Text Size

10. દસમ સ્કંધ

ધેનુકાસુર

કૃષ્ણ તથા બલરામના જીવનના છઠ્ઠા વરસનો હવે આરંભ થયો. એ વરસ દરમિયાન એ બીજા ગોપબાળોની સાથે વનમાં ગાયો ચરાવવા જવા લાગ્યાં. ગોપબાળો એમના સંસર્ગમાં સ્વર્ગસુખનો અનુભવ કરતાં.

એકવાર એ એમના રોજના નિયમાનુસાર વનમાં ગાયો ચરાવવા ગયા. ત્યારે શ્રીદામા તથા બીજા ગોપબાળોએ એમને એક નવી જ માહિતી પૂરી પાડી. થોડેક દૂર એક સુંદર વિશાળ વન હતું. એમાં અસંખ્ય તાડના વૃક્ષો હતાં. એ વૃક્ષોનાં ફળો મોટી સંખ્યામાં નીચે પડતાં રહેતાં. એ ફળોના ઉપભોગની ઇચ્છાથી ત્યાં કેટલાક મનુષ્યો જતા પણ ખરા પરંતુ એમની ફળોપભોગની ઇચ્છા પૂરી ના થઇ શકતી. એ વનમાં વસનારો ધેનુક નામનો અહંકારી, અતિશય શક્તિશાળી અસુર એ ફળોનો કોઇને સ્પર્શ પણ નહોતો કરવા દેતો અને કોઇ એમનો ઉપભોગ કરવાનો પ્રયત્ન કરતું તો એને મારી નાખતો. એ ત્યાં ગધેડાના રૂપમાં વાસ કરતો. એની સાથે એના સરખા જ શક્તિશાળી બીજા અસુરો પણ રહેતા. એ બધા એવા જ અમંગલ અને ક્રુર હતા. એમણે અત્યાર સુધીમાં અનેક મનુષ્યોનો નાશ કરી નાખેલો. એ ભયંકર અસુરના ભયથી મનુષ્યો તો શું પરંતુ પશુપક્ષીઓ પણ એ સુંદર વનમાં નહોતાં પ્રવેશી શકતાં. શ્રીદામા જેવા બીજા ગોપબાળોને એ સુમધુર ફળોનો ઉપભોગ કેવી રીતે કરવો એ ના સમજાયું. એમણે એમની સમસ્યા કૃષ્ણ તથા બલરામની આગળ રજૂ કરી.

કૃષ્ણ તથા બલરામ તો એવા અવસરોને શોધ્યા જ કરતા. અસુરોના કષ્ટ, અન્યાય અને અત્યાચારમાંથી સમાજને-મનુષ્યોને ને મનુષ્યેતર પ્રાણીઓને મુક્ત કરવા માટે તો એમનો અવતાર થયેલો. અધર્મને શાંતિપૂર્વક સહી લેવાનું એમના સ્વભાવમાં હતું જ નહિ. ગોપબાળોની સાથે એ બંનેએ તાલવનમાં પહોંચીને ફળોના ઉપભોગનો આનંદ આપવાનો નિર્ણય કર્યો. બલરામે તાડવૃક્ષોને હલાવ્યાં એટલે ધરતી પર ફળોનો ઢગલો થવા લાગ્યો. ગધેડાના રૂપમાં રહેનારો ધેનુકાસુર ફળોના પડવાનો અવાજ સાંભળીને એ દિશામાં દોડી આવ્યો ને બલરામની છાતીમાં પોતાના પાછલા પગથી જોરથી લાત મારીને ભૂંકતો ભૂંકતો પાછો ખસી ગયો. એવી જ રીતે થોડાક વખત પછી એ બલરામને બીજી વાર લાત મારવા આવી પહોંચ્યો પરંતુ એ પોતાનું ધારેલું કામ પૂરું કરે તે પહેલાં તો બલરામે એના બંને પગને એક જ હાથે પકડીને એને ચારે તરફ ફેરવીને એક તાડવૃક્ષ પર પછાડ્યો. એને પછાડતાં પહેલાં જ એનો પ્રાણ જતો રહ્યો. એના પછાડવાથી એ વિશાળ તાડવૃક્ષ તૂટી પડ્યું. એને લીધે બીજું તાડવૃક્ષ, બીજાને લીધે ત્રીજું, ત્રીજાને લીધે ચોથું અને એમ ઉપરાઉપરી અનેક તાડવૃક્ષો તૂટી પડ્યા.

ધેનકાસુરના સર્વનાશના સમાચાર સાંભળીને એના સ્વજનો ક્રોધે ભરાઇને બલરામ તથા કૃષ્ણ પર તૂટી પડ્યા. બલરામ તથા કૃષ્ણે એ સર્વેનો એમના પાછલા પગ પકડી એમને તાડવૃક્ષો પર પછાડીને નાશ કર્યો. એ બધી ધરતી તાડવૃક્ષો, ફળો તથા અસુરોનાં નિર્જીવ અંગોથી ભરાઇ ગઇ.

ધેનુકાસુર અને અન્ય અસુરોના નાશથી વન નિર્ભય બન્યું. પશુપંખી અને મનુષ્યો એમાં કોઇ પણ પ્રકારની આશંકા, ચિંતા કે ભીતિ વિના પ્રવેશીને એનાં ફળોનો ઉપભોગ કરવા લાગ્યાં. એના સ્વાદિષ્ટ પાણીનો તથા ઘાસનો લાભ પણ લેવા માંડ્યા.

ધેનુકાસુરે ગધેડાનું રૂપ લીધેલું. એના પરથી ભાગવત એ સૂચવવા માગે છે કે આસુરી વૃત્તિવાળો મનુષ્ય સદબુદ્ધિને ખોઇ બેસે છે ને ગર્દભ જેવો જડ તેમજ દુર્બુદ્ધિવાળો  બની જાય છે. આપણા સમાજમાં એવા ધેનકાસુરો અને એમના સાથી કે સ્વજનો અનેક છે. એ અહંકારી, આડંબરી ને પરિગ્રહી હોય છે. જે સંપત્તિ એક ઇશ્વરની જ છે એને પોતાની માનીને, એની ઉપર માલિકીપણાની મહોર મારીને એનો ઉપયોગ એ બીજાને માટે નથી કરતા. બીજાને એનો સ્પર્શ પણ નથી કરવા દેતા. એમની અંદર સમાજ કલ્યાણની ભાવનાનો નિતાંત અભાવ હોવાથી એ એકલપેટા થઇને ફરે છે ને કોઇને પણ કામ નથી લાગી શકતા. અન્યને માટે અમંગલ, અનર્થકારક અને આતંકરૂપ બને છે અને ચિંતા, ભય તેમ જ સર્વનાશ ફેલાવે છે. એવા ધેનુકાસુરો સમાજને માટે હાનિકારક છે. એમની સંપત્તિ કે સુખસાહ્યબીની સામગ્રી કોઇને કામ નથી લાગી શકતી. ધેનુકાસુર સમસ્ત વનને પોતાનું માનીને જમીન પર પડેલાં ફળોનો પણ ઉપભોગ નહોતો કરવા દેતો. સંપત્તિમાત્ર ઇશ્વરની હોવાથી એને ત્યાગભાવે, બીજાની સેવા માટે કામે લગાડીને પછી જ પ્રસાદના શેષ ભાગરૂપે ભોગવવી જોઇએ એ ઇશાવાસ્ય ઉપનિષદની ઉક્તિને એ નહોતો અનુસરતો. એટલા માટે એનો નાશ કરવો પડ્યો. ભાગવતની એ કથા આજના ને સર્વ કાળના માનવને માટે ઉપકારક થઇ પડે તેવી છે. માનવ ધેનુકાસુર ના બને, અપરિગ્રહી થાય અને પોતાનું અન્યને માટે, અધિકાધિક જીવોના હિત કે સુખ અથવા અભ્યુદયને માટે વાપરતો થાય એ ઇચ્છવા જેવું છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok