Text Size

10. દસમ સ્કંધ

પ્રલંબાસુર તથા દાવાનલથી રક્ષા

એક દિવસ કૃષ્ણ બલરામ તથા બીજા ગોપબાળકો સાથે વનમાં ગાયો ચરાવી રહેલા ત્યારે કૃષ્ણ તથા બલરામનું હરણ કરવાની ઇચ્છાથી ત્યાં પ્રલંબ નામનો અસુર આવી પહેંચ્યો. એણે ગોવાળનો કપટવેશ ધારણ કરેલો. કૃષ્ણે એને જોતાવેંત જ ઓળખી લીધો તો પણ એની મરજીથી એની સાથે મિત્રતા કરીને એના નાશનો ઉપાય વિચારવા લાગ્યા. પ્રલંબાસુરને એની ખબર ના પડી શકી.

ભગવાન કૃષ્ણે ગોપબાળોને બે વિભાગોમાં વહેંચીને એક વિભાગની સરદારી બલરામને સોંપી ને બીજા વિભાગની સરદારી પોતે લીધી. એ પછી એમણે સૌની સાથે એક વિશિષ્ટ રમત રમવા માંડી. એ રમતના નિયમ પ્રમાણે હારેલો પક્ષ જીતેલા પક્ષને પોતાની પીઠ પર બેસાડતો. બલરામના પક્ષનો જય થયો એટલે એમના પક્ષના બાળકો કૃષ્ણના પક્ષના બાળકોની પીઠ પર બેસી ગયા. પ્રલંબાસુર બલરામને પોતાની પીઠ પર બેસાડીને નાસવા લાગ્યો. એની દાનત સાફ નહોતી. એ બલરામને લઇને નીચે ઉતારવાના નિયત સ્થાન કરતાં ઘણે દૂર નીકળી ગયો. પરંતુ બલરામનો બોજો વધારે લાગવાથી એને આગળ વધવાનું મુશ્કેલ લાગવાથી પોતાનું મૂળ આસુરી રૂપ ધારણ કરી લીધું. એને જોઇને પહેલાં તો બલરામ થોડાક ગભરાઇને વિચારમાં પડી ગયા પરંતુ પાછળથી પોતાના સામર્થ્યનું સ્મરણ કરીને નિર્ભય તથા નિશ્ચિંત થયા. એમણે એ અમંગલ બુદ્ધિ, વૃત્તિ તથા પ્રવૃત્તિવાળા અસુરના મસ્તક પર જોરથી મુક્કો માર્યો. એથી એનું મસ્તક ફાટી ગયું, એ લોહીની ઉલટી કરવા લાગ્યો, એની ચેતના ચાલી ગઇ, અને એ જોરથી બૂમ પાડીને ધરતી પર ઢળી પડ્યો. એના જીવન પર પડદો પડી ગયો.

એ જ દિવસે વનમાં ભયંકર આગ ફાટી નીકળી. તોફાની પ્રલયના પાર્ષદ જેવા પવને એમાં મદદ કરી. ગાયોને તથા ગોપબાળોને એ ભયંકર આગને અવલોકીને ભય લાગ્યો. એમણે ભગવાન કૃષ્ણને અને બલરામને મદદ માટે પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણે એમને નિર્ભય બનીને આંખ બંધ કરવાનો આદેશ આપ્યો. એ આદેશને અનુસરીને એમણે આંખ બંધ કરી એટલે ભગવાને એ આગને એમની અસાધારણ શક્તિથી શાંત કરી દીધી. સૌએ આંખ ઉઘાડીને જોયું તો પોતાને એક વિશાળ વટવૃક્ષની પાસે ઊભેલાં જોયાં. એમને ભગવાન કૃષ્ણની મહાન યોગશક્તિનો ખ્યાલ આવ્યો. એમને થયું કે કૃષ્ણ કોઇ સામાન્ય માનવ નથી પરંતુ દેવતા છે. એમણે એમનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.

*

ભગવાન કૃષ્ણ એવી રીતે વૃંદાવનના સમસ્ત જીવન સાથે સંમિશ્રિત થઇ ગયેલા. એમનું વ્યક્તિત્વ ત્યાંની ધરતી સાથે તાણા ને વાણાની પેઠે વણાઇ ગયેલું. વૃંદાવનની સમસ્ત ભૂમિ એમની લીલાભૂમિ બની ગયેલી એવું કહીએ તો ચાલે. એ ભૂમિમાંથી એમને ભૂલેચૂકે પણ બાદ ના કરી શકાય અને જો બાદ કરીએ તો એનો મહિમા જ મરી જાય એવી પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિ એમણે કરેલાં લોકકલ્યાણના કાર્યોને લીધે જ પેદા થયેલી. એમના અંતરમાં લોકકલ્યાણની ભાવના આરંભથી જ ઉછાળા મારી રહેલી. એ દૃષ્ટિએ એમના જીવનને વિચારીએ તો ઘણો લાભ થાય તેમ છે.

એમના જીવનના બાળપણના દહીં કે માખણ ખાવાના પ્રસંગોનો જ વિચાર કરીએ. એ વખતે ગોકુળ તથા વૃંદાવનમાં દૂધ, દહીં તથા માખણનો તોટો ન હતો. અનેક ઘરોમાં એની પ્રચુરતા હતી. પરંતુ કેટલાંક ઘરોમાં એની અછત પણ હતી. સમાજમાં એવી જીવનોપયોગી સાધનસંપત્તિ અમુક ઠેકાણે મોટા પ્રમાણમાં એકઠી થાય અને બીજાને એમાંનું કશું જ ના મળે એ કેમ ચાલે ? ભગવાન કૃષ્ણ જેવા આદર્શ લોકહિતૈષી લોકસેવકથી એ કેવી રીતે સહન થાય ? એમણે એવી સાધનસંપત્તિ વિનાના ગોપબાળકોને સંતોષવાનો વિચાર કર્યો અને એ પ્રયોગનો પ્રારંભ પોતાના ઘરથી કરવા માંડ્યો. પોતાના ઘરમાં દૂધ, દહીં, માખણ જેવા ખાદ્યપદાર્થો પૂરતા પ્રમાણમાં હોવાથી એમણે બીજા ગોપબાળકોની સાથે એમાં પ્રવેશીને એમને એનો સ્વાદ ચખાડીને એમને સંતોષવાનો ને યશોદાને પરિગ્રહવૃત્તિનો પરિત્યાગ કરીને વિશાળહૃદયી બનવાનો એવો દ્વિવિધ પ્રયાસ કરી બતાવ્યો. એ પ્રસંગને એ રીતે વિચારીએ તો એમાં કશું ખોટું નહિ લાગે.

ભગવાન કૃષ્ણને માખણ ખૂબ જ પ્રિય હતું. ગોપીઓ એમને માખણ ખવડાવતી પણ ખરી. એનો આધ્યાત્મિક સંદર્ભ સમજવા જેવો છે. માખણ માનવજીવનમાં પ્રકટનારા પવિત્રતમ પ્રભુમય પ્રેમનું પ્રતીક છે. જીવનમાં ઇન્દ્રિયોના સંયમની સિદ્ધિ થતાં તથા દૈવી સંપત્તિની સ્થાપના સહજ બનતાં પરમાત્માના પવિત્ર પ્રેમનો પ્રાદુર્ભાવ થતાં વાર નથી લાગતી અને એવા પવિત્ર પ્રેમનો પ્રાદુર્ભાવ થયા પછી ભગવાન દૂર નથી રહી શક્તા. એ પ્રેમના આસ્વાદને માટે એ આવે જ છે. એ પ્રેમને પેખીને એ પ્રસન્ન થાય છે અને પ્રેમીને સર્વપ્રકારે કૃતાર્થ કરવા આવી પહોંચે  છે.

ભગવાન કૃષ્ણના જીવનમાં વેણુવાદનનું મહત્વ ઘણું મોટું હતું. વેણુ જાણે કે એમના સુસંવાદી, સુધાસભર, સુરીલા જીવનની સૂચક હતી. એના સરસ સ્વરો દ્વારા એ જીવનને સંવાદી તથા સુધાસભર બનાવવાનો અને સતત જાગૃતિપૂર્વક આદર્શ રીતે જીવવાનો સંદેશ આપતા.

એ વેણુવાદન સૌને માટે ખૂબ ખૂબ આશીર્વાદરૂપ થઇ પડતું. જડ તેમજ ચેતન સૌના પર એની અસાધારણ અસર થતી. એ અસરોનું વર્ણન ભાગવતના એકવીસમા અધ્યાયમાં વિસ્તારપૂર્વક કરવામાં આવેલું છે. એ વર્ણન પ્રમાણે શ્રીકૃષ્ણ પોતાની મુનિજનમનમોહિની મોરલી વગાડતા ત્યારે મત્ત બનેલા મયુરો થનગની ઊઠતા તથા નાચવા માંડતા. મૃગલીઓ મૃગોની સાથે એમની પાસે મંત્રમુગ્ધ થઇને પહોંચી જતી અને એમને જોવામાં લીન બનતી. સ્વર્ગલોકની સુંદરીઓ અનુપમ આકર્ષણયુક્ત કૃષ્ણને દેખીને અને એમના સુમધુર સંગીતસ્વરને સાંભળીને ભાન ભૂલી જતી. ગાયો પોતાના કાનને ઊંચા કરીને એ અલૌકિક અમૃતરસનો આસ્વાદ લેતાં મંત્રમુગ્ધ ને આનંદમગ્ન બનીને ઊભી રહેતી. દૂધ પીનારાં વાછરડાં બંસીના સ્વર સાંભળતાં દૂધ ના પી શક્તાં, ને જડની જેમ જોયા કરતાં. વૃંદાવનનાં વૃક્ષો પરનાં વિહંગો એ વિશ્વમોહન સ્વરોને સાંભળ્યા જ કરતાં. એમને એમનું સર્વકાંઇ કૃતાર્થ લાગતું.

નદીઓ, પાણીપ્રવાહો, વ્યોમ અને વ્યોમનાં વાદળો સૌની ઉપર એમની મોરલીની મોહિની ફરી વળતી. મોરલીના મનહર સ્વરને સાંભળીને વરસાદી વાદળ જાણે કે ખૂબ ખૂબ પ્રસન્ન બનતાં અને મંદમંદ વરસીને ભગવાન કૃષ્ણ પર ભાવભીનો અભિષેક કરતાં. વૃંદાવનની ભીલડીઓના અંતરમાં પણ ભગવાન કૃષ્ણના દેવદુર્લભ દર્શનથી અને સંગીતસ્વરોના શ્રવણથી પુષ્કળ પ્રેમ થઇ આવતો. વાસંળીના સુધામય સ્વરોને સાંભળીને મનુષ્યોને તો શું પશુપક્ષીને, નદીને ને વૃક્ષોને પણ આનંદ થતો. વાંસળીના સરસ સ્વર સૌના જીવનને રસમય કરતા અને સર્વત્ર જાદુ ભરતા.

ગોપગોપીઓને ગિરિરાજ ગોવર્ધન પર પણ પુષ્કળ પ્રેમ હતો. એની અંદર અનેક ઝરણાં, વૃક્ષો, ફળો તથા  ફુલો હતાં. એની ઉપર ઉગેલા સરસ ઘાસને ગાયો ચરતી રહેતી. થાકેલા માનવો ને પશુઓ એની શીતળ છાયામાં વિશ્રામ કરતાં. ગિરિરાજ ગોવર્ધનનું સ્થાન એવી રીતે ખૂબ જ નોંધપાત્ર હતું. ભગવાન કૃષ્ણની વાંસળીના ધ્વનિથી એનું વાતાવરણ પણ મધુમય બની જતું. ગિરિરાજનું હૃદય અને રોમરોમ એ વંશીધ્વનિથી કૃતાર્થ બનતું.

ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં એવી રીતે મૂર્તિમંત મહારસ બનીને વાસ કરતાં. એમને લીધે વૃંદાવનનો મહિમા ખૂબ જ વધી ગયેલો. એ વૃંદાવનની સર્વોત્તમ શોભારૂપ, એના જીવન હતા. સૌ કોઇને એમની સંનિધિમાં અસીમ આનંદનો અનુભવ થતો. સૌને જીવનની ધન્યતા લાગતી.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok