Text Size

10. દસમ સ્કંધ

ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય - 1

એ પછી ભગવાને સુયોગ્ય સમય પર પોતાની અલૌકિક લીલા માટે આ પાર્થિવ પૃથ્વી પર પ્રકટવાનો વિચાર કર્યો. એમનો જ્યોતિર્મય અદ્દભુત શક્તિશાળી દિવ્ય અંશ જ્યારે દેવકીના શરીરમાં દાખલ થયો ત્યારે દેવકીની આકૃતિ અતિશય આકર્ષક બની. એનું સ્વરૂપ બદલાવા લાગ્યું. એને જોઇને કંસને શંકા થઇ કે એના અંગમાં કોઇક અલૌકિક તત્વ પ્રવેશ્યું છે અથવા દેવર્ષિ નારદની સુચનાનુસાર ભગવાન વિષ્ણુ પ્રાદુર્ભાવ પામ્યા છે. તો પણ એણે એને મારવાનો વિચાર ના કર્યો. એના પુત્રનો જન્મ થયા પછી એનો નાશ કરવાનું કામ જરા પણ કઠિન નથી એવું સમજીને એણે ધીરજ રાખી.

ભગવાનને દેવકીના ઉદરમાં અવતીર્ણ થયેલા જોઇને ભગવાન શંકર તથા બ્રહ્મા કંસના કેદખાનામાં આવ્યા. એમની સાથે નારદ જેવા બીજા ઋષિઓ ને દેવો હતા. એ ભગવાનની ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. એ સ્તુતિ ખૂબ જ સુંદર છે :

‘પ્રભુ ! તમે સત્ય સંકલ્પ છો. તમારા સાક્ષાત્કારનું સચોટ સર્વોત્તમ સાધન પણ સત્ય જ છે. સૃષ્ટિ પહેલાં, સૃષ્ટિની સ્થિતિ સમયે અને સૃષ્ટિના અંત વખતે પણ તમે પરમસત્યસ્વરૂપે શેષ રહો છો. સત્યમય દેખાતી સૃષ્ટિના એકમાત્ર કારણ પણ તમે જ છો. દશ્યમાન જગતમાં તમે પરમાર્થસ્વરૂપ છો. ઋત છો. સત્ય દૃષ્ટિ અને સર્વોત્તમ દર્શન છો. તમે સત્ય સ્વરૂપ છો. અમે અસત્યમાંથી મુક્તિ મેળવીને સત્યમાં સ્થિતિ કરવા માટે તમારે શરણે આવ્યા છીએ. ’

‘આ વિશ્વ એક આદિ, સનાતન વૃક્ષ છે. પ્રકૃતિ એ વૃક્ષનો એકમાત્ર આશ્રય છે. સુખ તથા દુઃખ એનાં બે ફળ છે. સત્વ, રજ ને તમ ત્રણ ગુણો એ વિશાળ વૃક્ષનાં ત્રણ મૂળ છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચાર રસ છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા પાંચ ઇન્દ્રિયોથી એને આસ્વાદી શકાય છે. એના છ સ્વભાવ છે - જન્મવું, વધવું, વિકારવશ થવું, ક્ષીણ બનવું ને નાશ પામવું. રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર - સાત ધાતુ એની છાલ છે. પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ એની શાખાઓ છે. આંખ, કાન, મુખ, જેવાં નવ દ્વાર એનાં છિદ્રો છે; પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન તથા નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત ને ધનંજય એ દસ પ્રાણ એનાં દસ પાંદડાં છે. એ વિશ્વરૂપી વૃક્ષ પર જીવ તથા શિવ નામના બે વિહંગો વસે છે.’

(અધ્યાય ર, શ્લોક ર૬,ર૭નો ભાવાર્થ.)

ભગવાન કૃષ્ણના પરમપવિત્ર પ્રાકટ્યનો સુંદર સ્વર્ણ સમય એવી રીતે સંનિકટ આવી પહોંચ્યો. એ સમય તો સર્વપ્રકારે સુંદર હતો જ પરંતુ એથી પણ સુંદર અને પવિત્ર હતી એમના પ્રાદુર્ભાવની પ્રક્રિયા. એને લીધે એ સમયનું મહત્વ અનંત રીતે વધી ગયું. એમના પ્રાદુર્ભાવને લીધે કાળને વધારે મહિમા પ્રાપ્ત થયો. એવું કહેવું વધારે ઉચિત લાગે છે. એમનો પ્રાદુર્ભાવ જ સૌથી વધારે મહત્વનો ને મંગલ હતો. એ પ્રાદુર્ભાવ ગમે તે સમયે થયો હોત તો પણ એ સમય ચિરસ્મરણીય બની જાત. સમય એમના મહિમાને નથી વધારતો, એ જ સમયના મહિમાને વધારે છે, એ ખાસ યાદ રાખવાનું છે.

સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન સુંદર સાનુકૂળ સમય આવ્યો. એ સમયે રોહિણી નક્ષત્ર હતું. આકાશમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ શાંત હતા. દિશાપ્રદિશા નિર્મળ ને પ્રસન્ન હતી. રાત્રી અજ્ઞાત છતાં ચોક્કસ ગતિથી આગળ વધતી જતી હતી. પૃથ્વી જાણે ગંભીરતા તથા ઉલ્લાસપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણના પવિત્રતમ પ્રાકટ્યની પ્રતીક્ષા કરી રહેલી. એ વખતે કારાવાસના વિચિત્ર વાતાવરણમાં કલ્યાણનાં કિરણો રેલતાં ભગવાન કૃષ્ણ પ્રકટ થયાં.

એમનું પ્રાકટ્ય ભાગવતના નિર્દેશ પ્રમાણે બે તબક્કામાં, બે પ્રકારનું થયું. એક તો અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપે અને એ પછી થોડાક વખત પછી સામાન્ય માનવ સ્વરૂપે. સૌથી પહેલાં એમના દિવ્ય અસામાન્ય અલૌકિક સ્વરૂપનો આવિર્ભાવ થયો. એ આવિર્ભાવ કેટલો બધો અનેરો હતો ? વસુદેવ અને દેવકી બંને એને અવલોકીને એના આસ્વાદથી આનંદમગ્ન બની ગયાં. એમણે પોતાની આગળ એક અદ્દભુત બાળક જોયું. એનાં નેત્ર કમળ સમાન કોમળ, વિશાળ, વિમળ તેમજ તેજસ્વી હતાં. એણે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલાં. એના વક્ષસ્થલ પર શ્રીવત્સનું સુંદર ચિત્તાકર્ષક ચિહ્ન હતું. કંઠમાં કૌસ્તુભમણિ ને વર્ષાઋતુના મેઘમંડળ સમાન પરમસુંદર શ્યામ શરીર પર પીતાંબરની શોભા હતી. કિરીટ તથા કુંડલ સૂર્યકિરણોની જેમ અત્યંત આકર્ષક અને કળાત્મક રીતે ચમકી રહેલાં. એનાં અંગપ્રત્યંગમાંથી અનોખી આભા પ્રસરી રહેલી.

એ દિવ્ય દર્શનથી વસુદેવ ને દેવકી ધન્ય બન્યાં. એમને કોઇ પ્રકારની શંકા ના રહી કે એમના પુત્રરૂપે ભગવાન પોતે જ પ્રાદુર્ભાવ પામ્યા છે. વસુદેવે તો પોતાની જાતને પરમસૌભાગ્યશાળી સમજીને આનંદના અતિરેકમાં એ જ વખતે બ્રાહ્મણોને દસ હજાર ગાયો અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. ભગવાનનો મહિમા જાણીને એ ભયમુક્ત અને નિશ્ચિંત બની ગયા. એમણે એમના પદમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને એમના અસાધારણ અનુગ્રહની આભારસૂચક અભિવ્યક્તિરૂપે એમની ભાવવિભોર બનીને સ્તુતિ કરી.

એ પછી દેવકીએ પણ પોતાના પ્રસુપ્ત મનોભાવોને પ્રકટ કરતાં એમની પરમપૂજ્યભાવે પ્રશસ્તિ કરી. કંસના કારાવાસનું વાતાવરણ એવી રીતે ખૂબ જ વિશુદ્ધ બની ગયું. કારાવાસ કલ્યાણકારક થઇ ગયો. ભગવાનના અમૃતમય આવિર્ભાવથી એનો મહિમા વધી ગયો.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok