10. દસમ સ્કંધ

પૂતનાનો પ્રસંગ

વસુદેવના શબ્દો સહેતુક અને સાચા હતા એની પ્રતીતિ થોડા જ વખતમાં થયા વિના ના રહી. વધારે વખત વીતે તે પહેલાં જ ગોકુળમાં પૂતનાનો પ્રસંગ ઊભો થયો. નંદને એવા કોઇક પ્રતિકૂળ પ્રસંગની આશંકા તો હતી જ.

પૂતના કંસની પરિચારિકા રાક્ષસી હતી. કંસના આદેશાનુસાર એ ઠેકઠેકાણે ફરીને નાનાં બાળકોનો નાશ કરતી. એમ કરવામાં એને અભૂતપૂર્વ અસાધારણ આનંદ આવતો. એમ કરતાં એને સહેજ પણ સંકોચ ના થતો. એનું રુંવાડુયે હાલતું નહિ. એ એની અદ્દભુત આસુરી શક્તિથી આકાશમાર્ગે ચાલી શક્તી અને ઇચ્છાનુસાર રૂપ ધારી શક્તી. એની અંદર એવી બીજી અનેકાનેક શક્તિઓ હતી પરંતુ એની વૃત્તિ આસુરી હોવાથી એ શક્તિઓનો સદુપયોગ નહોતો થઇ શક્તો. એ શક્તિઓ બીજાને હેરાન કરવા ને બીજાનો નાશ કરવા માટે જ વપરાતી. એને લીધે એ રાક્ષસી આશીર્વાદરૂપ બનવાને બદલે અભિશાપરૂપ બની ગયેલી. એ મન, વચન, શરીર તથા વર્તનથી પવિત્ર નહોતી રહી શકી. પૂત નહોતી, પૂત-ના એટલે બધી રીતે અપવિત્ર, અમંગલ, પાપિણી હતી.

ગોકુળની પાસે પહેંચીને એણે એની વિશિષ્ટ શક્તિથી સુંદર યુવતીનું સ્વરૂપ ધારણ કર્યું. એ સ્વરૂપને લીધે એ અત્યંત આકર્ષક દેખાવા લાગી. એણે એ અવનવીન સ્વરૂપ સાથે ગોકુળમાં પ્રવેશ કર્યો ત્યારે આબાલવૃદ્ધ સૌ કોઇ એને જોઇને મોહિત થઇ ગયાં. એને હાથમાં સુંદર કમળ સાથે આવતી જોઇને ગોપીઓને પોતાના સ્વામી વિષ્ણુ ભગવાનના દર્શનથી કૃતકૃત્ય બનવા નીકળેલી લક્ષ્મીની સ્મૃતિ થઇ આવી. કેટલાકને અમરાપુરીની એકાદ અપ્સરા દિવસના સમયે છતાં અજ્ઞાત રીતે અભિસારે નીકળી હોય એવું લાગવા માંડ્યું. કોઇ એની માયાને લીધે એના વાસ્તવિક સ્વરૂપને ન ઓળખી શક્યું.

બાળકોની નિર્દોષ હત્યા કરવામાં ગૌરવ ગણનારી અને આનંદ માનનારી પૂતના સંજોગોને સાનુકૂળ જોઇને નંદયશોદાના ઘરમાં પેસી ગઇ, ત્યાં એણે સમસ્ત સૃષ્ટિના સ્વામી, દુષ્ટોના કાળ જેવા ભગવાન કૃષ્ણને સુંદર શય્યા પર સુતેલા જોયા. એ એમને ઓળખી તો ના શકી પરંતુ એમની અસાધારણ સર્વોત્તમ સુંદરતાનો પ્રભાવ એના પર પડ્યા વિના ના રહ્યો. ભગવાન કૃષ્ણે એને જોતાંવેંત જ એના વાસ્તવિક સ્વરૂપને સમજી લીધું, એના અમંગલ આશયને પણ સમજી લીધો, ને શાંતિથી આંખ મીંચી દીધી. એ જાણતા હતા કે પૂતના એમની પાસે પહોંચીને ક્રમેક્રમે કાળના મુખમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. એ સઘળું વિધિની પૂર્વયોજિત નિશ્ચિત યોજનાનુસાર સહજ રીતે, અનાયાસે અથવા આપોઆપ જ થવાનું હતું. પછી એ શા માટે સહેજ પણ અસ્વસ્થ બને ?

પૂતનાએ પોતાના વિનાશનું પ્રથમ પગલું--નંદના ઘરમાં પ્રવેશવાનું તો ક્યારનું  ભરી દીધેલું. હવે એ દિશામાં બીજું મહત્વનું પગલું ભર્યું. કૃષ્ણને પોતાના ખોળામાં લેવાનું. એનું કાળજુ કુટિલ ને ક્રુર હોવા છતાં એનું બાહ્ય સ્વરૂપ એક આદર્શ સુંદરીનું હોવાથી ત્યાં ઊભેલી યશોદા તથા રોહિણી જેવી બીજી સ્ત્રીઓએ એના અમંગલ આશયને ના સમજવાથી એને એમ કરતાં ના અટકાવી એટલે પોતાના નિર્ધારિત કાર્યમાં સંપૂર્ણ સફળતા સાંપડવાની આશાથી એ અતિશય આનંદમગ્ન બની ગઇ. એને ખબર નહોતી કે એ આનંદ ક્ષણિક હતો. આજ સુધી એ કેટલાંય બાળકોને મારી ચૂકેલી. એની બાળકોનો નાશ કરવાની પદ્ધતિ ખૂબ જ સહેલી ને ઝડપી હતી. સ્તન પર વિષનું લેપન કરીને એ એમને પયપાન કરાવતી એના પરિણામે બાળકો તરત જ ક્ષણમાત્રમાં યમસદનમાં પહોંચી જતાં. યશોદાના એ અપ્રતિમ સૌન્દર્યસંપન્ન શિશુને માટે પણ એ જ પદ્ધતિ અજમાવવાનો નિર્ણય કરીને એ આવી પહોંચેલી. પરંતુ એને એ શિશુની સર્વોત્તમ શક્તિની માહિતી ક્યાં હતી ? એનો પૂરેપૂરો પરચો તો હજુ હવે જ મળવાનો હતો. જેના અનુગ્રહથી વિષ અમૃતમય બની જાય છે અને જેની અવકૃપાથી અમૃત વિષમય થાય છે તે પરમાત્માની પરાત્પર શક્તિ જ એ શિશુના સ્વરૂપમાં સાકાર બનેલી એની એને જાણ ન હતી. એનો વિષપ્રયોગ એ શિશુની આગળ સફળ ક્યાંથી થઇ શકે ?

છતાં પણ આસુરી પ્રકૃતિની અજ્ઞાની પૂતનાએ પતન અથવા વિનાશનું ત્રીજું પગલું ભર્યું. એણે ભગવાન કૃષ્ણને પયપાન કરાવવાનું શરૂ કર્યું. એ પયપાન કરાવવાનું કર્મ એને માટે ખૂબ જ ક્લેશકારક થઇ પડ્યું. કૃષ્ણે બંને હાથે સ્તનને દબાવીને ભારે ક્રોધપૂર્વક પયપાન કરવા માંડ્યું. પૂતનાથી એ સહન ન થઇ શક્યું. એને માટે એ અનુભવ એકદમ નવો ને નિરાળો હતો. એની છાતી ખેંચાવા લાગી અને એનું મર્મસ્થાન તૂટવા માંડ્યું. કેવો અસહ્ય, અશુભ અનુભવ ? એ અત્યંત આર્ત બનીને એના હાથમાંથી છૂટવા માટેના પોકારો પાડવા લાગી. એ શિશુએ બતાવેલા ચમત્કાર જેવો ચમત્કાર તો એણે ક્યાંય નહોતો જોયો. એને થયું કે પોતે અમંગલ ગ્રહનક્ષત્રમાં અશુભ સમયે આવી પહોંચી છે. એનાં પાપનો પુંજ એકઠો થવાથી જ એને એનો દંડ દેવા માટે જ એ શિશુનો સમાગમ થયેલો. એનું પરિણામ હવે નિશ્ચિત હતું. શિશુ એના પ્રાણને ચૂસી રહેલું. એ એના હાથ-પગને જોરથી પછાડીને રોવા લાગી. પરંતુ હવે રોવાથી શું વળે ? ‘બદલો ભલાબુરાનો અહીંનો અહીં મળે છે, જેવી કરે જે કરણી તેવી તરત ફળે છે’નો તાદ્દશ ચિતાર ત્યાં ખડો થયો. એના પેટમાં જે પાપ હતું એ જ એને પ્રબળ બનીને ખાવા લાગ્યું. હજુ એ એના અપરાધને માટે પશ્ચાતાપ કરીને માફી માગી શકી હોત. તો કદાચ એ અલૌકિક શિશુ એને છોડી દેત. પરંતુ એને માટે પણ ભાગ્ય જોઇએને ? એની તમોગુણપ્રધાન અજ્ઞાનાંધકારથી આવૃત્ત મનોવૃત્તિમાં પ્રજ્ઞાનો એવો પવિત્રતમ પ્રકાશ ક્યાંથી પડી શકે ? એનું સમસ્ત શરીર પરસેવાથી ભરાઇ ગયું. એના પ્રબળ પોકારોને સાંભળીને સૌ નંદના ઘરમાં ને ઘરના પ્રાંગણમાં ભેગાં થયાં. એની આંખ ફાટવા માંડી. એના મર્મસ્થાનમાં એવી તો ભયંકર પીડા થવા લાગી કે પોતાની જાતને વધારે વખત સુધી છૂપાવી ના શકી ને રાક્ષસીના મૂળ સ્વરૂપમાં પ્રકટ થઇ. એનું મુખ ફાટી ગયું, એનું શરીર શિથિલ બન્યું, અને શરીરને છોડીને એના પ્રાણ બહાર નીકળી જવાથી એ રાક્ષસીના જીવન પર પડદો ફરી વળ્યો. એનું મૃત શરીર બહાર આવીને પડી રહ્યું. એ શરીર અત્યંત ભયંકર, બેડોળ તથા બદબૂથી ભરેલું હતું. એ શરીરને દેખીને ગોપ-ગોપીઓ ભયભીત બની ગયાં. એમની બુદ્ધિ કામ કરવા ન લાગી. સ્વલ્પ સમયમાં એકાએક આ બધું શું બન્યું તેને સમજવાનું એમને માટે અશક્ય થઇ પડ્યું. યશોદા તથા રોહિણીને માટે પણ. એ ભગવાન કૃષ્ણની રક્ષા માટે જુદા જુદા પ્રચલિત પ્રયોગો કરવા ને પ્રાર્થના કરવા લાગી. ભગવાન કૃષ્ણની અનંત શક્તિનું અનુમાન કરવાનું એમને માટે એકદમ અશક્ય હતું.

ભગવાન કૃષ્ણ તો પોતાના લોકોપયોગી કલ્યાણ કર્મને પૂરું કરીને શાંતિથી જાણે કે કાંઇ જ ના બન્યું હોય કે પોતે કશું જ ના જાણતા હોય તેમ સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક સૂઇ રહ્યા. એમનો પાર્થિવ પૃથ્વી પરનો પ્રાદુર્ભાવ સમસ્ત સમાજના કલ્યાણને માટે, સમાજને દાનવોની તથા દાનવીય વૃત્તિ ને પ્રવૃત્તિની પકડમાંથી મુક્ત કરીને સુખશાંતિથી સંપન્ન કરવા માટે જ થયેલો. એ રીતે એ એક આદર્શ સમાજસેવક હતા. એમની એ સમાજસેવાનો આરંભ એમના આવિર્ભાવ સાથે જ થયેલો કારણ કે એ આવિર્ભાવ એમના બદ્ધ માતાપિતાને કંસના કારાવાસમાંથી પરોક્ષ રીતે છોડાવનારો થઇ પડ્યો. હવે પૂતનાના નાશથી એ સેવાકાર્યમાં એ પ્રત્યક્ષ ને સક્રિય રીતે આગળ વધ્યા. એ સેવાકાર્ય બીજાની દૃષ્ટિએ અજ્ઞાત હોવા છતાં શકવર્તી, મૂલ્યવાન અથવા મહત્વનું હતું.

સમાજમાં પૂતનાઓનો પૂરેપૂરો નાશ થયો છે ખરો ? ના, ભગવાન કૃષ્ણે તો એક પૂતનાને મારી પરંતુ આજે એવી અસંખ્ય પૂતનાઓ-આસુરી વૃત્તિઓ સમાજની સત્વશીલતાને, ચેતનાને ને રસકસ કે પ્રાણને ચૂસવાના આશયથી વિષમય બનીને ફરે છે. એમનો અંત જેટલો બને તેટલો જલદી આણવો જ રહ્યો. આસુરી વૃત્તિઓ કે સંપત્તિઓની એ પૂતનાઓને નષ્ટ કરવા આત્મશક્તિને જગાડવાની ને વધારવાની આવશ્યકતા છે.

પૂતનાનો નાશ થયા પછી નંદ એમના સાથીઓ સાથે મથુરાથી ગોકુળ પહોંચ્યા. પૂતનાના મહાભયંકર મૃતશરીરને નિહાળીને એ આશ્ચર્યચકિત બની ગયા. એમણે પરસ્પર કહેવા માંડ્યું કે વસુદેવે ગોકુળમાં ઉત્પાત થવાની જે વાત કરેલી તે સાચી પડી એટલે વસુદેવ ખરેખર દૈવી શક્તિથી સંપન્ન છે. એમના રૂપમાં કોઇક વિશુદ્ધ હૃદયના ઋષિએ જ જન્મ લીધો લાગે છે.

વ્રજવાસીઓએ એ પછી એકઠા થઇને કુહાડીથી પૂતનાની કાયાના ટુકડે ટુકડા કરી નાખ્યા અને એ ટુકડાઓને ગોકુળથી થોડેક દૂર લઇ જઇને લાંકડાં પર મૂકીને બાળી નાખ્યા.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.