10. દસમ સ્કંધ

રાસલીલા - 1

ગોપીઓ પૂર્વજન્મના મહાન સંસ્કારોને લઇને આ પાર્થિવ પૃથ્વી પર વ્રજની પવિત્ર ભૂમિમાં પ્રકટ થયેલી. એ સર્વોત્તમ સંસ્કારોને લીધે જ એ ભગવાન કૃષ્ણના સંપર્કમાં આવેલી, એમના પ્રત્યે અભૂતપૂર્વ આકર્ષણ અનુભવતી થયેલી, અને એમને માટેના અસાધારણ અનુરાગમાં અભિવૃદ્ધિ કરતાં શ્વાસ લેતી. ભગવાન કૃષ્ણ પણ એમના પ્રત્યે, એ પૂર્વજન્મની કોઇ મહાન સંસ્કારસંપન્ન શીલવતી સાધિકાઓ હોય અને એમને સિધ્ધાવસ્થાનો સ્વાનુભવ કરાવીને સફળ કરવાનો સ્વર્ણ સમય સંનિકટ આવી પહોંચ્યો હોય એમ, એમની ઉપર વિશેષ પ્રેમ રાખતા. એમના અંતર અનુરાગપૂર્ણ અને પવિત્ર હતાં. એમનો સ્વભાવ નિષ્કપટ અને સરળ હતો. એને લીધે જ ભગવાન કૃષ્ણની કૃપા એમની ઉપર ઉત્તરોત્તર, દિનપ્રતિદિન વધારે ને વધારે વરસતી રહી. અને આખરે ગોપીઓ એ અલૌકિક અનુગ્રહને અનુભવીને ધન્ય બની. ગોપીઓના ભગવાન કૃષ્ણ સાથેના એ લીલા પ્રસંગો આપણને સૂચવે છે કે જીવનની આ જટિલ યાત્રામાં, વિશ્વના વિશાળ વૃંદાવનમાં,  જે જીવો ગોપીઓની પેઠે નિર્મળ, નિખાલસ, કોમળ, સરળ અને ભગવાનના સાચા શરણાગત બને છે તે ભગવાનની પાસે પહોંચે છે, ભગવાનના પ્રેમની પ્રાપ્તિ કરે છે અને એમના અનુગ્રહને અનુભવીને ધન્ય બને છે. એટલે જીવનની જટિલ યાત્રાને સુખી, શાંતિમય, સફળ તેમજ સાર્થક કરવા માટે જીવે શિવનું શરણ લેવું જોઇએ. ને શિવની સાથે સંપર્ક સ્થાપવો જોઇએ. ગોપીઓ મન, વચન, કર્મથી ભગવાન કૃષ્ણની સાથે તલ્લીન બનીને એમની પ્રસન્નતાને માટેના કર્મો કરતી. એમનું સમસ્ત જીવન કૃષ્ણમય થઇ ગયેલું એમ કહીએ તો ચાલે. માટે જ ભગવાને રાસલીલા દ્વારા એમની ઉપર વિશેષ અનુગ્રહ કરવાનો નિર્ણય કર્યો. જીવનમાં ભગવાનની શરણાગતિ અને તે દ્વારા થનારી ભગવાનની કૃપા પછી આનંદ, સુખ, શાંતિ, સાર્થક્ય અને રસનો રાસ જ શેષ રહે છે.

ભગવાને ગોપીઓને એવો રાસ રમાડવાનો સંકલ્પ કર્યો. એ રાસ સંકેત કરે છે કે ભક્તના મનની બધી જ વૃત્તિઓ અને ભક્તની ઇન્દ્રિયો ભગવાનના સ્મરણ, મનન અને નિદિધ્યાસનમાં લાગી જાય છે. એના સમસ્ત જીવન દ્વારા ભગવાનની જ સેવા, પૂજા અથવા આરાધના થતી હોય છે. એનું એકમાત્ર કર્તવ્ય અને ધ્યેય ભગવાનની પાસે પહોંચવાનું, ભગવાનના પ્રેમભાજન કે કૃપાપાત્ર થવાનું અને ભગવાનનો સાક્ષાત્કાર કરીને ભગવાનની સતત શાશ્વત સંનિધિને અનુભવવાનું હોય છે. ગોપીઓની જીવનદૃષ્ટિ એવી જ આદર્શ અને અલૌકિક હોવાથી એમની એ દૃષ્ટિ અને સદ્દભાવનાને ઓળખીને એમને જીવનની ધન્યતાનો આનંદ આપવા માટે ભગવાને એમને આપેલા કોલ પ્રમાણે રાસલીલાનું આયોજન કર્યું. એ હતી એમની ગોપીઓ સાથેની રાસલીલાની પૂર્વભૂમિકા.

એ પૂર્વભૂમિકાને પાકવાનો સાનુકૂળ સમય આવી પહોંચ્યો. એ સમય સુંદર શરદઋતુનો હતો. અને એમાં પણ શરદપૂનમની રમણીય રસમયી રાતનો. પ્રકૃતિ ચારે તરફ પોતાના અમૂલખ અલૌકિક સૌન્દર્ય વૈભવને વિખેરીને ભગવાન કૃષ્ણનું દર્શન કરતી એમની રાસલીલાની પ્રતીક્ષામાં બેસી રહેલી. એની શોભા ખરેખર અનુપમ, અનોખી, અવર્ણનીય હતી.

આકાશમાં આહલાદકતાના આગાર જેવા ચંદ્રનો ઉદય થયો. વિશ્વની સમગ્ર ચારુતા જાણે કે એક સુંદર થાળમાં એકઠી થઇને બહાર નીકળી. અખિલ અવનીનું અમૃત એક ઠેકાણે એકઠું થયું.

ચંદ્રના પ્રાકટ્યની સાથે જ સૃષ્ટિમાં સુખની લલિત લહરી ફરી વળી. સૃષ્ટિએ સુધાકરનું શાંત સ્વાગત કર્યું. એ જ વખતે ભગવાન કૃષ્ણે વાંસળી વગાડી. એના સુધાસભર સ્વર સઘળે ફરી વળ્યાં. એ સ્વરો કેવળ સ્વરો ન હતાં, ગોપીઓના મન અંતરનું વશીકરણ અથવા અનંત આકર્ષણ હતું. અંતરના અનુરાગનું અલૌકિક સંગીત હતું. ગોપીઓને એ આકર્ષ્યા વિના ના રહી શક્યું.

સાધકના જીવનમાં સાધનામાં આગળ વધતાં જુદાજુદા નાદ સંભળાય છે એમાં એક વાંસળીનો નાદ પણ હોય છે. એ સાંભળતાં સાધકની સઘળી વૃત્તિઓ હિલોળે ચઢે છે ને તલ્લીન બને છે. એ પોતપોતાની પ્રવૃત્તિનો પરિત્યાગ કરીને એ ધ્વનિના શ્રવણમાં મશગુલ થઇને અદમ્ય આકર્ષણને અનુભવતાં આત્મલીન બની જાય છે.

ગોપીઓ વંશીનાદ સાંભળી પોતપોતાની પ્રવૃત્તિને પરિત્યાગીને કૃષ્ણની પાસે પહોંચ્યા વિના રહી શકી જ નહિ. એમનું આકર્ષણ એટલું બધું અદમ્ય હતું કે વાત નહિ.

ભગવાન કૃષ્ણે ગોપીઓને પોતાની આગળ આવેલી જોઇને એમનું સ્મિતપૂર્વક સ્વાગત કર્યું. એ સ્મિત અતિશય ચિત્તાકર્ષક હતું. એથી ગોપીઓ મંત્રમુગ્ધ બનીને ભગવાનને જોવા માંડી. ભગવાનનું સ્વરૂપ કેટલું બધું સુંદર અને સુધામય હતું ? ગોપીઓ એને અનુરાગપૂર્ણ આંખે અવલોકવા લાગી. એને અવલોકીને એ થાકતી, કંટાળતી કે ધરાતી નહોતી. એક ચંદ્ર જાણે કે આકાશમાં હતો અને એક ધરતી પર. હા. કૃષ્ણ ચંદ્રની પેઠે જ ચારુ હતા. એ બંનેમાં કયા ચંદ્રની ચારુતા વધારે હતી ? ગોપીઓને કૃષ્ણચંદ્રની ચારુતા વિશેષ લાગી. કોનું આકર્ષણ અધિક હતું ? કૃષ્ણચંદ્રનું આકર્ષણ એમને અધિક લાગ્યું. બંનેમાં કોણ અધિક આહલાદક અને અમૃતમય હતા ? આકાશનો ચંદ્ર હાલતો ચાલતો હસતો ને બોલતો ન હતો. ધરતી પરનો આ ચંદ્ર તો એવું બધું જ કરતો. એ દૂર હતો તો આ સમીપ. ભગવાન શ્રીકૃષ્ણચંદ્રે ગોપીઓ તરફ પ્રેમપૂર્વક દૃષ્ટિપાત કરતા કહ્યું કે ગોપીઓ ! તમારું ભાગ્ય ઘણું મોટું છે. તમારું સ્વાગત કરું છું. તમારે અત્યારે આવી રાતને વખતે શા માટે આવવું પડ્યું ? તમે કુલીન તથા સતી સ્ત્રીઓ હોવાથી તમારે ઘેર પાછી ફરો એ જ બરાબર છે. મારા પ્રેમથી પ્રેરાઇને તમે મારી પાસે આવી હો તો એમાં કોઇ અનુચિત કામ નથી થયું. કારણ કે મનુષ્યો તો શું પરંતુ પશુપંખી પણ મને પ્રેમ કરે છે. છતાં પણ મારી લીલા અથવા ગુણોના સંકીર્તન અને શ્રવણથી, મારા સ્વરૂપના સાક્ષાત્કારથી અથવા ધ્યાનથી મારે માટે જેવી અનન્ય પ્રબળ પ્રેમની પ્રાપ્તિ થાય છે એવી મારી પાસે કે સાથે રહેવાથી નથી થતી. માટે તમે તમારે ઘેર જાવ એ વધારે સારું છે.

ભગવાનના શબ્દો સાંભળીને ગોપીઓ થોડીક ઉદાસ થઇ ગઇ. એમની આંખ અશ્રુથી ભરાઇ ગઇ. એમણે કહ્યું કે અમે તમને પુરુષ નહિ પરંતુ પુરુષોત્તમ અને જીવ નહિ પરંતુ શિવ માનીએ છીએ. જીવ શિવની પાસે ના જાય તો બીજે ક્યાં જાય ? એનું કલ્યાણ શિવની પાસે પહોંચવામાં કે શિવ સ્વરૂપ થવામાં છે. એ દૃષ્ટિએ અમારું તમારી પાસે આવવાનું શાસ્ત્રસંગત છે. આદિ પુરુષ ભગવાન નારાયણ જેવી રીતે મુમુક્ષુજનો અથવા ભક્તો પર પ્રેમ કરે છે તેવી રીતે અમારી ઉપર કૃપા કરો અને અમારો ત્યાગ ના કરો. તમે ધર્મના મર્મને ક્યાં નથી જાણતાં ? એને અનુસરીને પણ સૌએ તમારી જ સેવા કરવી જોઇએ. અમે તમને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ માનીએ છીએ. તમે સંસારને સુખ તથા શાંતિ પ્રદાન કરવા જ પ્રકટ થયા છો તો અમને પણ શાંતિ આપો. કૃપા કરીને અમારો પરિત્યાગ ના કરો.

ગોપીઓને ક્યાં ખબર હતી કે ભગવાન તો એમના પવિત્ર પ્રેમની અને ઉંડા વિવેકની પરીક્ષા કરી રહ્યા છે ! એ રીતે એ એમના પ્રખર પ્રેમનું, પાવિત્ર્યનું અને જ્ઞાનનું દર્શન કરાવી રહેલા. એ દુનિયાને પરોક્ષ રીતે દર્શાવવા માંગતા હતાં કે ગોપીઓ કોઇ સામાન્ય સ્ત્રીઓ નહોતી, એમની આધ્યાત્મિક ભૂમિકા ઘણી ઊંચી હતી, અને એમની અંદર વિકાર કે વાસનાનો લેશ પણ નહોતો રહ્યો. ગોપીઓના જીવન બતાવે છે કે પરમાત્માની પરમકૃપાની પ્રાપ્તિ ઘરમાં રહીને કર્તવ્ય કે સ્વધર્મનું પાલન કરતાં કરતાં પણ થઇ શકે. એને માટે કોઇનો બાહ્ય ત્યાગ કે તિરસ્કાર કરવાનું અનિવાર્ય નથી પરંતુ નમ્ર, પવિત્ર અને પરમાત્મપરાયણ થવાનું છે. ભગવાન ગોપીઓની મનોકામના અને યોગ્યતાને પહેલેથી જ જાણતાં હતાં. એટલે તો એમને રાસલીલા દ્વારા સુખશાંતિ અથવા આનંદ આપવા કે કૃતાર્થ કરવા તૈયાર થયેલા.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.