઢેલી તુલસીની સુંદર સુગંધ માણવામાં મગ્ન બનાવેલી, અને જીભને ભગવાનના નૈવેદ્ય કે પ્રસાદથી પવિત્ર કરેલી.’

‘એના પગ ભગવાનના ધામ અથવા તીર્થની યાત્રા કરતા. એનું મસ્તક ભગવાનના ચરણકમળમાં અહર્નિશ વંદન કરતું. કોઇ લૌકિક લાલસાને લીધે નહિ કિન્તુ પવિત્ર યશવાળા ભગવાનના ભક્તોના હૃદયમાં રહેનારી વિશુદ્ધ ભગવદ્દભક્તિની પ્રાપ્તિની ઇચ્છાથી એણે એવી રીતે પોતાનું સમસ્ત જીવન ભગવાનને સમર્પિત કરેલું.’

(સ્કંધ ૯, અધ્યાય ૪, શ્લોક ૧૮ થી ૨0)

ભગવાનનાં ચારુ ચરણોમાં સર્વસમર્પણ કરી ચૂકેલા, ભગવાનના જ બની ગયેલા, ભગવદ્દભક્તનું જીવન એવું જ આદર્શ હોય છે. એનું મન હંમેશા ભગવાનમાં જ રમ્યા કરે છે.

*

અંબરીષ એવી જ આત્માનુભૂતિને આત્મસાત કરવાના પ્રયાસ કરતો. એક રાજા તરીકે એને પ્રજાહિતની જે જુદી જુદી જવાબદારીઓ સંભાળવાની હતી તેમાં એ કામ ધાર્યા જેટલું સરળ ન હતું તો પણ એને સારુ સહેલું થયેલું. નાની નાની દુન્યવી ઉપાધિઓ કે મુસીબતોને જોઇને માણસો કેટલીયવાર ગભરાઇ જાય છે, નાસીપાસ થાય છે, ને બોલી ઊઠે છે કે આવા વાતાવરણમાં રહીને સાધના કે ભક્તિ કેવી રીતે થાય ! એવા માણસોને માટે અંબરીષનું જીવન ઉજ્જવળ ઉદાહરણરૂપ છે. એ જો અંબરીષની જેમ ભોગ સામગ્રીથી ભરેલા અનેકવિધ ઉપાધિઓવાળા રાજભવનના રાજસી કે તામસી વાયુમંડળમાં વસતા હોત તો સાધના કે ભક્તિ કરી શક્ત ખરા ? અંબરીષનું ઉદાહરણ બતાવે છે કે માણસની તૈયારી હોય અને એ પોતે સદ્દવિચાર, સદ્દભાવ તેમજ  સુસંસ્કારોથી સંપન્ન હોય તો વાતાવરણ એને માટે બાધક નથી બનતું. ગમે તેવા વાતાવરણમાં વસીને પણ એ આગળ વધે છે અથવા ઇશ્વરપરાયણ બને છે. વાતાવરણ એના પર પોતાનો પ્રભાવ નથી પાડતું. એ વાતાવરણને પ્રભાવિત કરે છે, એવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી થતી. ગમે તેવાં વાતાવરણમાં વસીને પણ આત્મવિકાસના મંગલ માર્ગે મહાપ્રસ્થાન કરવાની શક્તિ માણસે મેળવવી જ પડશે. કાયમ માટે દીન, હીન, લાચાર કે અપંગ બન્યે નહિ ચાલે.

 

 

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok